
અમેરિકાનું ન્યુ યોર્ક શહેર અબજોપતિઓના શહેર તરીકે ઓળખાય છે, જ્યાં વિશ્વના સૌથી ધનિક લોકો સ્થિત છે. ફોર્બ્સ 2025ની વિશ્વ અબજોપતિઓની યાદી અનુસાર, ન્યુ યોર્કમાં 123 અબજોપતિઓ છે, જેમની કુલ સંપત્તિ $759 બિલિયન છે. વર્ષ 2021 સિવાય, ન્યુ યોર્ક છેલ્લા બાર વર્ષથી અબજોપતિઓની યાદીમાં સતત નંબર 1 રહ્યું છે. વર્ષ 2021 માં, બિજિંગ આ યાદીમાં ટોચ પર હતું. અહીંના મોટાભાગના અબજોપતિઓ ફાઇનાન્સ, રિયલ એસ્ટેટ વ્યવસાય અને છૂટક વેચાણ સાથે સંકળાયેલા છે.
જો આપણે વૈશ્વિક દ્રષ્ટિએ વાત કરીએ, તો વિશ્વના 6 દેશોના 10 શહેરોમાં ત્રણ હજાર અઠ્ઠાવીસ અબજોપતિઓ રહે છે. આ શહેરો તરફ અબજોપતિઓના ખેંચાણનું મુખ્ય કારણ તેની મજબૂત વ્યવસાયિક ઇકોસિસ્ટમ, રોકાણ અને ઉદ્યોગની દ્રષ્ટિએ સારી નીતિઓ છે.
મુંબઈ ટોપ-10 શહેરોમાં સામેલ
ફોર્બ્સની યાદીમાં અબજોપતિઓની સંખ્યાના સંદર્ભમાં ભારત ભલે ટોચનો દેશ ન હોય, પરંતુ આર્થિક રાજધાની મુંબઈ આ મામલે દેશમાં નંબર-૧ શહેર છે. વૈશ્વિક અબજોપતિઓની યાદીમાં આ શહેર છઠ્ઠા ક્રમે આવે છે, જ્યાં અબજોપતિઓની કુલ સંખ્યા 67 છે અને તેમની કુલ સંપત્તિ 349 અબજ ડોલર છે અને તે અન્ય મુખ્ય મેટ્રો શહેર દિલ્હી અને બેંગલુરુ કરતા ઘણું આગળ છે.
કયા શહેરમાં અબજોપતિ કેટલા છે?
નોંધનીય છે કે, ન્યૂ યોર્કમાં સૌથી વધુ 123 અબજોપતિઓ છે, ત્યારબાદ મોસ્કોમાં 90 અબજોપતિઓ છે, જેમની સંપત્તિ 409 અબજ ડોલર છે. આ પછી, હોંગકોંગમાં 72 અબજોપતિઓ છે, જેમની કુલ સંપત્તિ 309 અબજ ડોલર છે. લંડનમાં 71 અબજોપતિઓ છે, જેમની કુલ સંપત્તિ ૩૫૫ અબજ ડોલર છે. બિજિંગમાં 68 અબજોપતિઓ છે, જેમની કુલ સંપત્તિ 273 અબજ ડોલર છે. ત્યારબાદ મુંબઈ આવે છે, જ્યાં 67 અબજોપતિઓ છે અને તેમની સંપત્તિ 349 અબજ ડોલર છે.