
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ચાલુ વર્ષે લેવાયેલી અલગ અલગ વિષયોની વિવિધ પરીક્ષામાં દાખવેલી બેદરકારીને કારણે ફરી વિવાદમાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત જુદા જુદા વિષયની પરીક્ષા આપનાર અનેક વિદ્યાર્થીઓને ગેરહાજર દર્શાવ્યા છે.
જણાવી દઈએ કે, વિદ્યાર્થીએ પરીક્ષા આપ્યાની સાબિતી તેમની હોલ ટિકિટ ઉપર સુપરવાઈઝરની સિગ્નેચર છે. જે પરીક્ષા ખંડમાં પરીક્ષા આપવા દરમિયાન હાજર સુપરવાઈઝર દ્વારા ચેકિંગ કરીને હોલ ટિકિટ પર સિગ્નેચર કરવામાં આવે છે. હોલ ટિકિટ ઉપર સહી હોવા છતાં ગેરહાજર દર્શાવાયા છે.
NSUIએ આ મુદ્દે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. રીએસેસમેન્ટ કરવા છતાં વિદ્યાર્થીઓને નક્કર પરિણામ ન મળ્યું, જેના કારણે અનેકના પરિણામો અટકી પડ્યા છે. NSUIએ પરીક્ષા વિભાગની વારંવારની ગેરરીતિઓ સામે તપાસની માંગ કરી છે, જેથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ન થઈ શકે.
અધિકારીઓને રજૂઆત કરવામાં આવતા તેઓ કહે છે કે, આ તો નાનકડી ભૂલ છે. બીએડના વિદ્યાર્થીએ પરીક્ષા આપી છે છતાં તેના રિઝલ્ટમાં ગેરહાજર દર્શાવ્યા છે. વિદ્યાર્થીની હોલ ટિકિટમાં સુપરવાઈઝરની સિગ્નેચર હોય તો તે ગેરહાજર કઈ રીતે હોઈ શકે. યુનિવર્સિટીમાં રજૂઆત કરવા છતાં 6 મહિના સુધી પરિણામમાં કોઈ જ સુધારા થતા નથી. જેને લીધે વિદ્યાર્થીઓની આગળની કારકિર્દી અટકે છે.