
Mahesh Bhatt On Hindu-Muslim: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં બનેલી તાજેતરની ઘટના અંગે દેશભરમાં ભારે આક્રોશ છે. પહલગામમાં આતંકવાદીઓએ જે રીતે 26 નિર્દોષ લોકોને તેમનો ધર્મ પૂછીને મારી નાખ્યા તે ભયાનક હતું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા કલાકારોએ પણ આ ઘટનાની નિંદા કરી છે. હવે દિગ્ગજ ડિરેક્ટર મહેશ ભટ્ટે હિન્દુ-મુસ્લિમ હિંસા પર વાત કરી છે અને તેમના બાળપણના દિવસોનું ઉદાહરણ પણ આપ્યું છે.
માએ શીખવી હતી આ વાત
બોલિવૂડ ડિરેક્ટર મહેશ ભટ્ટે આ મામલે કહ્યું- 'મારી મમ્મી શિયા મુસ્લિમ હતી અને મારા પિતા નાગર બ્રાહ્મણ હતા. બાળપણમાં જ્યારે મારી મમ્મી મને નવડાવતી અને સ્કૂલે મોકલતી, ત્યારે તે કહેતી, દીકરા, તું નાગર બ્રાહ્મણનો દીકરો છે. ભાર્ગવ ગોત્ર છે અને અશ્વિન શાખા છે. તો જ્યારે પણ તમને ડર લાગે, ત્યારે યા અલી મદદ બોલજે. ક્યારેય વિચાર્યું નહોતું કે એક સમય એવો પણ આવશે કે જ્યારે આપણે આ સંસ્કૃતિ જે મારા આપણા શરીર સમાન છે, આપણી સચ્ચાઈ સમાન છે તેને આ રીતે એક ઘા તરીકે લઈને ચાલવું પડશે.' મહેશ ભટ્ટની આ પ્રતિક્રિયા ખૂબ જ વાઈરલ થઇ રહી છે.
મહેશ ભટ્ટે આપી છે આ શાનદાર ફિલ્મો
ડિરેક્ટરની વાત કરીએ તો, તેમણે તેમના કરિયર દરમિયાન ઘણા એવા નિવેદનો આપ્યા હતા જેના કારણે તેમનો વિરોધ થયો હોય. આ ઉપરાંત તેમણે ઘણી શાનદાર ફિલ્મો પણ આપી. મહેશ ભટ્ટે તેમની કારકિર્દીમાં અર્થ, સારાંશ, નામ, લહુ કે દો રંગ, ડેડી, આશિકી, દિલ હૈ કી માનતા નહીં, ગુનાહ, સર, નાજાયાઝ, પાપા કહેતે હૈ, યે હૈ મુંબઈ મેરી જાન અને સડક 2 જેવી ફિલ્મો બનાવી છે.