
- નદીમ-શ્રવણની પહેલી હિન્દી ફિલ્મ 'ઇલાકા' હતી. પછી 'હિસાબ ખૂન કા' અને 'બાપ નંબરી, બેટા દસ નંબરી' જેવી બી ગ્રેડની ફિલ્મો આવી. 'આશિકી' તેના પછી આવી
૧૯ ૭૨-૭૩ની આસપાસ એક મ્યુઝિક કોન્સર્ટમાં અમે પહેલીવાર મળેલા,' સંગીતકાર શ્રવણે વાત માંડે છે, 'યોગાનુયોગે બન્યું એવું કલાકારના કંઠની જે હરકતોને હું દાદ આપતો એને જ નદીમ પણ દાદ આપતો. આમ, બે-ચાર વાર થયું એટલે અમારી નજર એકબીજા પર પડી. સ્મિતની આપ-લે થઇ. હાય હલ્લો થયું. ધીમે ધીમે પરિચય થયો. એકબીજાનાં રસરુચિની વાતો થઇ. નદીમ તો એક નાનકડું મ્યુઝિક ગુ્રપ ચલાવતો હતો. એમાં અવરવજવર થઇ. ત્યાર બાદ અમારી વચ્ચે સંગીતની વાતો નિયમિત થવા લાગી. એ પછી અમે બંનેએ સાથે સંગીતની દુનિયામાં કંઇક કરી બતાવવાની યોજના ઘડી. બંનેમાં આગળ વધવાની મહત્ત્વાકાંક્ષા તો હતી જ...'
મુંબઇના માહિમ વિસ્તારમાં એક સૂફી સંત મખદૂમ બાબાની દરગાહ છે. આ ધર્મસ્થળ ચમત્કારી હોવાનું કહેવાય છે. તાજેતરમાં જન્નતનશીં થયેલા જગવિખ્યાત તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું બાળપણ આ દરગાહની પાછળ આવેલા એક મકાનમાં વીતેલું. ઉસ્તાદ અલ્લારખ્ખા આ મકાનમાં રહેતા. દરગાહની દિશામાં મોં કરીને તમે ઊભા રહો તો દરગાહની ડાબી બાજુ ત્રણ ચાર મકાન છોડીને ફિલ્મ સંગીતકાર સજ્જાદ હુસૈનનું ઘર છે. સજ્જાદ હુસૈનના પુત્રો આજે પણ ત્યાં રહે છે. બધા પુત્રો પિતાની જેમ મેંડોલીન વગાડે છે. દરગાહની જમણી બાજુ થોડે દૂર અસંખ્ય હિટ ફિલ્મ ગીતોમાં સિતાર છેડનારા ઉસ્તાદ અબ્દુલ હલીમ જાફરખાનનું ઘર આવે. આજે તો ખાનસાહેબ હયાત નથી. આ વિસ્તારમાં રોઝી એપાર્ટમેન્ટ કરીને એક મકાન છે. એમાં એક શ્રીમંત વેપારીને ત્યાં નદીમનો જન્મ. માતાપિતાનો લાડકો. બાળપણથી સંગીતમાં રસ હતો એટલે માતાપિતાએ સંગીતની તાલીમ અપાવી. ત્રણ ચાર વાદ્યો કુશળતાથી વગાડી શકે. એક નાનકડું ગુ્રપ પણ બનાવેલું. ભારતીય સંગીત ઉપરાંત પાશ્ચાત્ય સંગીત પણ ખૂબ સાંભળે. હેન્ડસમ પણ ખરો. હસમુખો અને મિલનસાર.
બીજી બાજુ શ્રવણ રાઠોડ ધુ્રપદ ધમાર શૈલીના એક ગવૈયા પંડિત ચત્રભુજ રાઠોડનો પુત્ર. ચત્રભુજ રાઠોડ પંડિત આદિત્યરામ ઘરાનાના છેલ્લા ગવૈયા. એક સમય હતો જ્યારે આ ઘરાનાના કલાકારોના ડંકા વાગતા. આજે આ ઘરાના લગભગ નામશેષ થઇ ગયું હોવાનું કહેવાય છે. મુંબઇના ગોવાલિયા ટેંક વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ ન્યૂ ઇરા સ્કૂલમાં પંડિત ચત્રભુજ રાઠોડ સંગીત શિક્ષક હતા. બહુ વિદ્વાન માણસ. શાીય સંગીત વિશ્વમાં ચત્રભુજ રાઠોડનું નામ આદરભેર લેવાય. એમના ત્રણ પુત્રોમાં શ્રવણ સૌથી મોટો. બીજા પુત્ર રૂપકુમાર રાઠોડે પહેલાં તબલાવાદનમાં નિપુણતા મેળવી અને બડા બડા કલાકારો સાથે સંગત કરી. ત્યારબાદ ગાયક તરીકે નસીબ અજમાવ્યું. ઘણી ફિલ્મોમાં ગાયું. ત્રીજો પુત્ર વિનોદ રાઠોડ પણ પાર્શ્વગાયક તરીકે પ્રસિદ્ધ થયો. એણે ઉષા ખન્નાના ગીતથી કારકિર્દી શરૂ કરેલી. પાછળથી જો કે નદીમ-શ્રવણ માટે પણ ગાયું અને ફિલ્મ ફેર એવોર્ડ મેળવ્યો.
