
અમેરિકા દ્વારા ટેરિફની ધમકી અપાયા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હોવાના દાવાને ભારતે ફગાવી દીધા છે. ભારતે આજે (29 મે) કહ્યું છે કે, સાત મેથી 10 મે દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ થયું, ત્યારે અમેરિકા સાથે યુદ્ધવિરામ અંગે વાતચીત થઈ હતી, તેમાં ટેરિફની કોઈપણ વાતચીત થઈ નથી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ કોર્ટમાં દાવો કર્યો હતો કે, ‘અમેરિકા દ્વારા ટેરિફની ધમકીથી ભારત-પાકિસ્તાન વચ્ચે ત્રણ દિવસની લડાઈ બાદ યુદ્ધવિરામ થયું છે.’
ભારતે ટ્રમ્પના દાવાને ફગાવ્યા
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સ યોજી ટ્રમ્પના દાવાને રદીયો આપ્યો છે. તેમણે કહ્યું છે કે, ‘આ વિશેષ મુદ્દે ભારતનો વિરોધ સ્પષ્ટ છે... સાત મેથી ઓપરેશન સિંદૂર (Operation Sindoor) શરૂ કરવામાં આવ્યું હતું, જે 10 મેએ સમાપ્ત કરાયું હતું. આ દરમિયાન ભારત-અમેરિકા વચ્ચે વાતચીત થતી રહેતી હતી, જોકે આ ચર્ચામાં ટેરિફનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.’
ટ્રમ્પ સરકારે કોર્ટમાં શું કહ્યું હતું?
વાસ્તવમાં અમેરિકાની કોર્ટમાં ટેરિફના કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે હાસ્યાસ્પદ દાવો કરતા કહ્યું હતું કે, જો કોર્ટ ટેરિફ લગાવવાની શક્તિઓ સમિતિ કરશે, તો ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધવિરામ તૂટી શકે છે. ટ્રમ્પ દ્વારા ઈમરજન્સી શક્તિઓનો ઉપયોગ કરવાની બાબતનો બચાવ કરતા ટ્રમ્પના અધિકારીઓએ કોર્ટને કહ્યું હતું કે, ‘ટેરિફ સત્તાઓને મર્યાદિત કરવાના નિર્ણયની અસર દરેક ક્ષેત્ર પર પડશે જેમાં વ્યૂહાત્મક પ્રભાવ ઉભો કરવા માટે આર્થિક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે.
ઉદાહરણ તરીકે, બે પરમાણુ શક્તિ ધરાવતા દેશો ભારત-પાકિસ્તાન વચ્ચે... બંને દેશો વચ્ચે 13 દિવસ પહેલા જ યુદ્ધ ચાલી રહ્યું હતું. બંને વચ્ચે 10 મે-2025ના રોજ સીઝફાયર થયું હતું. માત્ર રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના હસ્તક્ષેપ બાદ જ સીઝફાયર થઈ શક્યું છે. અમેરિકાએ બંને દેશો વચ્ચેનું યુદ્ધ ટાળવા માટે વેપાર ન કરવાની ધમકી આપી હતી. કોર્ટ ટેરિફ સત્તાઓ મર્યાદિત કરશે તો આખા ક્ષેત્રની સુરક્ષા અને લાખો લોકોનું જીવન ખતરામાં પડી શકે છે.’