
પ્રોડ્યુસર કિરણ રાવની ફિલ્મ 'લાપતા લેડીઝ' લોકોને ઘણી પસંદ પડી હતી. આ ફિલ્મને બોક્સ ઓફિસની સાથે ઓટીટી પર પણ બહુ પ્રશંસા થઇ હતી. આ ફિલ્મને આઈએમડીબી પર 8.4 રેટિંગ મળ્યું હતું. એવામાં આટલી સારી ફિલ્મ વિષે કોઈ એવું કહે કે આ ફિલ્મ ઓરિજિનલ નથી પણ સીન ટુ સીન કોપી છે તો કેવું લાગે! કારણકે હાલ સોશિયલ મીડિયા પર આવો જ વિવાદ ચાલી રહ્યો છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સનો દાવો છે કે, 'લાપતા લેડીઝ' ફિલ્મ અરબી શોર્ટ ફિલ્મ 'બુર્કા સિટી'ની નકલ છે.
શોર્ટ ફિલ્મ 'બુર્કા સિટી'ની સ્ટોરી
વર્ષ 2019માં ફિલ્મ 'બુર્કા સિટી' રિલીઝ થઇ હતી. 19 મિનિટની આ ફિલ્મની પૃષ્ટભૂમિ મિડલ ઈસ્ટના દેશોની છે. આ ફિલ્મમાં એક વ્યક્તિના નવા લગ્ન થાય છે અને તેની પત્ની બદલાઈ જાય છે કારણકે બંને મહિલાએ બુરખો પહેર્યો હતો. આ શોર્ટ ફિલ્મ એક કોમેડી ફિલ્મ છે. બિલકુલ આવી જ કઈક વાર્તા 'લાપતા લેડીઝ' ફિલ્મની પણ છે. કિરણ રાવ નિર્દેશિત 'લાપતા લેડીઝ'માં પણ બે દુલ્હન બદલાઈ જાય છે કારણકે બંનેએ ઘૂંઘટ ઓઢ્યો હતો. જો કે, આ સિવાય પણ ‘લાપતા લેડીઝ’માં અનેક સીન ‘બુર્કા સિટી’ જેવા છે.
પહેલા પણ લાગ્યા હતા ચોરીના આરોપ
'લાપતા લેડીઝ' રિલીઝ થઇ, ત્યારે ડાયરેકટર અનંત મહાદેવે પણ આ ફિલ્મને લઈને કિરણ રાવ પર ચોરીનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે વર્ષ 1999માં મેં એક ફિલ્મ બનાવી હતી, જેનુ નામ 'ઘૂંઘટ કે પટ ખોલ' હતું. આ ફિલ્મની વાર્તામાં પણ બે દુલ્હનો બદલાઈ જાય છે અને પોતાના અસ્તિત્વને શોધે છે. જો કે, આ આરોપનો કિરણ રાવ કે આમિર ખાને કોઈ જવાબ આપ્યો ન હતો.
સોશિયલ મીડિયા યુઝર્સ ગુસ્સે થયા
સોશિયલ મીડિયા પર એવી અનેક પોસ્ટ વાઇરલ થઇ રહી છે જેમાં આ ફિલ્મ ‘બુર્કા સિટી’ની નકલ હોવાના દાવા થઇ રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે, 'આ તો સાચે જ નકલ કરેલી ફિલ્મ લાગે છે. લાંબા સમય પછી કોઈ ફિલ્મ ગમી હતી અને એ ફિલ્મ પણ નકલ નીકળી. આ ઓરિજિનલ કોન્સેપ્ટ નથી'.
તો અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘કોઈ ફિલ્મ પરથી પ્રેરણા લેવી ખોટી વાત નથી, પણ જેમનો આઈડિયા છે એમને ક્રેડિટ તો આપવી હતી.' આ મામલે હજુ સુધી ‘લાપતા લેડીઝ’ના મેકર્સએ કોઈ પ્રતિક્રિયા આપી નથી, જેથી આ ફિલ્મના ચાહકો નિરાશ છે.