
‘સુપરમેન સલમાન કા ફેન‘ ગીત તરીકે સારું લાગે પણ તે હકીકત બદલવામાં સહાયક બનતું નથી. ને હકીકત એ છે કે વૃદ્ધાવસ્થા સલમાન ખાનના શરીરનો દરવાજો ખખડાવી રહી છે. ‘બૂઢાપા દેખ કર રોયા...’ એક અભિનેતા વૃદ્ધાવસ્થાથી ડરે છે તેટલું કદાચ કોઈ ડરતું નથી. સલમાન ખાન પણ તેમાંથી બહુ બાકાત નથી. સત્યથી ભાગી શકાતું નથી એ પણ એટલું જ સત્ય છે. ચાલો આજે અભ્યાસ કરીએ કે ભારતીય સિનેમાના આ સિતારાની કુંડળી શું કહી રહી છે.
મેષ લગ્નની કુંડળી છે. 10મે બેઠેલો મંગળ ઉચ્ચ પણ છે અને દિગ્બલિ પણ. લોકપ્રિયતાનો ગ્રહ શુક્ર પણ મંગળ સાથે 10મે બેઠો હોવાથી જ આ અભિનેતા હાઈલી એનર્જેટિક અને લોકપ્રિય છે. 10મે બેઠેલો શુક્ર તેના પરિવારના સ્થાનનો પણ માલિક બનતો હોવાથી તેના પરિવારમાંથી પણ ફેમસ કલાકારો છે. સૂર્ય ઉપર ગુરુની દૃષ્ટિ હોવાથી પાવરફૂલ પિતાનો પુત્ર છે. પિતા સ્થાનનો માલિક ગુરુ ત્રીજા સ્થાનમાં મિથુન રાશિમાં બેઠો છે અને નવમા સ્થાનમાં બેઠેલા સૂર્યને જોઈ રહ્યો છે. આથી તેના પિતા સુપ્રસિદ્ધ લેખક છે. સલમાન તેના પિતાને પોતાના બોસ માને છે. જ્યારે તેના પિતાનું અવસાન થશે ત્યારે સલમાન તૂટી જશે.
11મા સ્થાનમાં ચંદ્ર અને શનિનો વિષયોગ છે. તેને લાભ તો મળે છે, પરંતુ તે મનથી દુઃખી છે. કારણ કે શનિ દુઃખકારક ગ્રહ છે. શનિ લાભ સ્થાનનો માલિક છે. આથી શનિની મહાદશામાં તેને ખૂબ લાભ મળ્યો છે, પણ મનથી ખુશી ઓછી મળી છે.
મંગળ અને શુક્રની યુતિ છે અને તેના પર રાહુની દૃષ્ટિ છે આથી અફેર ખૂબ થયા છે, પણ લગ્ન નથી થયા.
સલમાનના નામે 17 એવી ફિલ્મો બોલે છે જેણે 100 કરોડ કે તેથી વધુનો વકરો કર્યો છે. બીજા કોઈ અભિનેતાના નામે સો કરોડી ફિલ્મોનો આટલો મોટો થપ્પો નથી. આ બધી જ ફિલ્મો તેણે શનિની દશામાં કરેલી. શનિ પોતાના ઘરમાં અને લાભ સ્થાનમાં બેઠો હોવાથી છુટ્ટા હાથે આપ્યું છે. 2021થી તેની બુધની દશા શરૂ થઈ ત્યારથી તેની નિષ્ફળતાની શરૂઆત થઈ છે. કારણ કે બુધ તેની કુંડળીમાં સૌથી અશુભ ગ્રહ છે. વૃશ્ચિક રાશિમાં કેતુ સાથે આઠમા સ્થાનમાં બેઠો છે. આ જ બુધની દશા તેને માનસિક પીડા અને ચામડીના કે જ્ઞાનતંતુના રોગ આપનારી પણ નીવડી શકે છે. બુધ આઠમા સ્થાનમાં બેઠો હોવાથી તેને હેલ્થ ઈશ્યૂઝ શરૂ થઈ ચૂક્યા હશે. બુધ જળતત્ત્વ રાશિમાં બેઠો હોવાથી શરીર વધવા લાગ્યું છે અને બેડોળ થવા લાગ્યું છે.
એટલું જ નહીં, પણ તેની સાડાસાતી પણ ચાલુ છે. સાડાસાતીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. મોસ્ટ મેલિફિક બુધની દશા અને સાડાસાતીનો અંતિમ તબક્કો સંકેત કરી રહ્યો છે સલમાને નિવૃત્તિ લેવાની અથવા કરિયરનો ટ્રેક ચેન્જ કરવાની તાતી જરૂર છે. જો તે એવું નહીં કરે તો તેને મે મહિનાથી દોઢ વર્ષ સુધી તેના ચંદ્ર પરથી પસાર થનારો રાહુ ફરજ પાડશે. આવનારા દોઢથી બે વર્ષની અંદર સલમાન ખાનના જીવનમાં મોટા-મોટા પરિવર્તનો આવશે. એવા ફેરફાર જે જીવનમાં 15થી 20 વર્ષે એકાદ વખત આવતા હોય છે.