
કમલ હાસનની ફિલ્મ 'ઠગ લાઈફ'ને લઈ અપડેટ આવ્યા છે. કર્ણાટકમાં ફિલ્મના રિલીઝ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હાઇકોર્ટની સલાહની અવગણના કરતા કમલ હાસને KFCC પાસે માફી માગી નથી. આ કારણે રાજ્યમાં તેની ફિલ્મ પર પ્રતિબંધ મુકાયો છે.
સાઉથના સુપરસ્ટાર કમલ હાસન કન્નડ ભાષા મુદ્દે આપેલા નિવેદનના કારણે વિવાદમાં સપડાયા છે. તેમણે અપકમિંગ ફિલ્મ 'ઠગ લાઇફ'ના પ્રમોશન દરમિયાન નિવેદન આપ્યુ હતું કે કન્નડ તમિલ ભાષામાંથી ઉદ્ભવેલી ભાષા છે. જેના લીધે રાજ્યમાં હોબાળો મચી ગયો હતો.
કર્ણાટકમાં વિવિધ સંગઠનો અને રાજકીય નેતાઓએ કમલ હાસનના નિવેદનને રાજ્યની ભાષા અને અસ્મિતા પર હુમલા સમાન ગણાવ્યું હતું. તેમણે માગણી કરી હતી કે, જ્યાં સુધી કમલ હાસન માફી નહીં માગે ત્યાં સુધી તેની કોઈ ફિલ્મ રાજ્યમાં પ્રસારિત કરવામાં આવશે નહીં.
રાજ્યમાં ભારે વિરોધ બાદ કમલ હાસન કોર્ટ પહોંચ્યા હતા. જ્યાં કોર્ટે તેની અરજી નામંજૂર કરતાં ફટકાર લગાવી હતી. હાઇકોર્ટની ફટકાર બાદ કમલ હાસને માફી માંગવાની ચોખ્ખી ના પાડી હતી. હવે તેમની ફિલ્મ પર મૂકવામાં આવેલો પ્રતિબંધ પર રોક નહીં લાગે. હાઇકોર્ટ દ્વારા આ કેસને 10 જૂન સુધી સ્થગિત કરવામાં આવ્યો છે. આ ફિલ્મ હવે કર્ણાટક સિવાય અન્ય રાજ્યોમાં રિલીઝ થશે.