
અનુરાગ બાસુની લેટેસ્ટ ફિલ્મ 'મેટ્રો... ઈન દિનો'માં એની પ્રિક્વલ 'લાઈફ ઈન અ મેટ્રો'ની જેમ વિવિધ કપલ્સની લવસ્ટોરી છે. અનુરાગ બાસુએ મૂવીમાં આજના ઝડપથી ભાગતા જમાનામાં પ્રેમ એટલે શું એની વ્યાખ્યા બાંધવાનો પ્રયાસ કર્યો છે.
આ ફિલ્મ સંબંધિત એક ઇવેન્ટમાં એક્ટર અનુપમ ખેરે કહેલું,'હું એક નાનકડા ટાઉન સિમલામાંથી આવું છું. તમે નહિ માનો પણ અમારા જમાનામાં પ્રેમીઓની નજર એકબીજાને મળે પછી સાત-આઠ મહિના તો બસ એકબીજાને જોયા જ કરતા. એ એમના માટે પુરતું હતું. ક્યારેક એકબીજાની આંગળીનો સ્પર્શ થઈ જાય તો પણ શરીરમાંથી લખલખુ પસાર થઈ જતું. અમારી પેઢીને પ્રેમમાં પડતા અને ગાઢ રિલેશનશીપ બનતા લાંબો વખત લાગતો પણ એ સંબંધ જીવનભર ટકી રહેતો. મારા પેરેન્ટ્સનું લગ્નજીવન છ દાયકા લાંબુ ચાલ્યું અને એ ૬૦ વરસોમાં તેઓ વારંવાર એકબીજાના પ્રેમમાં પડતા રહ્યા. આજે વાત સાવ જુદી છે. તમે રિલેશનશીપમાં હો તો પણ વ્યક્તિગત સ્વાતંત્ર્ય બહુ મહત્ત્વનું બની રહે છે. એટલે લોકોને કોઈ સાથે સંપૂર્ણ સ્નેહગાંઠ બાંધવામાં મુશ્કેલી પડે છે. તેઓ પ્રેમમાં પડયા પહેલા પોતાની આઝાદીની દીવાલ વચ્ચે ઊભી કરી દે છે. આટલા વરસોમાં પ્રેમ અને પ્રેમમાં પડવામાં આવો બદલાવ આવ્યો છે,' એમ કહી ૭૦ વરસના એક્ટર પોતાની વાત પુરી કરી.
પંકજ ત્રિપાઠી ટોપિકમાં થોડી વાસ્તવિક રમુજ ઉમેરતા કહે છે, 'આજે લોકો પર પ્રેમની સાથોસાથ સોશિયલ મીડિયા પર એનો દેખાડો કરવાનું પ્રેશર પણ આવે છે. જુવાનિયા સોશિયલ મીડિયા પર બીજાની લવસ્ટોરીઝ વાંચી એની સાથે પોતાની પ્રેમકથાની સરખામણી કરતા રહે છે. તમારી પડખે તમારો પાર્ટનર ઘસઘસાટ ઊંઘી ગયો હોય તે પછી પણ ફોનમાં કલાક સુધી ઇન્સ્ટાગ્રામનો ડ્રામા ચાલતો રહે છે.'
અનુરાગ બાસુએ 'મેટ્રો... ઈન દિનોં' સદ્ગત એક્ટર ઇરફાન ખાન અને સ્વ. ગાયક કેકેને ડેડિકેટ કરી છે. આ બંને આર્ટિસ્ટોનું બાસુની આગલી ફિલ્મ લાઈફ ઈન અ મેટ્રોની સફળતામાં સારું એવું યોગદાન હતું.
ઈવેન્ટના સમાપનમાં ફિલ્મમેકરે એક સરસ કબુલાત કરી, 'મેટ્રો.. ઇન દિનોના ઘણા પ્રસંગો મારા પોતાના અને મારા અંતરંગ વર્તુળના લોકોના જીવનમાંથી લેવાયા છે. એટલે ફિલ્મ દરેક પેઢીના દર્શકને પોતાની સ્ટોરી જેવી લાગશે. બધાને મૂવી સાથે પોતાનું કોઈને કોઈક પ્રકારનું કનેક્શન મળી જ રહેશે. અમે બધાએ દિલથી ફિલ્મને આકાર આપ્યો છે.'
જોઈએ, લોકોને આ ફિલ્મ કેવીક ગમે છે.