
તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં એક કેમિકલ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે. આ બ્લાસ્ટની ઘટનામાં 20થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ હૈદરાબાદમાં પાટણ ચેરુ મંડળના સિગાચી કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીમાં આ વિસ્ફોટ થયો હતો. રિએક્ટરમાં વિસ્ફોટ થતાં આ દુર્ઘટના બની હતી. વિસ્ફોટ બાદ આગએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. સમગ્ર ફેક્ટરીમાં આગ ફાટી નીકળી હતી. આ આગમાં 10 લોકો જીવતા સળગી ગયા હતા.
https://twitter.com/PTI_News/status/1939560302372438412
આગ લાગતાં ઘણાં કર્મચારીઓ ફસાઈ ગયા
કામદારો ફેક્ટરીની અંદર કામ કરી રહ્યા હતા ત્યારે આ વિસ્ફોટ થયો હતો. જોરદાર વિસ્ફોટ સાંભળીને કર્મચારીઓ ડરના માર્યા બહાર દોડી ગયા હતા. વિસ્ફોટ બાદ આગ લાગતાં ઘણાં મજૂરો તેમાં ફસાઈ ગયા હતા. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આ ઘટનામાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે. સ્થાનિક લોકો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં કંપની પહોંચી બચાવ રાહત કામગીરીમાં જોતરાઈ રહ્યા છે.
https://twitter.com/PTI_News/status/1939571433258324296
ફેક્ટરીના મકાનનો એક ભાગ સંપૂર્ણપણે ધરાશાયી થયો
શરૂઆતના અહેવાલો અનુસાર, વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ઘણા કામદારો હવામાં 100 મીટર દૂર ઉછળીને દૂર પડી ગયા. આ કેમિકલ ફેક્ટરીના મકાનનો એક ભાગ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયો છે. ઘટના પછી, આગએ આખી ફેક્ટરીને ઘેરી લીધી હતી, જેને ઓલવવા માટે ઘણી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ઈજાગ્રસ્તોને ટનચેરુની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લઈ જવાયા છે. જ્યારે ગંભીર રીતે ઘાયલને હૈદરાબાદ ટ્રાન્સફર કરાયા છે.
વિસ્ફોટનું કારણ શું હતું?
અધિકારીઓનું કહેવું છે કે આ વિસ્ફોટ ઘટનામાં મૃત્યુઆંક વધી શકે છે. ફેક્ટરીમાં આગ લાગવાથી બચાવ કામગીરી ચાલી રહી છે. જોકે અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ શરૂઆતમાં એવું માનવામાં આવી રહ્યું છે કે રિએક્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા વિસ્ફોટ થયો હશે. અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે ઉદ્યોગમાં સલામતીના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં.