
હિન્દી ફિલ્મ ઉદ્યોગના કેટલાય કલાકારોએ તેમની પહેલી જ ફિલ્મથી સફળતાનો સ્વાદ ચાખી લીધો હતો. સફળ ડેબ્યુ પછી તે વર્ષોથી બોલીવૂડમાં ટકેલા છે અને હજુ પણ કામ કરી રહ્યા છે. આ યાદીમાં અભિનેતા આમિર ખાનનો પણ સમાવેશ થાય છે. આમિર ખાનનું ડેબ્યુ સફળ રહ્યું અને ભારતને સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ આપવાનો રેકોર્ડ પણ આમિરના નામે નોંધાયેલો છે. જોકે એક સમયે આમિર ખાન રિક્ષા અને ટેક્સી પાછળ પોસ્ટર ચોંટાડતો હતો. પોતાની શરૂઆત પહેલા તેણે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું.
આમિર તેના કાકા નાસિર હુસૈનને મદદ કરતો હતો
આમિર ખાનનો જન્મ 14 માર્ચ 1965ના રોજ મુંબઈમાં થયો હતો. 60 વર્ષીય આમિર શરૂઆતથી જ ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશવા માંગતો હતો. એટલા માટે તે તેના કાકા અને મશહૂર દિગ્દર્શક નાસિર હુસૈનને તેમની ફિલ્મોના શૂટિંગ દરમિયાન મદદ કરતો હતો. ત્યારબાદ આમિરની અભિનય કારકિર્દી પણ ટૂંક સમયમાં શરૂ થઈ.
રિક્ષાની પાછળ ચોંટાડતો હતો તેની પહેલી ફિલ્મના પોસ્ટર
આમિરે પોતાની ડેબ્યુ ફિલ્મ 'કયામત સે કયામત તક' નું પ્રમોશન ખૂબ જ અનોખી રીતે કર્યું હતું. તે તેના મિત્રો સાથે મુંબઈના રસ્તાઓ પર જઈને ટેક્સી અને રિક્ષાની પાછળ ફિલ્મના પોસ્ટર પોતાના હાથે ચોંટાડતા હતો. 1988માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં જુહી ચાવલાએ આમિર સાથે કામ કર્યું હતું. બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી અને આમિરની પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.
'દંગલ' એ 2000 કરોડની કમાણી કરી
આમિરે પોતાના ડેબ્યુ પછી ક્યારેય પાછળ વળીને નથી જોયું અને 37 વર્ષના અભિનય કરિયરમાં 'ગજની', 'થ્રી ઈડિયટ્સ', 'રાજા હિન્દુસ્તાની', 'ઈશ્ક', 'પીકે', 'ધૂમ 3' સહિત ઘણી શાનદાર ફિલ્મો આપી. વર્ષ 2016માં રિલીઝ થયેલી તેમની ફિલ્મ 'દંગલ' બોલિવૂડ સાથે ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. તેણે વિશ્વભરમાં 2070 કરોડ રૂપિયાનું રેકોર્ડબ્રેક કલેક્શન કર્યું હતું.