Home / Entertainment : Fatima Sana Shaikh wants to work in films shows her talent rather than a doll

Chitralok: ફાતિમા સના શેખને રૂપાળી ઢીંગલી કરતા પ્રતિભા ખીલે તેવી ફિલ્મોમાં કામ કરવું છે

Chitralok: ફાતિમા સના શેખને રૂપાળી ઢીંગલી કરતા પ્રતિભા ખીલે તેવી ફિલ્મોમાં કામ કરવું છે

- અચ્છા દિગ્દર્શક અનુરાગ બાસુની આગામી 'મેટ્રો... ઇન દિનોં'ને લઈને ફાતિમા ખૂબ ઉત્સાહિત છે  

અનુરાગ બાસુ, હિન્દી ફિલ્મ જગતનું સન્માનનીય નામ. ચહેરા પર નિર્દોષ - મોહક હાસ્ય. એટલું જ સરસ ફિલ્મ સર્જન.  મર્ડર, ગેંગસ્ટર: એ લવ સ્ટોરી, લાઇફ ઇન એ મેટ્રો, બર્ફી વગેરે જેવી મજેદાર ફિલ્મોના એટલા જ મજેદાર દિગ્દર્શક અનુરાગ બાસુ હવે પોતાની નવી ફિલ્મ 'મેટ્રો... ઇન દિનોં' સાથે આવી રહ્યા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

'મેટ્રો... ઇન દિનોં' ફિલ્મમાં બોલિવુડની અભિનેત્રી ફાતિમા સના શેખ પણ મહત્ત્વનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, નીના ગુપ્તા, કોંકણા  સેનશર્મા, પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, આદિત્ય રોય કપૂર, સારા અલી ખાન વગેરે કલાકારોનો મોટો કાફલો છે.  

ફિલ્મની કથા કંઇક એવી છે કે આ બધાં પાત્રો એક મોટા શહેરમાં રહે છે અને અતિ વ્યસ્ત જીવન જીવે છે. સાથોસાથ પોતાના પરિવારમાં પ્રેમસભર વાતાવરણ રહે તેવી ભારોભાર આશા પણ રાખે છે. ફિલ્મમાં શહેરી જીવન જીવતા પરિવારો સાથે કેવા કેવા પ્રસંગો બને છે તેની ગૂંથણી છે.

મુંબઇમાં જન્મેલી અને ઉછરેલી ફાતિમા સના શેખ કહે છે, 'મને ફોન પર અનુરાગ સરનો સંદેશો મળ્યો હતો. અનુરાગ સર મને તેમની 'મેટ્રો... ઇન દિનોં' ફિલ્મમાં તક આપવા ઇચ્છતા હોવાથી યાદ કરતા હતા. ખરું કહું તો મેં અનુરાગજીની 'લુડો' ફિલ્મ (૨૦૨૦)માં કામ કર્યું હોવાથી મારે તેમની 'મેટ્રો... ઇન દિનોં' ફિલ્મની કથા-પટકથા વાંચવાની જરૂર ન હોય તે સ્વાભાવિક છે. એક અચ્છા અને વિચારશીલ દિગ્દર્શક તરીકે મને અનુરાગજી પ્રત્યે બેહદ આદર-સન્માન છે. વળી, અનુરાગ બાસુ તેમના તમામ કલાકારોની અભિનય પ્રતિભાને ઉત્તમ ન્યાય પણ આપે છે. એટલે જ તો તેમની સાથે કામ કરવા બોલિવુડનાં તમામ કલાકારો ઉત્સુક હોય છે.'

બાળ કલાકાર તરીકે ચાચી ૪૨૦, વન ટુ કા ફોર, ખુબસુરત, બડે દિલવાલે વગેરે ફિલ્મોમાં વિવિધ પાત્રો ભજવી ચૂકેલી ફાતિમા કહે છે, 'હું બેહદ ખુશ છું કે મને 'મેટ્રો... ઇન દિનોં' ફિલ્મમાં અનુપમ ખેર, નીના ગુપ્તા, પંકજ ત્રિપાઠી જેવા સિનિયર અને પ્રતિભાશાળી કલાકારો સાથે કામ કરવાની ઉજળી તક મળી છે. ફિલ્મમાં કલાકારોનો બહુ મોટો કાફલો છે. ફિલ્મમાં દરેક અભિનેતા -અભિનેત્રીની ભૂમિકા મજેદાર છે. વળી, ફિલ્મમાં પારિવારીક માહોલ હોવાથી દર્શકોને ખરેખર ભરપૂર આનંદ થશે એવી મને આશા છે.'  

