
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરવા ગયેલી નોઈડા પોલીસની ટીમ પર ટોળાએ હુમલો કરી દીધો હતો. એવું કહેવાય છે કે ટોળામાંથી કોઇએ એક કોન્સ્ટેબલને ગોળી મારી દીધી હતી. જેના કારણે તેમનું મૃત્યુ થયું. જ્યારે આ દરમિયાન થયેલા પથ્થરમારામાં 2 થી 3 પોલીસકર્મી ઘાયલ થયા હતા.
ભીડમાંથી કોઈએ ફાયરિંગ કર્યું
મળતી માહિતી મુજબ, નોઈડા ફેઝ-2 પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ ગાઝિયાબાદના મસૂરી વિસ્તારમાં એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરવા ગઈ હતી. મસૂરી વિસ્તારમાં પોલીસે દરોડા પાડવાનું શરૂ કરતાં જ ભીડે પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો. એવો આરોપ છે કે ભીડ દ્વારા ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. જેમાં કોન્સ્ટેબલ સૌરભને ગોળી વાગી હતી અને તે ઘાયલ થઈ ગયા.
2 થી 3 પોલીસકર્મી ઈજાગ્રસ્ત
પોલીસ જવાન સૌરભને ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેમનું મૃત્યુ થયું. ટોળાના હુમલામાં 2 થી 3 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા, જેમની સારવાર ચાલી રહી છે. ઘાયલ તમામ પોલીસકર્મીઓની હાલત ખતરાથી બહાર હોવાનું કહેવાય છે. ગાઝિયાબાદ પોલીસે આ કેસમાં એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે નોઈડા પોલીસની ટીમ જે વોન્ટેડ આરોપીની ધરપકડ કરવા ગઈ હતી તેના પર ટોળાએ હુમલો કર્યો હતો. આ દરમિયાન ભીડે ગોળીબાર પણ કર્યો. જેના કારણે કોન્સ્ટેબલને ગોળી વાગી અને તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું.