Home / Entertainment : Shabbir Ahluwalia: Viewers' taste in content has changed

Chitralok/ શબ્બીર આહલૂવાલિયા: દર્શકોની કન્ટેન્ટ પ્રત્યેની રુચિ બદલાઈ છે

Chitralok/ શબ્બીર આહલૂવાલિયા: દર્શકોની કન્ટેન્ટ પ્રત્યેની રુચિ બદલાઈ છે

'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી' થી લઈને 'કુમકુમ ભાગ્ય' સુધીની સંખ્યાબંધ ધારાવાહિકોમાં અઢી દશક સુધી કામ કરનાર અભિનેતા શબ્બીર આહલૂવાલિયા કોઈ ઓળખનો મોહતાજ ન જ હોય. હાલ એ 'ઉફ્ યે લવ હૈ મુશ્કિલ'માં ધારાશાસ્ત્રીની ભૂમિકા ભજવી રહ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

છેલ્લા કેટલાંક વર્ષમાં ઓટીટીનું ચલણ વધવાને પગલે દર્શકોનું ટીવી પ્રત્યેનું આકર્ષણ ઘટયું છે. પરંતુ શબ્બીર માને છે કે માત્ર ઓટીટી જ નહીં, સોશ્યલ મીડિયા પણ તેને માટે કારણભૂત છે. આજે દર્શકો પાસે મનોરંજનના સંખ્યાબંધ વિકલ્પો મોજૂદ છે. તેમની સામે વિવિધ પ્રકારના કન્ટેન્ટનો ભંડાર ભર્યો છે. આવી સ્થિતિમાં દર્શકોને જકડી રાખવા હોય તો કંઈક નોખું-અનોખું-દમદાર રજૂ કરવું રહ્યું. મેં મારી કારકિર્દીનો આરંભ કર્યો ત્યારે મનોરંજનના સાધનો મર્યાદિત હતાં. પણ હવે ઇન્ટરનેટને પગલે આખી દુનિયા તમારી મુઠ્ઠીમાં છે. કદાચ આ કારણે જ કલાકારો માટે વર્તમાન સમય અત્યંત ઉત્સાહપ્રેરક છે.

સોશ્યલ મીડિયા પર શબ્બીરના વેઇટ લૉસ તેમ જ સુંબુલ તૌકીર સાથેના શોમાં બંને વચ્ચે રહેલા વયભેદની ખૂબ ચર્ચાઓ ચાલેલી. તેથી એવો પ્રશ્ન થવો સહજ છે કે શું અભિનેતાને આવી બાબતો અસર કરે છે ખરી? આના જવાબમાં શબ્બીર કહે છે કે હું ક્યારેય સોશ્યલ મીડિયાને ઝાઝું મહત્વ નથી આપતો. મને જ્યારે મારા કામ કે અંગત જીવન વિશે કોઈ જાણકારી આપવી હોય ત્યારે હું સોશ્યલ મીડિયા પર તે મૂકી દઉં છું. તેના સિવાય સોશ્યલ મીડિયાના હિસાબે હું નથી જીવતો. મારા મતે તમે આ પ્લેટફોર્મને જેટલું વધુ મહત્વ આપો એટલા વધારે દુખી થાઓ.

શબ્બીરને ઘર, કામ અને સ્પોર્ટ્સ સિવાય ખાસ કોઈ વાતમાં રુચિ નથી. શૂટિંગ પૂરું થતાં જ તે ઘરની વાટ ઝાલે છે. અભિનેતા કહે છે કે મારી જાન મારી પત્ની કાંચી કૌલ અને મારા બંને સંતાનોમાં વસે છે. કાંચી એક પરફેક્ટ પત્ની અને માતા છે. મને મારા પરિવાર સાથે ખાવું-પીવું, સુવું-ઉઠવું, હરવું-ફરવું, ખાસ કરીને મારા સંતાનો સાથે મોજમસ્તી કરવી ખૂબ ગમે છે. તેમની સાથે હું જેટલો સમય વિતાવું એટલો મને ઓછો લાગે. મોકો મળતાં જ હું તેમને લઈને સહેલગાહે ઉપડી જાઉં છું.

શબ્બીરને ખેલકૂદ પ્રત્યે ગજબનું આકર્ષણ છે. ખાસ કરીને સાહસિક રમતો રમવા તે હમેશાં ઉત્સાહિત રહે છે. તે પોતે આ વાત કબૂલતાં કહે છે કે મને સાહસિક રમતો વધુ ગમે છે. આ પ્રકારની રમતો રમતાં રમતાં કેટલીય વખત મારાં હાડકાં ભાંગ્યા છે. જોકે હવે હું આ બાબતે સાવધાન થઈ ગયો છું. હવે હું યોગ, કાર્ડિયો અને વર્કઆઉટ કરીને શારીરિક-માનસિક મજબૂતી જાળવી રાખું છું. મારા સંતાનોને પણ સ્પોર્ટ્સ પ્રત્યે મારા જેવાં જ રસ-રુચિ છે.  

Related News

Icon