
Indias Got Latent: ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ કેસમાં એક નવું અપડેટ સામે આવ્યું છે. ગઈ કાલે રણવીર અલ્લાહબદિયાએ તપાસ અધિકારીની સામે પોતાના નિવેદનમાં પોતાની ભૂલ કબૂલ કરી છે. રણવીરે કહ્યું કે, 'મારાથી ભૂલ થઈ છે.'
મારાથી ભૂલ થઈ ગઈ: રણવીર અલ્હાબાદિયા
સૂત્રોના જણાવ્યા અનુસાર, રણવીરે પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું કે, 'હું સમય રૈનાનો મિત્ર છું. તેથી જ હું તે શૉમાં ગયો હતો. જે લાઇન પર વિવાદ થયો હતો તે બોલવું મારી ભૂલ હતી. મારે આવું ના બોલવું જોઈતું હતું.'
શું રણવીરે શૉ માટે પૈસા નથી લીધા?
રણવીરે પોલીસની સામે પોતાનો ગુનો કબૂલ કર્યો અને કહ્યું કે મેં ભૂલ કરી છે. રણવીરે એવો પણ દાવો કર્યો હતો કે મેં શૉમાં જવા માટે પૈસા લીધા નથી. અમે યુટ્યુબર છીએ અને તેથી જ મિત્રતાના કારણે અમે એકબીજાના શૉમાં આવતા રહીએ છીએ.'
શું છે સમગ્ર મામલો?
યુટ્યુબર સમય રૈના યુટ્યુબ પર ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ નામનો શૉ ચલાવે છે. જે ડાર્ક કોમેડી શૉ છે. ફેમસ યુટ્યુબર અને પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાએ થોડા દિવસો પહેલા તેમાં ભાગ લીધો હતો. તે દરમિયાન તેણે શૉમાં માતા-પિતાને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેના કારણે તે કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગયો હતો. આ અંગે રણવીર અને સમય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેની તપાસ ચાલુ છે.
રણવીર અલ્હાબાદિયા પ્રખ્યાત યુટ્યુબર છે. જે પોડકાસ્ટ ચેનલ પણ ચલાવે છે. અત્યાર સુધી તેના શૉમાં કાર્તિક આર્યનથી લઈને વિક્કી કૌશલ જેવા ઘણા મોટા સ્ટાર્સ જોવા મળ્યા છે. પરંતુ હવે વિવાદોમાં ફસાયા બાદ તમામ સ્ટાર્સે રણવીરથી દૂરી બનાવી લીધી છે.