
સ્વર્ગસ્થ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની આજે (૧૧ જૂન) જન્મજયંતિ છે. આ પ્રસંગે મૂસેવાલાના પરિવારે તેમને યાદ કર્યા છે. ગાયકના ઘરે સુખમણિ સાહિબનું પઠન કરવામાં આવ્યું હતું. સિદ્ધુ મૂસેવાલાના પિતાએ કેક કાપીને શુભદીપ ઉર્ફે સિદ્ધુ મૂસેવાલાના જન્મદિવસની ઉજવણી કરી હતી.
પરિવારે એપ રિલીઝ કરી
સિદ્ધુ મૂસેવાલાના પિતા બલકૌર સિંહે જણાવ્યું હતું કે, આજે ગાયકના જન્મદિવસે તેના ફેન્સ માટે એક એપ લોન્ચ કરવામાં આવી છે. તેમાં ત્રણ ગીતો છે. સિદ્ધુ મૂસેવાલાના નવા ગીતો એપમાં સાંભળી શકાશે. જે અગાઉ રિલિઝ નહોતા થયા. આ બધા ગીતો થોડા સમયમાં લાખો વ્યૂઝને પાર કરી ગયા છે. ૧૧ જૂને જ, બીબીસી વર્લ્ડ સર્વિસ દ્વારા સિદ્ધુ મૂસેવાલાની હત્યા પર બે ભાગની ડોક્યુમેન્ટરી રિલીઝ કરવામાં આવી છે. તે તેમના યુટ્યુબ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઈ રહી છે.
યુટ્યુબ પર ડોક્યુમેન્ટરી સ્ટ્રીમ કરવામાં આવી
મૂસેવાલાના પિતા બલકૌર આ ડોક્યુમેન્ટ્રી રિલીઝ થાય તેવું ઈચ્છતા નહોતા. આ માટે તેમણે પંજાબની માનસા કોર્ટમાં રિલીઝ અટકાવવા અરજી પણ કરી હતી. આ કેસની સુનાવણી 12 જૂને કોર્ટમાં થવાની હતી. પરંતુ બીબીસીએ એ પહેલા જ આ ડોક્યુમેન્ટરી રિલીઝ કરી દીધી હતી. આ અંગે બલકૌર સિંહે કહ્યું કે, વારંવાર કહેવા છતાં અને કોર્ટમાં અરજી કર્યા પછી પણ BBCએ સિદ્ધુ મૂસેવાલાની ડોક્યુમેન્ટરી યુટ્યુબ પર રજૂ કરી દીધી છે. એનાથી તેઓ બહુ દુખી છે.
સિદ્ધુ મૂસેવાલાની ડોક્યુમેન્ટરી
બીબીસી ડોક્યુમેન્ટરીમાં સિદ્ધુ મૂસેવાલાના કેટલાક જૂના મિત્રો, પત્રકારો અને દિલ્હી અને પંજાબના વરિષ્ઠ પોલીસ અધિકારીઓના ઇન્ટરવ્યુ જોઈ શકાય છે. ઉપરાંત, ગેંગસ્ટર ગોલ્ડી બ્રારનો ઓડિયો ઇન્ટરવ્યુ પણ તેમાં શામેલ છે. ગોલ્ડી પર સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો આરોપ હતો. આ હત્યા 29 મે 2022 ના રોજ પંજાબના માનસા જિલ્લાના જવાહર ગામ નજીક થઈ હતી. હુમલાખોરોએ સિદ્ધુ મૂસેવાલા પર બંદૂકથી ગોળીઓ ચલાવી હતી. જેમાં તેને 30 ગોળીઓ વાગતા મૃત્યુ થયું હતું.
સિદ્ધુ મૂસેવાલા પરની BBCની ડોક્યુમેન્ટરી બુધવારે સાંજે મુંબઈના એક સિનેમા હોલમાં પ્રીમિયર થવાની હતી. પરંતુ તેના પર શરૂ થયેલા વિવાદ અને ગાયકના પરિવારની નારાજગી બાદ પ્લેટફોર્મે તેને તેની યુટ્યુબ ચેનલ પર સ્ટ્રીમ કરવાનો નિર્ણય લીધો. બે ભાગમાં બનેલી આ ડોક્યુમેન્ટરીમાં સિદ્ધુ મૂસેવાલાનું જીવન, ગાયક તરીકેની કારકિર્દી ગીતો, વિવાદો, પ્રસિદ્ધિ અને હત્યા વિશે બતાવાયું છે.