શ્રવણ રાઠોડની વાત કરીએ તો એનો શાીય સંગીતનો પાયો ખૂબ પાક્કો. એકાદ-બે વાદ્યો પર પણ સારો કાબુ. સાવ કૂમળી વયથી ઉત્તમ સંગીત સાંભળતો આવેલો. અવારનવાર પિતાની સાથે પણ મહેફિલોમાં જતો. ઘરમાં પિતા રિયાઝ કરતાં હોય એ પણ એકાગ્રતાથી સાંભળે. નદીમ સાથે મૈત્રી થયા બાદ ફિલ્મ ઉદ્યોગમાં પગપેસારો કરવાના પ્રયાસો શરૂ કર્યા. આ એ સમયગાળો હતો જ્યારે એક તરફ અનુ મલિક, બપ્પી લાહિરી, રામ-લક્ષ્મણ, આનંદ-મિલિન્દ, રવીન્દ્ર જૈન વગેરે સફળતાને વરી ચૂક્યા હતા.
થોડાક પ્રયત્નો પછી એમને એક ભોજપુરી ફિલ્મ 'દંગલ' મળી. (આમિર ખાનવાળી 'દંગલ' જુદી.) ભોજપુરી ફિલ્મમાં નદીમ-શ્રવણે મન્ના ડેના કંઠે ગવડાવેલું એક ગીત જબરદસ્ત હિટ નીવડેલું. રમૂજી કહી શકાય એવું એ ગીત હતું. 'કાશી હિલે, પટના હિલે, કલકત્તા હિલેલા, ફૂટ ગૈલે કિસ્મતિયા, કાશી હિલે પટના હિલે, કલકત્તા હિલેલા, કી જબ લચકે તોહરી કમરિયા...' આમ ભોજપુરી ફિલ્મના સંગીતથી નદીમ શ્રવણ ફિલ્મ સૃષ્ટિમાં પ્રવેશ્યા.
એ પછી બોલિવુડના કેટલાક ફિલ્મ સર્જકો અને સંગીતકારોને ત્યાં ધક્કા ખાધા. થોડા સંઘર્ષ પછી એમને તક મળી.
મુંબઇમાં ઘણાની આખી જિંદગી વીતી જાય છતાં તક મળતી નથી. આ બંને એ દ્રષ્ટિએ થોડા ભાગ્યશાળી ગણાય. એમને થોડી રઝળપાટ પછી ૧૯૮૨માં એક ફિલ્મ મળી- 'મૈંને જીના સીખ લિયા'... આ ફિલ્મ જામી નહીં. આ એ સમયગાળો હતો જ્યારે એક તરફ એક્શન ફિલ્મો ચાલતી હતી અને બીજી બાજુ શ્યામ બેનેગલ જેવા સર્જકો પેરેલલ સિનેમા બનાવતા હતા. વચ્ચે વચ્ચે લવ સ્ટોરી આધારિત કે અન્ય મસાલા ફિલ્મો પણ રજૂ થતી રહી. જોકે મેઇનસ્ટ્રીમ ફિલ્મોની યાદીમાં મૂકીએ તો નદીમ-શ્રવણની પહેલી હિન્દી ફિલ્મ 'ઇલાકા' હતી. ત્યાર બાદ જ એવી જ બી ગ્રેડની ફિલ્મો કરી, જેમાં 'હિસાબ ખૂન કા' અને 'બાપ નંબરી, બેટા દસ નંબરી' જેવી ફિલ્મોનો સમાવેશ હતો. આમ ને આમ ૧૯૮૮ સુધી ચાલ્યું.
પછી એમ સમજો કે ભાગ્યની દેવી રીઝી. ગુલશનકુમારનો ભેટો થયો. 'આશિકી' ફિલ્મ મળી. એનાં ગીતો ગાજ્યાં અને ગૂંજ્યાં. ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો. 'આશિકી'થી એક આખો દાયકો એવો સર્જાયો જેમાં નદીમ શ્રવણના નામના સિક્કા પડતા રહ્યા. એ દરમિયાન એવાં ગીતો અને સંગીત સર્જાયું કે ૧૯૯૦નો આખો દાયકો નદીમ-શ્રવણના નામે લખાઇ ગયો. શંકર-જયકિસન, કલ્યાણજી-આણંદજી અને લક્ષ્મીકાંત-પ્યારેલાલની કારકિર્દી ત્રણ-સાડા ત્રણ દાયકા જેટલી ચાલી. આ બંને માટે એવું કહી શકાય નહીં. એક દાયકામાં સંજોગો એવા પલટાયા કે કારકિર્દીનું બાળમરણ થઇ ગયું. હવે પછીનાં થોડા શુક્રવારે આપણે નદીમ-શ્રવણનાં કેટલાંક હિટ ગીતોનો આસ્વાદ માણવાના છીએ.