
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાન તેમના બાળકો સાથે ટૂંક સમયમાં 'મન્નત' છોડીને મુંબઈના પોશ વિસ્તાર પાલી હિલમાં શિફ્ટ થવાના છે. અહેવાલો અનુસાર, શાહરૂખ ખાને ત્યાં એક લક્ઝરી એપાર્ટમેન્ટના ચાર માળ ભાડે લીધા છે. શાહરૂખ અને તેનો પરિવાર 2005થી 'મન્નત'માં રહે છે, જે હવે મુંબઈ શહેરની પ્રતિષ્ઠિત મિલકત બની ગઈ છે. તેના ઘરની એક ઝલક મેળવવા માટે દરરોજ સેંકડો ચાહકો બેન્ડસ્ટેન્ડ પર એકઠા થાય છે.
હિન્દુસ્તાન ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ, 'મન્નત'માં આગામી બે વર્ષ સુધી રિનોવેશનનું કામ ચાલુ છે. તે ગ્રેડ III હેરિટેજ માળખું છે અને તેનું વિસ્તરણ કાર્ય શરૂ થવાનું છે. આ કારણોસર શાહરૂખનો પરિવાર પાલી હિલ શિફ્ટ થશે.
પાલી હિલમાં નવું ઘર
શાહરૂખ ખાને ફિલ્મ પ્રોડ્યુસર વાશુ ભગનાની દ્વારા બનાવેલા લક્ઝરી એપાર્ટમેન્ટના ચાર માળ ભાડે લીધા છે. 'પૂજા કાસા' નામની આ ઈમારત પાલી હિલ, ખારમાં આવેલી છે અને જેકી ભગનાની અને તેની બહેન દીપશિખા દેશમુખ તેની સહમાલિક છે. શાહરૂખે આ એપાર્ટમેન્ટ 2.9 કરોડ રૂપિયાના વાર્ષિક ભાડા પર લીધું છે. આ એક ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ છે, જેમાં બે માળનું સેટઅપ હશે.
‘મન્નત’માં થશે મોટું વિસ્તરણ
ગયા વર્ષે નવેમ્બરમાં, ગૌરી ખાને મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી (MCZMA)ને અરજી સબમિટ કરી હતી, જેમાં મન્નતના જોડાણમાં વધુ બે માળ ઉમેરવાની પરવાનગી માંગવામાં આવી હતી.
આ નવા ફેરફાર સાથે મન્નતનો કુલ બિલ્ટ-અપ એરિયા 616.02 ચોરસ મીટર વધી જશે. હાલમાં, મન્નતના હાલના માળખામાં 2 બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને 6 માળ છે. નવા પ્લાનમાં 7મા અને 8મા માળના બાંધકામનો સમાવેશ થાય છે. એટલે કે મન્નત પહેલા કરતા વધુ ભવ્ય અને વૈભવી બનવા જઈ રહી છે. હજુ સુધી શાહરૂખ અને ગૌરીએ આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.