સમય જતાં દંગલ, આકાશવાણી, અજીબ દાસ્તાન, ઇન્દિરા ગાંધી, સેમ બહાદુર, લુડો  વગેરે ફિલ્મોમાં પણ જુદાં  જુદાં પાત્રો ભજવનારી ફાતિમા સના શેખ બહુ મહત્ત્વનો મુદ્દો રજૂ કરતાં કહે  છે, 'એક દિગ્દર્શક તરીકે અનુરાગ સરની કામ કરવાની પદ્ધતિ બહુ વિશિષ્ટ છે. એટલે કે અમે ફિલ્મના સેટ પર જઇએ ત્યારે જ જે-તે દિવસના સીન વિશે માહિતી મળે છે. હા, તેમની પાસે પૂરી કથા-પટકથા જરૂર હોય છે.  આમ છતાં  તેઓ કથા-પટકથાની કોપી કોઇ કલાકારને નથી આપતા, કારણ એ છે કે અનુરાગજી એમ નથી ઇચ્છતા કે તેમના કલાકારો કથા-પટકથા વારંવાર  વાંચે.  સ્ક્રિપ્ટ વાંચ-વાંચ કરવાથી કલાકારો તેમના પાત્ર વિશે દ્વિધા અનુભવે અને શૂટિંગના ખરા સમયે તેમની અભિનય પ્રતિભાને કદાચ યોગ્ય રીતે ન્યાય ન પણ આપી શકે, એવું બને.'  

કીટી પાર્ટી, અગલે જનમ મોહે બિટિયા હી કીજો વગેરે ટેલિવિઝન સિરિયલોમાં પણ અભિનય કરી ચૂકેલી ફાતિમા ભરપૂર સંતોષ સાથે કહે છે,  'મને સેમ બહાદુર (૨૦૨૩) ફિલ્મમાં વિકી કૌશલ જેવા અચ્છા અદાકાર સાથે કામ કરવાની મજેદાર તક મળી તેનો આનંદ છે. એક અભિનેત્રી તરીકે  મને ઘણું ઘણું નવું શીખવા-જાણવા મળ્યું. સેમ બહાદુર ફિલ્મ પહેલાં હું નારી શક્તિને સન્માન આપતી ફિલ્મોમાં કામ કરવા ખચકાટ અનુભવતી. જોકે સેમ બહાદુર બાદ મારો આત્મવિશ્વાસ વધ્યો છે. મારો દ્રષ્ટિકોણ સકારાત્મક બન્યો છે. હું હવે પડકારરૂપ પાત્રો ભજવવા તૈયાર છું. સાથોસાથ હવે કઇ ફિલ્મ સ્વીકારવી અને કયાં કયાં પાસાં  ધ્યાનમાં રાખવાં અને કઇ ફિલ્મ ન સ્વીકારવી તેની થોડી ઘણી વિવેકબુદ્ધિ આવી છે.' 

આમ કહીને ફાતિમા ઉમેરે છે, 'ફિલ્મ બહુ મોટા  બજેટની હોય, મોટાં ગજાં નામ હોય, પણ મારું પાત્ર ફક્ત ઉપરછલ્લું હોય, તેમાં માત્ર ગ્લેમર હોય તો હું તેવી ફિલ્મ નહીં સ્વીકારું. હું ના કહીશ. મેં હમણાં હમણાં આવી મોટા બજેટની અમુક ફિલ્મોને ના પણ કહી છે. જે ફિલ્મમાં મારું પાત્ર જ નબળું હોય કે મારા માટે તેમાં અભિનયની કોઇ ઉજળી તક જ ન હોય તો પછી હું તે ફિલ્મમાં ભલા શા માટે કામ કરું? હું હવે મારી અભિનય પ્રતિભાને ખીલવવા ઇચ્છું છું.' 

વાત તો સાચી.     


Icon