સુરત શહેરની 26 ખાનગી સ્કૂલો એવી હાલતમાં મળી છે કે જેઓએ હજી સુધી ફાયર એનઓસી મેળવી નથી. વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે સંબંધિત આ ગંભીર બેદરકારી સામે જિલ્લા શિક્ષણાધિકારીએ લાલ આંખ કરીને તાત્કાલિક પગલાં લેતાં તમામ સ્કૂલોને નોટિસ પાઠવી છે. જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગિરથસિંહ પરમારે આ સ્કૂલોને ફાયર સેફ્ટી ના હોય તો તાત્કાલિક ઊભી કરીને એનઓસી મેળ વીને તેનું પ્રમાણપત્ર કચેરીમાં રજૂ કરવા આદેશ કર્યો છે. તે સાથે સાથે એવી પણ ચેતવણી આપી છે કે જો આ આદેશનું પાલન નહીં થાય તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. ફાયર એનઓસી વિના સ્કૂલો ચલાવવી એ માત્ર કાયદાનું ઉલ્લંઘન નથી, પણ વિદ્યાર્થીઓની સલામતીને જોખમમાં મુકવાનો ગંભીર મુદ્દો હોવાનો ડીઇઓ ડો. ભગિરથસિંહે મત રજૂ કર્યો છે. ડીઇઓએ જણાવ્યું છે કે આવશ્યક સુરક્ષા પ્રમાણપત્રો સાથે જ શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચલાવવી ફરજિયાત છે.

