
- 'ફુલે'માં અમે ઐતિહાસિક તથ્યોને ચુસ્તપણે વળગી રહ્યા છીએ. મારી ફિલ્મમાં કોઈ એજન્ડા નથી. ફિલ્મમાં અમે કોઈ કલ્પના ઉમેરી નથી'
સ માજમાં ઘણું નક્કર યોગદાન આપનાર વિભૂતિઓ પર આપણાં દેશમાં બહુ ઓછી ફિલ્મો બને છે. કદાચ એટલા માટે કે એમાં મનોરંજન ઓછું અને સત્ત્વ વધુ હોય છે. ગ્લેમરનો તો એમાં છાંટોય ન હોય. એ જ કારણસર ફાયનાન્સરો એના પર પૈસા લગાવવા તૈયાર નથી થતાં. છતાં 'સિન્ધુતાઈ સકપાળ' બાદ મહાદેવન હવે 'ફુલે' નામની આવીજ એક બાયોપિક લઈને આવ્યાં છે. આ ફિલ્મ મહારાષ્ટ્રના ક્રાંતિકારી સમાજસુધારક જ્યોતિરાવ ફુલે અને એમના પત્ની સાવિત્રીબાઈ ફુલેની બાયોપિક છે, જે રિલીઝ પહેલાં જ વિવાદોમાં સપડાઈ ગઈ છે.
ફુલેની રિલીઝ પહેલાં મહાદેવને મિડીયા સાથે ઈન્ટર એક્શન યોજી એમના પ્રશ્નના ખુલાસાવાર જવાબ આપ્યા હતા. પહેલાં જ સવાલમાં ફિલ્મ મેકરને એની રોચક પૃચ્છા થઈ કે સામાન્યપણે આપણાં દેશમાં ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર મૂવી બને ત્યારે ઘણો બધો વિવાદ થાય છે. છાવા, પદ્માવત અને બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મોના દાખલા આપણી સામે છે. એ જોતાં તમને ફુલે બનાવતી વખતે કોઈ વિવાદ ઊભો થવાનો ડર નહોતો લાગ્યો? મહાદેવન એનો બેધડક જવાબ આપે છે, 'મારી ફિલ્મથી કોઈની લાગણી દુભાશે કે ખોટું લાગશે એવા મારા મનમાં કે મગજમાં ડર રાખીને હું કામ નથી કરતો. કોઈ હકીકતને મારીમચડી નાખે કે ચોક્કસ એજન્ડા સાથે કામ કરે ત્યારે જ કોન્ટ્રોવર્સી થવાની શક્યતા ઊભી થાય. ફુલેમાં અમે ઐતિહાસિક તથ્યોને ચુસ્તપણે વળગી રહ્યા છીએ. અમે ઈતિહાસનું અર્થઘટન કરવાનો પ્રયાસ નથી કર્યો. અમે જે ખરેખર બન્યું હતું એ જ બતાવ્યું છે, મારે તો બસ એ તથ્ય રજુ કરી દર્શકોને એવો મેસેજ આપવાનો હતો કે જુઓ અમુક બદીઓ આજે પણ છે. અને એ દૂર કરીને આપણે સમાજને સુંદર બનાવી શકીએ. મારી ફિલ્મમાં કોઈ એજન્ડા નથી. એ વ્યાપક રિસર્ચ પર આધારિત છે. કોઈ કલ્પના નથી ઉમેરી અને કશું મનઘડત સામેલ નથી કર્યું.
મિડીયાનો બીજો પ્રશ્નવધુ ઈન્ટરેસ્ટિંગ છે: સર, તમારી ફિલ્મના મહારાષ્ટ્રના છે અને તમે મૂવીમાં એક ગુજરાતી એક્ટરને લીડ રોલમાં અને બંગાળી એક્ટ્રેસને નાયિકા તરીકે કાસ્ટ કરી છે. તમે એવું માનવા કઈ રીતે પ્રેરાયા કે બંને એ રોલ માટે પરફેક્ટ ચોઈસ બની રહેશે. મહાદેવન એના ઉત્તરમાં કહે છે, ' નોર્મલી હું એક્ટર્સની ટેલેન્ટ જોઈ એમનું કાસ્ટિંગ કરું છું. અને જરૂરી નથી કે મહારાષ્ટ્રના કે બીજી કોઈ પ્રદેશના પાત્રો વિશે મૂવી બનાવતો હોઉં તો મારે ત્યાંના લોકોને જ કાસ્ટ કરવા જોઈએ. રિચર્ડ એટનબરો જેવા મોટા મેકરે બેન કિંગ્સ્લેને ગાંધીની ભૂમિકા આપી, જે ભારતીય નહોતા. અમારી પાસે જ્યોતિબા અને સાવિત્રીબાઈના કોઈ ફોટા નહોતા, માત્ર સ્કેચિસ હતા. મારે એ સ્કેચિસને મળતા આવતા એક્ટર્સ જોઈતા હતા. વળી એમનામાં અસાધારણ ટેલેન્ટ પણ જોઈતી હતી. પ્રતીક ગાંધી સાથે મેં સ્કેમ ૧૯૯૨માં કો-ઓક્ટર તરીકે વખતે એની રેન્જ અને એની ક્ષમતા જોઈ હતી. મને એમાં બીજો સંજીવકુમાર દેખાયો હતો. જ્યારે પાત્રલેખાને મેં સિટીલાઈટ્સમાં જોઈ હતી. સાવિત્રીબાઈના રોલ માટે જે ઈન્ટેન્સિટી જોઈતી હતી એ એનામાં હતી. ઈન શોર્ટ, બંને એક્ટર્સ દરેક કસોટી પર ખરા ઉતરતા હતા.'
હવે અનંતભાઉને એક રુટીન સવાલ કરાય છે: તમને આ મૂવી બનાવવાનો વિચાર ક્યાંથી સ્ફૂર્યો? તેઓ કહે છે, 'ઘણા વખતે પહેલાની છે. હું નાદિરા બબ્બર માટે એક મહિલા પાત્રી પ્લે લખતો હતો. તેઓ એકલા સાવિત્રીબાઈ ફુલે અને એમની આસપાસના બીજા પાત્રો ભજવવા ઈચ્છતા હતા. એટલે નાટક લખવા મેં રિસર્ચ કર્યું. પરંતુ કોઈક કારણસર એ નાટક ભજવાયું નહિં. પરંતુ મારી પાસે ફુલે વિસે ઘણું રિસર્ચ મટીરિયલ ભેગુ થઈ ગયું હતું. સદનસીબે. મારા પ્રોડયુસર્સ રિતેશ અને અનુયા કુડેચા જ્યારે ઍફિલ્મ બનાવવા પ્રપોઝલ સાથે મને મળ્યાં ત્યારે એમણે પણ ફુલેનો ટોપિક છેડયો તેઓ પણ એમની બાયોપિક બનાવવા ઈચ્છતા હતા.
સમાપનમાં પત્રકારોએ ડિરેક્ટરને પૂછ્યું કે પાઠયપુસ્તકોમાં જ્યોતિ બા અને સાવિત્રીબાઈ ફુલેનો માંડ એકાદ-બે પેરામાંઉલ્લેખ થાય છે. છતાં તમને અત્યારે એમના જીવન અને કાર્યોે પર ફુલલેંગ્થ મૂવી બનાવવાનું કેમ સૂઝ્યું? પ્રશ્નકર્તાને બિરદાવતા મહાદેવન કહે છે, ' તમે બહુ વેલિડ પોઈન્ટ ઉઠાવ્યો છે. હકીકતમાં આ ફિલ્મ ઘણાં પહેલા બની જવી જોઈતી હતી. ખાસ તો એટલા માટે કે જ્યોતિબા અને સાવિત્રીબાઈ જેવા બે મહાન લોકોને પાઠયપુસ્તકોમાં એકાદ બે પેરા કે એકાદ ચેપ્ટર પુરતા સીમિત કરી દેવાયા છે. કોઈક અકળ કારણોસર આપણાં ઈતિહાસકારોએ એમનો ઘોર કરી છે. એટલે આજની પેઢીને આવી વિભૂતિઓનો પરિચય કરાવવા એમની બાયોપિક બનાવવાની તાતી જરૂર હતી. ફુલે દંપતિનું ઐતિહાસિક અને સામાજિક દ્રષ્ટિએ ઘણું મહત્ત્વ છે. એમની અવગણવા પાલવે તેમ નથી.'