ગુજરાતના વડોદરાની MS યુનિવર્સિટીમાંથી મનોટા અહેવાલ સામે આવ્યા છે, વડોદરાની MS યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં 100થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગની અસર થઈ છે. 350 સ્ટુડન્ટને ભોજન લીધા બાદ મોડી રાત્રે પેટમાં દુખાવો શરૂ થયો હતો. જેમાંથી 95 સ્ટુડન્ટને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
તબિયત લથડતા તમામને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
યુનિવર્સિટીના એસ.ડી હોલમાં મોટા ભાગની વિદ્યાર્થિનીઓને ઝાડાં-ઉલટી થયા હતા અચાનક તમામની તબિયત લથડતા તમામને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 95 વિદ્યાર્થિનીઓને સયાજી હોસ્પિટલના વિવિધ વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ખીર, પનીર અને દાળ-ભાત જમ્યા બાદ 350 વિદ્યાર્થીઓને મોડી રાત્રે પેટમાં દુખાવો શરૂ થયો હતો.
કોર્પોરેશનની ફૂડ એન્ડ ડ્રગ્સ અને પોલીસની ઘટનાસ્થળે પહોંચી
ઘટના બાદ આજે (બુધવારે) વહેલી સવારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ એન્ડ ડ્રગ્સ અને પોલીસની ઘટનાસ્થળે પહોંચી સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. મેસના રસોડામાંથી હલકી કક્ષાના બટાકા અને ડુંગળી મળી આવ્યા હતા. આ અંગે ફૂડ સેફ્ટી અધિકારીએ જણાવ્યું હતું કે,આરોગ્ય વિભાગની ટીમ મેસની તપાસ અર્થે પહોંચી તો સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. જેથી અમે નોટીસ ફટકારીશું. ત્રણ જેટલા ફૂડ ઇન્સ્પેક્ટર તપાસ કરી રહ્યા છે વિવિધ નમૂના લેવામાં આવી રહ્યા છે. આ સાથે એફએસએલની ટીમ પણ સાથે જોડાઇ છે.