
- 'કચ્છ એક્સપ્રેસ' માટે મળેલો રાષ્ટ્રીય અવોર્ડ માનસી માટે મહત્ત્વનો વળાંક સાબિત થયો છે. આ પારિતોષિકે તેના ટીકાકારોની બોલતી બંધ કરી દીધી છે.
સિદ્ધહસ્ત અભિનેત્રી, નિર્માત્રી અને ગાયિકા માનસી પારેખએ ભારતીય મનોરંજન ઉદ્યોગમાં પોતાનો વિશિષ્ટ પથ કંડાર્યો છે. ટીવીમાં પ્રારંભિક દિવસોથી લઈને બોલિવૂડ અને ગુજરાતી સિનેમામાં પ્રભાવશાળી પરફોર્મન્સ સુધી તે એક કલાકાર તરીકે વિકસતી રહી છે. બે દાયકામાં ફેલાયેલી તેની સફરમાં 'કચ્છ એક્સપ્રેસ'માં એવોર્ડ વિજેતા પરફોર્મન્સ, 'ઉરી: ધી સર્જિકલ સ્ટ્રાઈક'માં નોંધપાત્ર ડેબ્યુ અને ગુજરાતી સિનેમામાં અભૂતપૂર્વ ફાળા સામેલ છે.
માનસીએ 'ઉરી: ધી સર્જિકલ સ્ટ્રાઈક' સાથે ટીવીમાંથી બોલિવૂડમાં પદાર્પણ કર્યું. પ્રારંભમાં દિગ્દર્શક આદિત્ય ધરએ કોઈ લાંબી અને ગૌરવર્ણ અભિનેત્રીને કાસ્ટ કરવાની તૈયારી કરી હતી, પણ માનસીના ઓડિશને તેમને એટલા પ્રભાવિત કર્યા કે તેને તુરંત પસંદ કરવામાં આવી.
'કચ્છ એક્સપ્રેસ'માં પ્રોડયુસર અને મુખ્ય અભિનેત્રી તરીકેની માનસીની બેવડી ભૂમિકા તેના માટે પડકારજનક તેમજ ફળદાયી હતી. પતિ પાર્થિવ ગોહિલ સાથે ફિલ્મના સહ-નિર્માણ દરમ્યાન તેણે અનેક અવરોધોનો સામનો કરવો પડયો, ખાસ કરીને મહામારી પછીના સમયમાં તેની મુશ્કેલી વધી ગઈ. પણ આખી ટીમનો સખત પરિશ્રમ ફળ્યો અને માનસીને આ રોલ માટે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો.
'સ્ત્રી' અને 'મુંજ્યા' જેવી મુખ્ય પ્રવાહની ફિલ્મોની સફળતાથી હોરર-કોમેડી લોકપ્રિય શૈલી બની ગઈ. 'ઝમકુડી' સાથે આ ક્ષેત્રમાં માનસીનું પદાર્પણ હેતુપૂર્વકનું જોખમ હતું જે સફળ થયું.
માનસી માટે રાષ્ટ્રીય એવોર્ડ મહત્વનો વળાંક સાબિત થયો. ફિલ્મની સફળતાએ સાબિત કર્યું કે દર્શકો શક્તિશાળી, મહિલા કેન્દ્રિત ફિલ્મો માટે આતુર હોય છે. રાષ્ટ્રીય એવોર્ડે તેના ટીકાકારોની બોલતી બંધ કરી દીધી.
એવોર્ડ પ્રાપ્તિએ તેના પથ પર હાઈ-પ્રોફાઈલ બ્રાન્ડ જાહેરાતો અને ફિલ્મ સહયોગો સહિતની નવી તકો ઊભી કરી છે. એવોર્ડ મળવાથી માનસીને એક કલાકાર અને પ્રોડયુસર તરીકેના પ્રયાસોને પણ માન્યતા મળી. આગળ જોતા માનસી પાસે અનેક ગુજરાતી અને હિન્દી પ્રોજેક્ટ છે અને તે હવે પોતાના પ્રથમ પ્રેમ સંગીત તરફ પણ વાપસી કરવાની તૈયારી કરી રહી છે.
માનસી કેટ વિન્સલેટ, મેરીલ સ્ટ્રીપ, કોંકણા સેન શર્મા, અપર્ણા સેન અને રાધિકા આપ્ટે જેવા અગ્રણી કલાકારોને પોતાની પ્રેરણામૂર્તિ માને છે. ફિલ્મ સર્જકો તરીકે માનસી માર્ટિન સ્કોર્સેઝી, ઝોયા અખ્તર, ઈમ્તિયાઝ અલી, સંજય લીલા ભણસાળી, કરણ જોહર અને મણિ રત્નમનો આદર કરે છે.
ઓલ ધ બેસ્ટ, માનસી.