2025નો સૌથી મોટો તહેવાર, મહાકુંભ, હજુ પણ ચાલુ છે. અત્યાર સુધીમાં ઘણા બોલિવૂડ સેલિબ્રિટી મહાકુંભમાં સ્નાન કરવા આવ્યા છે. ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ પર પવિત્ર સ્નાન કરવા માટે વિશ્વભરમાંથી લોકો પ્રયાગરાજ આવી રહ્યા છે. હવે આ યાદીમાં બોલિવૂડ સ્ટાર કેટરિના કૈફ અને અક્ષય કુમારનું નામ પણ ઉમેરાયું છે. કેટરિના કૈફ તેના સાસુ એટલે કે વિક્કી કૌશલના માતા સાથે મહાકુંભ પહોંચી હતી.
કેટરિના કૈફે મહાકુંભ પહોંચીને સંતોના આશીર્વાદ લીધા હતા. હવે તે ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવશે. મહાકુંભમાંથી એક્ટ્રેસનો વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં તે સંતો પાસેથી આશીર્વાદ લેતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં જોવા મળે છે કે એક સંત તેના કપાળ પર તિલક લગાવી રહ્યા છે અને એક્ટ્રેસ તેમની સામે હાથ જોડીને ઉભી છે. આ દરમિયાન કેટરિનાએ ગુલાબી રંગનો સૂટ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
એક્ટ્રેસે કહ્યું, 'હું ખૂબ જ ભાગ્યશાળી છું કે હું આ વખતે અહીં (મહાકુંભ) આવી શકી. હું ખરેખર ખૂબ જ ખુશ અને આભારી છું. હું સ્વામી ચિદાનંદ સરસ્વતીને મળી અને તેમના આશીર્વાદ લીધા. હું અહીંનો મારો અનુભવ શરૂ કરી રહી છું. મને અહીંની ઊર્જા, સુંદરતા અને મહત્ત્વ ખૂબ ગમે છે. હું આખો દિવસ અહીં વિતાવવા માટે ઉત્સાહિત છું.'
અક્ષય કુમારે પણ સંગમમાં ડૂબકી લગાવી
અક્ષય કુમાર 24 ફેબ્રુઆરી, સોમવારે સવારે પ્રયાગરાજ પહોંચ્યો હતો. સાદો કુર્તા પાયજામા પહેરીને, અક્ષય ઘાટ પર પહોંચ્યો અને પાણીમાં જતા પહેલા, તેણે હાથ જોડીને જમીન પર માથું ટેકવ્યું અને પછી ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી.
ઘાટ પર હાજર ભીડે અભિનેતાને જોયો કે તરત જ બધાએ તેનો વીડિયો બનાવવાનું શરૂ કરી દીધું. કેટલાક તો તેની નજીક આવવાનો પ્રયાસ પણ કરી રહ્યા હતા. પરંતુ તેની સિક્યોરિટીએ ભીડને કાબૂમાં રાખી. સોશિયલ મીડિયા પર અક્ષયનો વીડિયો જોયા પછી ફેન્સ પણ પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા. તમને જણાવી દઈએ કે કેટરિના કૈફ અને અક્ષય પહેલા અનુપમ ખેર, જુહી ચાવલા, વિક્કી કૌશલ અને તમન્ના ભાટિયા જેવા કલાકારો પણ મહાકુંભમાં ભાગ લઈ ચૂક્યા છે.