
બોલિવુડમાં કોઈનું ધાર્યું નથી થતું. વિવેક અગ્નિહોત્રીની સુપર હિટ અને બહુચર્ચિત ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' ના હીરો દર્શન તાજેતરમાં એક ઈન્ફોર્મલ ઈન્ટરએક્શન દરમ્યાન પોતાની લાઈફનો સૌથી કડવો અનુભવ શેયર કરતા કહ્યું, "ખરું પૂછો તો મેં 15 વર્ષના મારા કરિયર દરમિયાન ઘણીવાર રોલ છીનવાઈ જવાની પીડા અનુભવી છે. પરંતુ એક ચોક્કસ રિજેક્શનથી મને ભયંકર આઘાત લાગ્યો હતો. એ બહુ મોટી ફિલ્મ હતી. એના ડિરેક્ટરનું પણ મોટું નામ હતું. નસીર સરે મારી ભલામણ કરી હતી. મેં ઓડિશન આપ્યું અને સિલેક્ટ પણ થઈ ગયો. હું બહુ ખુશ હતો. કેરેક્ટર માટે વાળ અને દાઢી વધારવાના હતા. મેં એવા લુક માટે એક આખું વર્ષ તૈયારી કરી. એ દરમ્યાન જે ઓફર્સ આવી એ નકારતો રહ્યો. આખા વર્ષની આકરી મહેનત બાદ મને અચાનક એક દિવસ પ્રોડયુસરની ઓફિસમાં કહી દેવાયું કે અમે તમને આ રોલ નહીં આપી શકીએ. કોઈ ન્યુકમર પર અમે આટલો મોટો દાવ ન ખેલી શકીએ. એ સાંભળી મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મનમાં સમજી ગયો કે આ લોકોએ કોઈ મોટા સ્ટારને સાઈન કરી લીધો છે. કુદરતનો ન્યાય જુઓ કે રિલીઝ બાદ એ ફિલ્મ સદંતર ફ્લોપ ગઈ એ તો ઠીક છે પણ મારું એક વર્ષ બરબાદ થયું."
મોટાભાગના એક્ટર્સની જેમ દર્શનની કરિયર પણ નાટયાત્મક છે. એક સમયે માયાનગરી મુંબઈમાં એને કોઈ ઓળખતું નહોતું, જ્યારે આજે સોશિયલ મિડીયા પર 10 લાખથી વધુ ફોલોવર્સ છે. એક્ટર સંતોષ મિશ્રિત સ્માઈલ સાથે કહે છે, "યસ, મારી યાત્રા કમાલની રહી છે. તાજેતરમાં અમે ફેમિલી મેન-થ્રીના શૂટીંગ માટે લંડન ગયા હતા. એક દિવસ પેકઅપ બાદ અમે ડિનર માટે એક હોટેલમાં ગયા. સરસ મજાનું જમ્યા બાદ મેં બિલ ચુકવવા મારું ક્રેડીટ આપ્યું. ત્યારે હોટેલના માલિકે કહ્યું કે, સર, હું ઉજગર સિંહ( 'આશ્રમ' વેબશોમાં દર્શને આ નામનું પાત્ર ભજવ્યું છે) પાસેથી પૈસે કેમ લઈ શકું? બિલની રકમ મોટી હતી એટલે મેં એ ચુકવવા બહુ આગ્રહ કર્યો પણ એમણે પૈસા ન જ લીધા.એટલું જ નહીં હું મેંદો નથી ખાતો એટલે હોટેલના શેફે મારા માટે ખાસ ઘઉંના લોટ અને બદામની કેક બનાવી મને પેક કરી આપી. લંડનની ઘણી હોટેલમાં અને એક ક્લબમાં પણ મને આવો જ અનુભવ થયો. એમને બધાને મારા બિલમાં નહીં પણ મારી સાથે સેલ્ફી લેવામાં રસ હતો .ફેન્સની આવી લાગણી જોઉં છું ત્યારે હું બહુ ઈમોશનલ થઈ જાઉં છું. છતાં હજુ હું મારા એ દિવસો નથી ભૂલ્યો. જ્યારે મારે ખાવાના વાંધા હતા. અમે સાત મિત્રો એક રૂમમાં રહેતા હતા. પેટ ભરવા માટે હું ફક્ત ખિચડી બનાવી લેતો. પ્રોડયુસરો અને સ્ટુડિયોના ચક્કર લગાવ્યા કરતો. ઓડિશન માટે જવાનું હોય ત્યારે ફ્રેન્ડ્સ પાસેથી સારા કપડા માંગી લેતો. ઘણીવાર તો મને ઓડિશનની તક પણ હોતી અપાતી હું પહોંચુ ત્યારે ધડામ દરવાજો બંધ કરી દેવાતો. આવું લાંબો સમય ચાલ્યું છે. મને યાદ છે કે અમારા ફ્રેન્ડ સર્કલમાંથી કોઈ એકને ફિલ્મમાં કામ મળતું ત્યારે અમે બધા પૈસા ભેગા કરી તાજું દૂધ લાવતા અને કોફી બનાવીને પીતા અમારા માટે બહુ મોટી પાર્ટી હતી!"
સંવાદના સમાપનમાં દર્શનને એક ઈન્ટરેસ્ટિંગ પૃચ્છા થાય છે, "આશ્રમમાં તમે પોઝિટીવ અને ફેમિલી મેનમાં નેગેટીવ રોલ કર્યો છે. બંને સારા એવા વખણાયા છે, તો શું તમારી અંદર રામ અને રાવણ બંને જીવે છે?" સવાલનું મહત્ત્વ સમજી એક્ટર એનો સરસ જવાબ આપે છે,"સાહબ, રામ અને રાવણ તો આપણા બધામાં છે. હું બહુ દયાળું છું એ મારી અંદરના ભગવાન રામને કારણે. રિયલ લાઈફમાં સેન્સિટીવ છું, બધાનો આદર કરું છું. કોઈનું દિલ ન દુભાય એની કાળજી રાખું છું. પરંતુ મારી અંદર એક દશાનન (રાવણ) બેઠો છે અને એ મારો ક્રોધી છે. હું જાટ છું અને અમારા માટે એવું કહેવાય છે કે પ્રેમ મળે તો અમે જીવ પણ આપી દઈએ પણ આબરુની વાત આવે ત્યારે અમે સામાવાળાને ધોઈ નાખતા પણ ન અચકાઈએ. કોલેજમાં ગુસ્સામાં આવીને મેં ઘણી મારપીટ કરી છે. પરંતુ હવે હું ક્રોધ પર કાબુ મેળવવા, નિયમિત મેડિટેશન કરું છું, જેવો ફાયદો પણ થઈ રહ્યો છે. "