
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ગજેરા સર્કલ પાસે નિર્માણાધીન રત્નમાળા ફ્લાયઓવરનો કામ વધુ સમયથી ધીમે ધીમે ચાલતું હતું. જેથી સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણીએ સ્થળ પર મુલાકાત લીધી હતી. મેયરે સ્થાનિક અધિકારીઓ અને પ્રોજેક્ટના ઇજારદારો સાથે બેઠક કરીને પ્રગતિ અંગે માહિતી લીધી હતી. સ્થળ પર હાજર રહી પ્રોજેક્ટની સ્થિતિની સમીક્ષા કરી હતી.
33 ટકા કામ અધૂરું
રિપોર્ટ મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં ફક્ત 67 ટકા કામ પૂર્ણ થયું છે, જ્યારે બાકી રહેલું 33 ટકા કામ હજુ અધૂરું છે. જેને લઈને મેયરે ભારે અસંતોષ વ્યક્ત કરતાં કોન્ટ્રાકટરને સ્પષ્ટ ચેતવણી આપી કે આ કામ ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થવું આવશ્યક છે. જો આ સમયમર્યાદા સુધી કામ પૂરું નહીં થાય તો પાલિકા તરફથી કડક પગલાં લેવામાં આવશે, જેમાં દંડ, કોન્ટ્રાકટર બ્લેકલિસ્ટ કરવા સહિતના પગલાંનો સમાવેશ થાય છે.
પ્રોજેક્ટમાં વિલંબ
મેયરે જણાવ્યું હતું કે, “નાગરિકોને સતત ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આવા મહત્વના પ્રોજેક્ટમાં વિલંબ સહનશીલ નથી. પાલિકા માટે પ્રજાની સુવિધા પ્રથમ છે, અને કામમાં ઉદાસીનતા દેખાડનારા સામે ઝીરો ટોલરન્સ અપનાવવામાં આવશે.”ફ્લાયઓવર પૂરું થતા કતારગામ વિસ્તારમાં ટ્રાફિકનો ભાર ઘટશે અને લોકોના સફરના સમયમાં મોટી બચત થશે. પરંતુ હાલની ધીમી ગતિથી કાર્ય ચાલી રહ્યું છે તે ચિંતાજનક છે. ખાસ કરીને કતારગામ-વેડ રોડના વાહનચાલકો માટે આ એક મહત્વનો માર્ગ છે.