
સાબરકાંઠામાં અનોખી વાત સામે આવી છે. જેમાં ગામના સરપંચે અંધશ્રદ્ધામાં વિધિ કરવાના બહાને અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે. રૂપિયાનો વરસાદ કરી કરોડો રૂપિયા આપવાની રજૂઆત કરી હતી. જેમાં ફરિયાદીને 11 લાખના બદલામાં બે કરોડ રૂપિયા આપવાનું કહીને વિધિ કરવા માટે સ્મશાનમાં લઈ જવામાં આવ્યા હતા. ગામનો સરપંચ રૂપિયાનો વરસાદ કરવાનું કહીને તાંત્રિક વિધિના નામે ગામલોકો સાથે છેતરપિંડી કરતો હતો. બે વર્ષથી આવો ધંધો કરતા સરપંચને પોલીસે ઝડપી લીધો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
હિંમતનગરના પાણપુરના રહેવાસી તોફીક ઉર્ફે બિલાલ ફેબ્રીકેશનનું કામ કરે છે. જેણે આ તાંત્રિકનું ફેબ્રિકેશન કામ કર્યુ હતું. કામકાજ દરમિયાન તાંત્રિકની વાતોમાં આવી ગયો હતો. સરપંચ અલ્પેશ ઠાકોર પાસે ફેબ્રીકેશનના કામના 4.50 લાખ રૂપિયા લેવાના થતા હતા. આ સિવાય 50 હજાર રૂપિયા રોકડા આપ્યા. અને 6 લાખની લોન કરાવીને કુલ ૧૧ લાખ રૂપિયા આપ્યા હતા. જેના બદલામાં અલ્પેશ ઠાકોરે વિધિ કરી 2 કરોડ રૂપિયા આપવાનું કહ્યું હતું. સ્મશાનમાં લઈ જઈ તાંત્રિક વિધિ કરાવી હતી. થોડા સમયમાં તમને રૂપિયા મળી જશે એવું કહ્યું હતું. સમય વિતવા છતાં રૂપિયા ન મળતાં તોફિકે અલ્પેશ ઠાકોર પાસે રૂપિયા પાછા માગ્યા હતા. રકઝક બાદ 5 લાખ રૂપિયા પાછા આપ્યા હતા. પરંતુ 6 લાખ રૂપિયા પાછા ન મળતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આજના આધુનિક યુગમાં અંધશ્રદ્ધાને નામે તાંત્રિક વિધિનો ભોગ બની રહ્યા છે. અલ્પેશ ઠાકોર સામે રૂપિયાનો વરસાદ કરતો હોવાની જાદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીને 11 લાખના બદલામાં બે કરોડ રૂપિયા આપવા વિધિ કરી હતી. અલ્પેશ સોમાજી ઠાકોર તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યો છે. સરપંચ અલ્પેશ ઠાકોર બે વર્ષથી કેટલાય લોકો સાથે આ રીતે છેતરપિંડી કરતો હતો. ઈડર, વડાલી તેમજ ખેડબ્રહ્માના કેટલાય લોકો આ અંધશ્રદ્ધાનો ભોગ બન્યા છે.સાબરકાંઠા ઉપરાંત ગુજરાત તેમજ રાજસ્થાનના કેટલાય લોકો આ તાંત્રિકનો ભોગ બન્યા છે.