સુરતમાં આગ લાગવાના બનાવોમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે બમરોલી વિસ્તારમાં આવેલા કોમન સર્કલ ગૂડલક કમ્પાઉન્ડ ખાતે એક બીએમડબ્લ્યૂ લક્ઝુરિયસ કારમાં આગ લાગી ગઈ હતી. પાર્ક થયેલી કારમાં અચાનક આગ લાગતાં આસપાસમાં અફરાતફરી મચી ગઈ હતી. ત્યારબાદ આગ પર કાબુ મેળવવા ફાયરબ્રિગેડ દોડી આવ્યું હતું. જો કે, ત્યાં સુધીમાં સંપૂર્ણ પણે કાર આગની જ્વાળામાં લપેટાઈને ખાક થઈ ગઈ હતી.
પાર્ક કર્યાના ગણતરીના સમયમાં આગ લાગી
પાલ આરટીઓ નજીક શાલીગ્રામ હાઈટ્સ ખાતે રહેતા રાજેશભાઈ અજમેરા તેમની બીએમડબલ્યુ ડીઝલ કાર લઈ મિત્રો સાથે કોમલ સર્કલ મનહર ડાઈંગની પાછળ મિત્રની દુકાને ગયા હતા. તેમણે ઈલેક્ટ્રિક ડીપીની નજીકમાં કાર પાર્ક કરી હતી જો કે ડીપી 15 ફૂટ જેટલું દૂર હતું. ત્યારબાદ મિત્રની દુકાનમાં ગયા હતા. હજી તો તેઓ દુકાનમાં જઈ બેઠા ત્યાં બહાર પાર્ક કરેલી તેમની કાર અચાનક ભડકે બળવા લાગી હતી. 2021નું મોડલ હતું.
રહસ્યમય રીતે લાગી આગ
કારમાં આગ લાગી હોવાની જાણ થતા તેઓ ત્યાં દોડી ગયા હતા. બનાવની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે ફાયર પહોંચે ત્યાં સુધીમાં સંપૂર્ણ કાર આગની લપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગઈ હતી. કારમાં શોર્ટસર્કિટ થવાના કારણે આગ લાગી કે કેમ તે અંગે હાલ રહસ્ય ઘેરાયું છે. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.