
Israel vs Gaza News : ઇઝરાયેલે ગાઝામાં લોકોના મકાનો તોડી પાડયા, ભૂખમરાંમાં ધકેલી દીધા, હવે જે નાગરિકો રાહત કેમ્પોમાં મફતમાં મળતા ફૂડ પેકેટ લેવા જઇ રહ્યા છે તેમને ગોળીએ ધરબી રહ્યા છે કે તેમના પર ઇઝરાયેલી સૈન્ય બોમ્બ ફેંકી રહ્યું છે. આવા વધુ એક હુમલામાં ઇઝરાયેલે ગાઝાના 40 જેટલા નિર્દોષ ભુખ્યા નાગરિકોનો ભોગ લીધો હતો. જ્યારે હમાસ-ઇઝરાયલનું યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધી 56 હજારથી વધુ પેલેસ્ટાઇનના નાગરિકોનો ભોગ લેવાયો છે.
મધ્ય ગાઝાના નુસરતમાં અલ-આવદા હોસ્પિટલમાં 20થી વધુ મૃતદેહો લવાયા હતા, આ હોસ્પિટલ સાથે જોડાયેલા મારવાન અબુએ કહ્યું હતું કે આ લોકો નજીકમાં અમેરિકા દ્વારા સંચાલિત ફૂડ વિતરણ કેન્દ્ર પર ગયા હતા તે સમયે જ ઇઝરાયેલ દ્વારા તેમના પર હુમલો કરી દેવાયો હતો અને ભારે ગોળીબાર કર્યો હતો.
150થી વધુ લોકો ઘાયલ
આ હુમલામાં 150થી વધુ લોકો ઘવાયા છે. જ્યારે બાળકો પર કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનિસેફે ગાઝાને લઇને એક રિપોર્ટ જાહેર કર્યો છે અને કહ્યું છે કે ગાઝા પટ્ટીમાં મે મહિનામાં જ પાંચ હજારથી વધુ બાળકો કુપોષણનો ભોગ બન્યા છે. આ વર્ષની શરૂઆતથી જ દરરોજ 112 બાળકોને કુપોષણ સામે સારવાર આપવા માટે દાખલ કરાઇ રહ્યા છે. જ્યારે આ વર્ષે મે મહિનાના અંત સુધીમાં કુપોષણની સારવાર માટે કુલ 16376 બાળકોને દાખલ કરવામાં આવ્યા છે.
જ્યારે રાહત કેમ્પોમાં રહેતા કે ફૂડ વિતરણ કેન્દ્રો પર ભોજન ફંફાળી રહેલા નાગરિકો પર ઇઝરાયેલ દ્વારા કરાઇ રહેલા હુમલાની સંયુક્ત રાષ્ટ્રે ટિકા કરી હતી અને તેને યુદ્ધનો ગુનો ગણાવ્યું હતું. મે મહિનાના અંતે ગાઝામાં શરૂ કરાયેલા ફૂડ વિતરણ કેન્દ્રો પર ઇઝરાયેલ દ્વારા અત્યાર સુધી કુલ 410 લોકોનો ભોગ લેવામાં આવ્યો છે.
માર્યા ગયેલા આ તમામ લોકો ભોજનની શોધખોળમાં ભટકતા ભટકતા આ કેન્દ્રો પર પહોંચ્યા હતા. આ આંકડા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. ઇઝરાયેલ દ્વારા નાગરિકોના ઘર પર સીધા મિસાઇલો છોડવામાં આવી રહી છે, આવી જ એક મિસાઇલ ગાઝાના સાબરામાં છોડાઇ હતી જેમાં એક ઘર તુટી પડતા 10 લોકો માર્યા ગયા હતા. ઇઝરાયેલનો દાવો છે કે હમાસ ઉંચી ઇમારતો પાછળ છુપાઇ રહ્યું છે જ્યારે હમાસે આ દાવાને નકાર્યા હતા. બીજી તરફ ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે શાંતિની ચર્ચા દરમિયાન પેલેસ્ટાઇનના નાગરિકોને આશા છે કે ઇઝરાયેલ હવે તેમના પર હુમલા નહીં કરે.