ગુજરાતના સુરેન્દ્રનગરમાં ખેડૂતોએ ફરીથી સરકાર સામે બાંયો ચઢાવી છે. મળતા અહેવાલ પ્રમાણે પાક નુકસાન અંગેની સહાયની ચુકવણી ન થવા તેમજ વિવિધ પડતર પ્રશ્ને લઈ ખેડૂતો સરકાર સામે આંદોલનના મંડાણ માંડશે. સુરેન્દ્રનગરના પાટડીમાં ખેડૂતોનું આજે સંમેલન યોજાવા જઈ રહ્યું છે. આ સંમેલનમાં ખાસ મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવશે.
બે વર્ષથી રિબેટ નથી મળ્યું
મળતા અહેવલ પ્રમાણે પાટડી તાલુકાના 12 હજાર ખેડૂતો પાક નુકસાન સહાયથી વંચિત રહ્યા છે, તેમજ છેલ્લા 2 વર્ષથી રિબેટ પણ મળી રહ્યું નથી. સાથે સાથે DLR કચેરીમાં જમીન માપણીમાં ભૂલોની 30 હજારથી પણ અરજીઓ પેન્ડિંગ છે. આ અરજીનો નીકળા કરવાની જગ્યાએ ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે સરકારી અધિકારીઓ તેમને હેરાન-પરેશાન કરી રહ્યા છે.
DLR કચેરીમાં જમીન માપણી અંગે વાંરવાર ધક્કા ખાવા પડે છે
DLR કચેરીમાં જમીન માપણી અંગે વાંરવાર ધક્કા ખાવા પડે છે, અને સુરેન્દ્રનગરમાંથી જતી કેનાલમાં વાંરવાર ગાબડા પડે છે અને ક્યારેક કેનાલો ઓવરફ્લો થતાં ખેતરમાં પાણી ઘૂસી જતા ખેડૂતોને નુકસાન થઈ રહ્યુ છે, આ તમામ પ્રશ્નોને લઈને સરકાર સામે ખેડૂતો આંદોલન શરૂ કરે તેવી શક્યતાઓ છે.