Home / Entertainment : I have always lived and will continue to live on my own terms: Manushi Chillar

Chitralok: હું હંમેશાં મારી શરતો પર જીવી છું ને જીવતી રહીશ: માનુષી છિલ્લર

Chitralok: હું હંમેશાં મારી શરતો પર જીવી છું ને જીવતી રહીશ: માનુષી છિલ્લર

- 'હું સરસ મજાનું કામ કરતી મજેદાર મહિલાઓ વચ્ચે ઉછરી છું. હું તેમને તેમના કામનું પુરું શ્રેય આપું છું. હું એવા સરસ મજાના પુરૂષોને પણ ઓળખું છું જે મહિલાની હાજરીમાં કદી અસુરક્ષિતતા અનુભવતા નથી' 

રાજકુમાર રાવ અને માનુષી છિલ્લરની આગામી ફિલ્મ 'માલિક'માં માનુષી એક અલગ જ ભૂમિકામાં રજૂ થઇ છે. સામાન્ય રીતે તો ગેંગસ્ટર ફિલ્મમાં હિરોઇન્સને ભાગે કશું કરવાનું આવતું નથી પણ હિરોની જમાત વચ્ચે હિરોઇન તેની ભૂમિકામાં દમ હોય તો અલગ તરી આવે છે. માનુષી છિલ્લરને પરંપરાગત દેખાવમાં રજૂ કરતાં ફિલ્મ 'માલિક'ના પોસ્ટરને રાજકુમાર રાવે રિલીઝ કર્યું હતું. માનુષીના ચાહકોને તેની સાદગી અને પરંપરાગત દેખાવ ગમ્યા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

માનુષીની ઔર એક ફિલ્મ 'તહેરાન'માં જ્હોન અબ્રાહમ હીરો છે. માનુષી છિલ્લરે ફિલ્મ ઉદ્યોગમાં સફળતા મેળવવા માટે ભારે સંઘર્ષ કર્યો છે. કોઇ જ્યારે ઘસાતું બોલે ત્યારે માનુષીનો રોષ પ્રગટ થઇ જાય છે. મનોરંજન ઉદ્યોગમાં કામ કરનારાઓને સમાજ એક જમાનામાં હલકી નજરે જોતો હતો. આજે પણ ઘણા લોકો આવી માનસિકતા ધરાવે છે. તાજેતરમાં કોઇએ સોશ્યલ મિડિયા પર નનામી પોસ્ટ મુકી એવી ઇશારત કરી હતી કે માનુષી સુગર ડેડી સર્કલમાં અને નવા બનેલા ઉદ્યોગપતિઓના વર્તુળમાં ખાસ્સી લોકપ્રિય છે. માનુષીએ આ પોસ્ટ વાંચી તેનો આકરો જવાબ આપ્યો હતો. માનુષીએ ભારતીય પુરૂષોની માનસિકતાને છતી કરી હતી. માનુષીએ સ્પષ્ટતા કરી હતી કે પોતે પોતાની જિંદગી પોતાની શરતે જીવે છે અને તેને પ્રેરણા આપે તેવા પુરૂષોની સંગતમાં તેને મજા પડે છે. 

માનુષીએ લખ્યું કે સ્ત્રીવિરોધી માનસિકતા ધરાવતાં લોકો માટે મહિલાની સફળતા પચાવવી અઘરી હોય છે. તેઓ તેની સફળતાને તેના આશ્રયદાતા સાથે સાંકળીને જ જુએ છે. તેઓ એ સમજી જ શકતાં નથી કે નારી પણ તેની લાયકાતના જોરે તેના ક્ષેત્રમાં સફળ થઇ શકે છે. સામાન્ય રીતે હું આ પ્રકારની ટિપ્પણીઓને અવગણું છું, કેમ કે વાસ્તવિક જીવનમાં તેનું કશું મહત્ત્વ હોતું નથી. પણ મેં મનોરંજન ઉદ્યોગમાં કામ કરતાં સતત જોયું છે કે કામ કરતી નારીઓેનો ઉલ્લેખ અનાદર અને તિરસ્કાર પૂર્વક કરવામાં આવે છે. 

એ પછી માનુષી પોતાના ઉછેર વિશે જણાવે છે કે મારો ઉછેર એક એવા વાતાવરણમાં થયો છે જ્યાં જેન્ડરને કોઇ મહત્વ આપ્યા વિના વ્યક્તિના ગુણ અનુસાર તેની ઓળખ નક્કી કરવામાં  છે. મારા પરિવારમાં સારા ડોક્ટર હોવું ખૂબ મહત્ત્વનું છે પણ મહિલા કે પુરૂષ હોવું એટલું મહત્વનું નથી. પણ પુરૂષોની આ પ્રકારની માનસિકતાથી હું પરિચિત છું. જો પુરૂષ સફળ થાય તો  તેઓ તેને પ્રતિભાશાળી અને મહેનતુ ગણાવે છે પણ જો નારીઓ સફળ થાય તો તેને તકવાદી, નાણાંની ભૂખી કે ચાલાકીથી સફળ થનારી ગણાવવામાં આવે છે. 

માનુષી પોતાની વાત આગળ ધપાવતા કહે છે, હું સરસ મજાનું કામ કરતી મજેદાર મહિલાઓ વચ્ચે ઉછરી છું. હું તેમને તેમના કામનું પુરૂ શ્રેય આપું છું. હું એવા સરસ મજાના પુરૂષોને પણ ઓળખું છું જે મહિલાની હાજરીમાં કદી અસુરક્ષિતતા અનુભવતા નથી. તો આમ સરળ વાત એ છે કે હું મિસ વર્લ્ડ વિજેતા છોકરી છું જેણે પોતાના સપનાં સાકાર કર્યાં છે. હું આ અભિમાનથી નહીં, પણ સંતોષ અને સિદ્ધિ હાંસલ કર્યા બાદ નમ્રતાથી જણાવું છું. મારે હજી પણ ઘણું કરવાનું બાકી  છે. પણ હું મારા સપનાંઓને સાકાર કરવા માટે સંઘર્ષ કરતી હોઉં તો પણ હું મારા કામમાં જે મૂલ્યો ઉમેરું છું તેની ઉજવણી કરતી રહું છું. મહેરબાની કરી એ ભૂલશો નહીં કે હું નાણાંકીય રીતે સ્વતંત્ર છું. હું એક કામ કરતી વ્યવસાયી મહિલા છું જેણે પોતાની જાતમહેનતથી સફળતા મેળવી છે. હું જિંદગી મારી શરતોએ જીવું છું. હું એવા મિત્રો બનાવું છું જેમની પાસેથી મને નવુ કશું શીખવા મળે. જે લોકો મને પ્રેરણા આપે તેમના સંગમાં મને મોજ પડે છે. હું રોજ સવારે ઉઠું છું ત્યારે મને ખાતરી હોય છે કે હું જીવનમાં એક પગલું આગળ વધી છું અને મારે કોઇની સમક્ષ કશું પુરવાર કરવાનું નથી.  'બડે મિયા છોટે મિયા' ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારનની હિરોઇન બનેલી માનુષી નવી પેઢીની તમામ છોકરીઓને સલાહ આપતાં કહે છે, કોઇ તમારા ચારિત્ર્ય પર સવાલ કરે તો તેની અવગણના કરો. સ્વતંત્ર બનવાનો આનંદ અનોખો હોય છે. જ્યારે કોઇ છોકરી સ્વતંત્ર બને ત્યારે ઘણાં પુરૂષો અને મહિલાઓને તે રૂચતું નથી. તેમના માટે સૌથી સરળ રસ્તો તમારા ચારિત્ર્ય પર સવાલ ઉઠાવવાનો હોય છે. તેમની અવગણના કરો કેમ કે તમારી પોતાની સ્વતંત્ર જિંદગીનું મહત્વ તેના કરતાં ઘણું વધારે હોય છે. 

વેલ સેઇડ, માનુષી! 

Related News

Icon