
ફેમસ સિંગર અને રેપર હની સિંહ આ સમયે ચર્ચામાં છે. કારણ છે તેની તાજેતરની રિલીઝ થયેલી ડોક્યુમેન્ટ્રી 'યો યો હની સિંહઃ ફેમસ'. આ ડોક્યુમેન્ટ્રીમાં રેપરની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ તેમજ વિવાદોને લગતા અનેક ખુલાસા થયા છે. તેમાં રેપરે શાહરૂખ ખાનના થપ્પડના વિવાદ પર પણ પોતાનું મૌન તોડ્યું છે.
આ પણ વાંચો: ક્યારેક ફેનને થપ્પડ મારી તો ક્યારેક ભાણેજ સાથે ઝઘડો, ગોવિંદાના નામ સાથે જોડાયેલા છે આ 7 વિવાદો
એક દાયકા પહેલા સમાચાર આવ્યા હતા કે શાહરૂખ ખાને યુએસ ટૂર દરમિયાન હની સિંહને જોરદાર થપ્પડ મારી હતી. જેના કારણે હની સિંહને કપાળ પર પણ ઈજા થઈ હતી. સિંગરે વર્ષો પછી આ અફવાઓ પર પોતાનું મૌન તોડ્યું છે. તેની ડોક્યુમેન્ટ્રીમાં હની સિંહે જણાવ્યું કે 9 વર્ષ પહેલા શું થયું હતું.
શાહરુખે થપ્પડ નહતી મારી
હની સિંહે કહ્યું કે શાહરૂખ ખાને તેને થપ્પડ નહતી મારી. યુએસ પ્રવાસ દરમિયાન તેઓ ખૂબ જ દયાળુ હતા. તેને માથા પર શાહરૂખના કારણે નહોતું વાગ્યું, પરંતુ તે કોન્સર્ટ કરવા નહતો માંગતો તેથી તેણે પોતાના માથા પર કપ માર્યો હતો. સિંગરે કહ્યું, "9 વર્ષ પછી હું કહેવા જઈ રહ્યો છું કે શું થયું. કોઈએ એવી અફવા ફેલાવી કે શાહરૂખ ખાને મને થપ્પડ મારી. તે માણસ મને પ્રેમ કરે છે, તે ક્યારેય મારા પર હાથ નહીં ઉપાડે."
હની સિંહ આ શો કરવા માંગતો નહતો
હની સિંહે વધુમાં ઉમેર્યું કે, "જ્યારે તેઓ મને શો માટે શિકાગો લઈ ગયા ત્યારે મેં કહ્યું, હું પરફોર્મ કરવા નથી માંગતો. મને ખાતરી હતી કે તે શો દરમિયાન હું મરી જઈશ. બધાએ મને કહ્યું કે મારે તૈયાર થઈ જવું જોઈએ, પરંતુ મેં ના પાડી. મારા મેનેજર આવ્યા અને કહ્યું, તમે કેમ તૈયાર નથી થતા? મેં કહ્યું, હું શો નહીં કરું, આ પછી હું વોશરૂમમાં ગયો, ટ્રીમર લીધું અને મારા વાળ કાપી નાખ્યા."
હની સિંહે આગળ કહ્યું, "આ પછી મેં કહ્યું, હવે હું કેવી રીતે પરફોર્મ કરીશ? મેનેજરે મને કહ્યું, ટોપી પહેરો અને શો કરો." હનીએ તેની ખુરશી પકડી અને ખસવાની ના પાડી. તેણે બૂમો પાડવાનું શરૂ કર્યું કે તે શો નથી કરવા માંગતો. તેણે કહ્યું, "ત્યાં એક કોફી મગ પડ્યો હતો. મેં તેને ઉપાડ્યો અને મારા માથા પર માર્યો."