
તમન્ના ભાટિયા સાથે બ્રેકઅપ બાદ વિજય વર્મા હવે ફાતિમા સના શેખ સાથે ડેટ કરી રહ્યો હોવાની અફવા ઉડી છે. જોકે, આ અફવા ફાતિમા સના શેખની આગામી ફિલ્મ 'મેટ્રો ઈન દિનો' ના પ્રચાર માટે ઉડાડવામાં આવી છે કે શું તેવી પણ ચર્ચા છે. બોલીવૂડમાં કોઈ કલાકારની નવી ફિલ્મ આવવાની હોય તે પહેલાં તેના પ્રેમ સંબંધ કે અન્ય બાબતોએ અફવા ઉડાડવી બહુ કોમન છે. મોટાભાગે જે તે કલાકારોની પીઆર એજન્સીઓ જ આવી અફવાઓ શરૂ કરતી હોય છે જેથી એ બહાને સંબંધિત કલાકારનું નામ ચર્ચામાં રહે
વિજય વર્મા અને તમન્ના ભાટિયા વચ્ચે બ્રેકઅપનું મુખ્ય કારણ એ હતું કે તમન્ના લગ્ન કરવા માંગતી હતી જ્યારે વિજય વર્મા કરિયર પર ફોક્સ કરવા માંગતો હતો. બંને લગ્ન કરી લેશે તેવું લગભગ નક્કી મનાતું હતું ત્યાં તેમના બ્રેકઅપના સમાચારોથી ફેન્સ બહુ નિરાશ થયા હતા. હવે ફાતિમા સના શેખ અને વિજય વર્માના ડેટિંગની અફવા શરૂ થઈ છે. જેનો અંત ફાતિમાએ લાવ્યો છે. એક્ટ્રેસે આ અંગે ખુલાસો કર્યો છે.
ટ્રેલર લોન્ચ સમયે કહી આ વાત
25 જૂનના રોજ મુંબઈમાં ફાતિમાની આગામી ફિલ્મ 'આપ જૈસા કોઈ' નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. તે ઈવેન્ટમાં જ્યારે મીડિયાએ તેને તેના રિલેશનશિપ સ્ટેટસ વિશે પૂછ્યું ત્યારે ફાતિમાએ સ્પષ્ટતાથી જવાબ આપ્યો અને કહ્યું કે તે સિંગલ છે અને હાલમાં કોઈની સાથે રિલેશનશિપમાં નથી. ફાતિમાએ હસતાં હસતાં કહ્યું, "કોઈ સારા છોકરાઓ નથી યાર... મારા જીવનમાં કોઈ નથી. ફક્ત ફિલ્મોમાં સારા છોકરાઓ મળે છે." આ નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું કે તે અને વિજય વર્માને એકબીજાને ડેટ નથી કરી રહ્યા.
વિજય વર્મા તરફથી અત્યાર સુધી મૌન
બીજી બાજુ, આ સમગ્ર મામલે અભિનેતા વિજય વર્મા તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા નથી આવી. તેણે આ સમાચારની પુષ્ટિ કે ખંડન નથી કર્યું. આવી સ્થિતિમાં, ફેન્સ હજુ પણ તેમના નિવેદનની રાહ જોઈ રહ્યા છે.
'ગુસ્તાખ ઈશ્ક' માં સાથે જોવા મળશે
જોકે, ફાતિમા અને વિજય ટૂંક સમયમાં 'ગુસ્તાખ ઈશ્ક' ફિલ્મમાં સાથે જોવા મળશે. આ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે, જેનું નિર્દેશન વિભુ પુરી કરી રહ્યા છે અને તેના નિર્માતા મનીષ મલ્હોત્રા છે. આ ફિલ્મમાં ફાતિમા અને વિજયની કેમેસ્ટ્રી જોવા મળશે, જેના કારણે આ બંને વચ્ચેના સંબંધોની ચર્ચાઓ પણ વધી ગઈ છે.
ફિલ્મમાં તેમની સાથે નસીરુદ્દીન શાહ અને શારિબ હાશ્મી જેવા અનુભવી કલાકારોનો પણ સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મ દ્વારા ગુલઝાર અને વિશાલ ભારદ્વાજની જોડી ફરી એકવાર સાથે કામ કરતી જોવા મળશે, જે સંગીત પ્રેમીઓ માટે કોઈ ટ્રીટથી ઓછું નથી.
ફાતિમા સતત ફિલ્મોમાં વ્યસ્ત રહે છે
ફાતિમા સના શેખના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે સતત ઘણા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત રહે છે. 'ગુસ્તાખ ઈશ્ક' અને 'આપ જૈસા કોઈ' ઉપરાંત, તે 'મેટ્રો ઈન દિનો' જેવી ફિલ્મોમાં પણ જોવા મળશે. તેના દમદાર અભિનયથી, તેણે ઈન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે.
ફાતિમા અને વિજય ઘણી વખત સાથે જોવા મળ્યા
ફાતિમા અને વિજય ઘણી વખત ઇવેન્ટ્સ અને ડિનર આઉટિંગમાં સાથે જોવા મળ્યા હતા, જેના કારણે સોશિયલ મીડિયા પર તેમના સંબંધો વિશે અટકળો શરૂ થઈ હતી. જોકે, હવે ફાતિમાના આ નિવેદન પછી, સ્પષ્ટ થઈ ગયું છે કે બંને વચ્ચે ફક્ત એક પ્રોફેશનલ સંબંધ છે.