
ગુરુવારે નાઇજીરીયાના નાઇજર રાજ્યના મોકવા નામના બજાર નગરમાં ભીષણ પૂરને કારણે ઓછામાં ઓછા 88 લોકોના મોત થયા છે. નાઇજર રાજ્યની રાજધાની મિન્નામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસના વડા હુસૈની ઇસાએ આ માહિતી આપી હતી.
ઇસાએ શુક્રવારે જણાવ્યું હતું કે રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અગાઉના અહેવાલોમાં મૃત્યુઆંક 20 હોવાનું જણાવાયું હતું. તેમણે કહ્યું, "આંકડો વધી રહ્યો છે. પરંતુ અત્યાર સુધીમાં 88 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. આ પૂર ઘણા કલાકો સુધી સતત મુશળધાર વરસાદને કારણે થયું હતું.” સ્થાનિક રહેવાસીઓ અને સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, નજીકના શહેરમાં સ્થિત એક ડેમ તૂટવાને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી.
મોકવા એક મુખ્ય વેપાર કેન્દ્ર છે, જ્યાં દેશના દક્ષિણ ભાગના વેપારીઓ અને ઉત્તર ભાગના ખેડૂતો ભેગા થાય છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં, આવી જ ઘટના બની હતી જ્યારે નાઇજીરીયાના ઉત્તરપૂર્વીય મિદુગુરી ક્ષેત્રમાં ભારે વરસાદ અને ડેમ તૂટવાથી ગંભીર પૂર આવ્યું હતું. તે સમયે ઓછામાં ઓછા 30 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને લાખો લોકો બેઘર થઈ ગયા હતા. બોકો હરામ બળવાને કારણે આ પ્રદેશ પહેલાથી જ માનવતાવાદી કટોકટીનો સામનો કરી રહ્યો હતો.
નાઇજીરીયા ઘણીવાર મોસમી પૂરનો સામનો કરે છે, ખાસ કરીને નાઇજર અને બેનુ નદીઓના કિનારે આવેલા વિસ્તારોમાં. આ પૂર સ્થાનિક સમુદાયોના જીવન અને આજીવિકાને ગંભીર અસર કરે છે.