ટીમ ઈન્ડિયા દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડનો સામનો કરી રહી છે. આ મેચ માટે ભારતને દેશ અને દુનિયા તરફથી શુભકામનાઓ મળી છે. આંતરરાષ્ટ્રીય પોપ સિંગર શોન મેંડેસે પણ ટીમ ઈન્ડિયાને અનોખા અંદાજમાં શુભેચ્છા પાઠવી છે. મુંબઈમાં એક લાઈવ કોન્સર્ટ દરમિયાન, તેણે વિરાટ કોહલીની જર્સી પહેરી અને પછી હજારો ફેન્સની સામે ટીમ ઈન્ડિયાને ફાઈનલ માટે શુભકામનાઓ પાઠવી.
વિરાટ કોહલીની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. આ સુપરસ્ટારના ફેન્સ આખી દુનિયામાં છે. કેનેડિયન પોપ સિંગર શોન મેંડેસ પણ વિરાટ કોહલીનો ફેન છે. શોન 'લોલાપાલૂઝા ઈન્ડિયા 2025' ઈવેન્ટ માટે ભારતમાં છે. શનિવારે, તેણે દક્ષિણ મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સમાં શાનદાર પ્રદર્શન કર્યું અને પછી ફેન્સની સામે, તેણે ટીમ ઈન્ડિયાને જીતની શુભેચ્છા પાઠવતા વિરાટ કોહલીની જર્સી પહેરી. તેના પર 'વિરાટ' અને તેની જર્સી નંબર '18' લખેલું હતું. શરૂઆતમાં ટી-શર્ટ અને પેન્ટમાં પરફોર્મ કરતો જોવા મળેલો શોન પાછળથી વિરાટનું નામ અને 18 નંબર લખેલી જર્સી પહેરીને ફેન્સને આશ્ચર્યચકિત કરી ગયો.
ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાને શુભકામનાઓ
શોને વિરાટ લખેલી જર્સી પહેરતાની સાથે જ ફેન્સે 'કોહલી-કોહલી' ની બૂમો પાડવાનું શરૂ કરી દીધું. આ પછી, ટીમ ઈન્ડિયાને ફાઈનલ માટે શુભકામનાઓ પાઠવતા, આ સ્ટાર સિંગરે કહ્યું, 'ભારત, મને ખબર છે કે કાલે તમારી મેચ છે. શુભેચ્છાઓ. આશા છે કે કાલે બધું સારું રહેશે.'
શનિવારે 'લોલાપાલૂઝા ઈન્ડિયા 2025' ઈવેન્ટ દરમિયાન શોને પોતાના હિટ ગીતો દ્વારા સ્ટેજ પર આગ લગાવી દીધી. તેણે લગભગ દોઢ કલાક સુધી પર્ફોર્મ કર્યું. આ દરમિયાન શાને 'ટ્રીટ યુ બેટર', 'સેન્યોરિટા', 'ધેર્સ નથિંગ હોલ્ડિંગ મી બેક', 'વ્હાય' અને 'ડુ આઈ એવર ક્રોસ યોર માઈન્ડ' જેવા લોકપ્રિય ગીતો ગાયા હતા. હજારો ફેન્સની ભીડ તેના ગીતો પર નાચતી જોવા મળી હતી. તેણે કહ્યું કે તેને ભારતીય સંસ્કૃતિ ગમે છે અને તે ખૂબ જ પ્રિય છે. તેને ભારતીય સંગીત અને ભારતીય સંગીતકારો સાથે પણ લગાવ છે. પરફોર્મન્સના અંતે, પોપ સિંગરે કહ્યું, 'સી યુ, નમસ્તે, બાય-બાય'.