
- રાકેશ રોશને સોશિયલ મીડિયા પર દીકરાને ઉદ્દેશીને લખ્યું: 'આદિત્ય ચોપડા અને હું તને દિગ્દર્શક તરીકે લોન્ચ કરી રહ્યા છીએ. આપણી સૌથી મહત્વાકાંક્ષી ફિલ્મ 'ક્રિશ-ફોર'ને આગળ લઈ જવાની જવાબદારી હવે તારે શિરે છે....'
હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં સુપર હીરોની કથા રજૂ કરવાનું શ્રેય રાકેશ રોશનને જાય છે. સવાલ જ નથી. તેમણે ૨૦૦૩માં 'કોઈ મિલ ગયા' સાથે પ્રથમ સાયન્સ ફિકશન કમશયલ ફિલ્મ આપી હતી. આ પ્રયોગ એવો સફળ થયો કે આજે બે દાયકા બાદ પણ આ સુપરહીરો ફ્રેન્ચાઇઝીનો ચોથો ભાગ 'ક્રિશ-ફોર' ક્યારે આવે તેની દર્શકો કાગડોળે વાટ જોઇ રહ્યા છે.
થોડા દિવસો પહેલાં રાકેશ રોશને તેમની આ મહત્વાકાંક્ષી સુપર હીરો ફ્રેન્ચાઇઝીના ચોથા ભાગ વિશે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી મુકી હતી, જેમાં તેમણે હૃતિકને ઉદ્દેશીને લખ્યું હતું કે, 'ડુગ્ગુ, ૨૫ વર્ષ અગાઉ મેં તને એક એક્ટર તરીકે લોન્ચ કર્યો હતો. આજે ૨૫ વર્ષ બાદ ફરી એકવાર આદિત્ય ચોપડા અને હું તને દિગ્દર્શક તરીકે લોન્ચ કરી રહ્યા છીએ. આપણી સૌથી મહત્વાકાંક્ષી ફિલ્મ 'ક્રિશ-ફોર'ને આગળ લઈ જવાની જવાબદારી હવે તારે શિરે છે. તને આ નવા અવતારમાં સફળતા મળે તેવી શુભેચ્છાઓ સાથે આશીર્વાદ....'
રાકેશ રોશનની આ ધમાકેદાર ઘોષણા પછી હવે હૃતિક રોશનની જવાબદારી વધી ગઈ છે. તાજેતરમાં યુએસના પ્રવાસ દરમિયાન હ્ય્તિકે જ્યોજયા-એટલાન્ટામાં પોતાના ચાહકો સાથે વાતચીત કરી હતી. હ્ય્તિક રોશનને સવાલ કરવામાં આવ્યો કે સર, 'ક્રિશ-ફોર'નું ડિરેક્શન ખરેખર તમે કરવાના છો?' હૃતિક કહે, 'ઓહ, હવે મારા ચાહકો આ વાત જાણી ચૂક્યા છે. હું કેટલો નર્વસ છું તે હું તમને જણાવી શકું તેમ નથી! મને તમારા બધા તરફથી પ્રોત્સાહનની જરુર છે.'
ચાહકોએ ચિચિયારી પાડીને હૃતિકને વધાવી લીધો હતો. ઘણાં ચાહકોએ ઓનલાઇન પોસ્ટ મુકી જણાવ્યું હતું કે અમે સૌ એક્ટર-ડિરેક્ટર હૃતિક રોશનની ફિલ્મની આતુરતાથી વાટ જોઇ રહ્યા છીએ.
એટલાન્ટામાં હૃતિક રોશનના એક ચાહકે હૃતિક કેમેરાની પાછળ કામ કરી રહ્યો હોય તેવી તસવીર રજૂ કરી હતી. હૃતિકે તરત જ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું, 'આ 'કોયલા' ફિલ્મ શૂટ થતી હતી એ સમયની તસવીર છે. તે સમયે મેં પહેલી વાર કોઈ ફિલ્મની ટીમનો ભાગ બનીને બિહાઇન્ડ-ધ-કેમેરા કામ કર્યું હતું. મેં તે સમયે 'ધ મેકિંગ ઓફ કોયલા'નું દિગ્દર્શન કર્યું હતું. હવે હું ફરી એકવાર કેમેરાની પાછળ જઇ રહ્યો છું. ગુડ લક ટુ મી!'
'કોઇ મિલ ગયા' ફિલ્મથી આ સુપર હીરો ફ્રેન્ચાઇઝીની શરૂઆત થઇ હતી. ૨૦૦૩માં આવેલી 'કોઇ મિલ ગયા'માં હૃતિક અને પ્રીતિ ઝિન્ટા મુખ્ય ભૂમિકામાં હતાં. એ પછી ૨૦૦૬માં 'ક્રિશ' આવી, જેમાં પ્રિયંકા ચોપડા હિરોઇન બની હતી. ૨૦૧૩માં 'ક્રિશ-થ્રી' આવી, જેમાં કંગના રનૌત અને પ્રિયંકા બન્ને હિરોઈન હતી ને વિવેક ઓબેરોય 'કાલ' નામનો ખલનાયક બન્યો હતો. (લોકો તે વખતે મજાકમાં પૂછતા કે 'ક્રિશ' પછી સીધી 'ક્રિશ-થ્રી' કેમ આવી? 'ક્રિશ-ટુ' ક્યાં ગઈ?) દુનિયાભરમાં અંદાજે ૫૦૦ કરોડ રૂપિયાની કમાણી આ ફ્રેન્ચાઇઝીએ કરી હતી. હવે લગભગ બાર વર્ષના અંતરાલ બાદ 'ક્રિશ-ફોર' આવી રહી છે. આમ તો આ ફિલ્મને વહેલી રજૂ કરવાની હતી, પણ કોરોનાને કારણે કામ ઠેલાતું ગયું. આ ફિલ્મ એક્ઝેટલી ક્યારે રિલીઝ થશે તે હજુ નિશ્ચિત નથી.
'ક્રિશ-ફોર'માં હીરો ઉપરાંત નિર્દેશક તરીકેની સૌથી મોટી જવાબદારી ઉપાડનાર હૃતિક એક એક્ટર તરીકે પણ ખૂબ ડિમાન્ડમાં છે. છેલ્લે એ 'ફાઇટર' ફિલ્મમાં દીપિકા પદુકોણ સાથે દેખાયો હતો. હવે અયાન મુકર્જી નિર્દેશિત ફિલ્મ 'વોર-ટુ'માં મેજર કબીરની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં કિયારા અડવાણી મુખ્ય હિરોઇન છે. 'વોર-ટુ' ૧૪ ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થશે... ને પછી હૃતિક 'ક્રિશ-ફોર'ના કામમાં ભયંકર વ્યસ્ત બની જશે.
હૃતિક એક ડિરેક્ટર તરીકે કેવું પર્ફોર્મ કરે છે તે જોવાની મજા આવશે એ તો નક્કી.