
દિગ્દર્શક પ્રિયદર્શને તાજેતરમાં તેના જન્મદિવસ નિમિત્તે, ફિલ્મ 'હેરા ફેરી 3' બનાવવાની જાહેરાત કરી હતી. તેણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફેન્સને આ સમાચાર આપ્યા હતા. પોતાની પોસ્ટમાં તેણે અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટીને ટેગ કર્યા હતા. 'હેરા ફેરી'ના ત્રીજા ભાગની જાહેરાતથી ફેન્સની ખુશી બમણી થઈ ગઈ છે. હવે તબ્બુએ સંકેત આપ્યો છે કે તે પણ આ કાસ્ટ સાથે જોડાઈ શકે છે.
પ્રિયદર્શને રીટર્ન ગિફ્ટ આપી
પ્રિયદર્શને 30 જાન્યુઆરીએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. અક્ષય કુમારે એક પોસ્ટ લખીને પ્રિયદર્શનને અભિનંદન આપ્યા અને કહ્યું કે, "તમારી સાથે જન્મદિવસ ઉજવવાનો આનાથી સારો રસ્તો કયો હોઈ શકે કે હું આખો દિવસ તમારી સાથે સેટ પર વિતાવું." આના જવાબમાં પ્રિયદર્શને એક પોસ્ટ શેર કરી અને લખ્યું, "હું પણ રીટર્ન ગિફ્ટ આપું છું. હું 'હેરા ફેરી 3' બનાવવા માંગુ છું. તમે તૈયાર છો?" તેણે પોસ્ટમાં અક્ષય, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલને ટેગ કર્યા છે.
તબ્બુ પણ ફિલ્માં જોવા મળશે?
આના લગભગ ત્રણ-ચાર દિવસ પછી, હવે સોમવારે, તબ્બુએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર અક્ષય કુમારની પોસ્ટ શેર કરી છે. આ સાથે તેણે લખ્યું, 'મારા વિના કાસ્ટ પૂર્ણ નહીં થાય'. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં આ ત્રણેય સ્ટાર્સ સાથે તબ્બુ પણ જોવા મળશે.
પહેલી ફિલ્મમાં જોવા મળી હતી તબ્બુ
તબ્બુ પ્રિયદર્શન દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'હેરા ફેરી' (2000) માં જોવા મળી હતી. આ લોકપ્રિય ફ્રેન્ચાઈઝ ફિલ્મનો બીજો ભાગ વર્ષ 2006માં આવ્યો હતો. તેનું દિગ્દર્શન નીરજ વોરાએ કર્યું હતું. આમાં તબ્બુ નહતી જોવા મળી. બીજા ભાગમાં બિપાશા બાસુ, સુનીલ શેટ્ટી, અક્ષય અને પરેશ રાવલ ઉપરાંત રાજપાલ યાદવ અને રિમી સેન જોવા મળ્યા હતા. પ્રિયદર્શન દ્વારા દિગ્દર્શિત 'હેરા ફેરી 3'માં તબ્બુ જોવા મળશે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.