Home / : Our freedom heroes: Khudiram Bose

Zagmag : આપણા સ્વાતંત્ર્ય નાયકો : ખુદીરામ બોઝ

Zagmag : આપણા સ્વાતંત્ર્ય નાયકો : ખુદીરામ બોઝ

- ખુદીરામે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેના પર બોમ્બ ફેંક્યો. બગીના ખુડદા બોલી ગયા. વિસ્ફોટથી આખું શહેર ગાજી ઊઠયું. કિંગ્સફોર્ડને ઠાર કર્યાનો આનંદ અનુભવતા બન્ને ક્રાંતિકારીઓ ત્યાંથી નાઠા

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

માત્ર અઢાર વર્ષની ઉંમરે ફાંસીએ ચડનારા કિશોર ક્રાંતિકારી ખુદીરામ બોઝ બંગાળના મિદનાપુર જિલ્લાના મોહબાની ગામના વતની હતા. નાનપણથી જ માબાપનું છત્ર ગુમાવેલું. થોડો સમય બહેન-બનેવી ભેગા રહ્યા. બહેનના સાસરિયાને તે ગમતું ન હોવાથી શિક્ષક સત્યેનબાબુએ તેમને સંભાળ્યા. ભણવામાં બહુ રસ ન પડયો. નવ ભણીને અટકી ગયા. આ અરસામાં 'બંગભંગ'ના આંદોલને જોર પકડયું. ખુદીરામ પણ તેમ કૂદી પડયા. લાઠીઓ ખાધી. સત્યેનબાબુના પુસ્તક 'સોનાર બંગલા'નું વિતરણ કરીને જેલમાં ગયા. એક મહિનાની સજા ભોગવીને છૂટયા. વારીન્દ્રનાથ ઘોષના સંપર્કમાં આવતા 'અનુશીલન સમિતિ'ના સભ્ય બન્યા. એ વખતે બંગાળમાં કિંગ્સ ફોર્ડ નામનો કટ્ટર સામ્રાજ્યવાદી ન્યાયાધીશ હતો. ક્રાંતિકારીઓને કઠોરમાં કઠોર સજા કરવા માટે તે પંકાયેલો હતો. ખુદીરામ બોઝ અને પ્રફુલ્લચાકીએ તેને ખતમ કરવાનું બીડું ઝડપ્યું. કિંગ્સ ફોર્ડ રોજ સાંજે બગીમાં બેસીને ક્લબમાં પત્તાં રમવા જતો. બન્ને ક્રાંતિકારીઓએ જ્યારે એ ક્લબમાંથી પાછો ફરતો હોય ત્યારે એનાં પર બોમ્બ ફેંકવાનું નક્કી કર્યું. ૩૦ એપ્રિલ,૧૯૦૮ના રાતના સાડા આઠ વાગ્યાનો સમય. કિંગ્સ ફોર્ડ ક્લબમાંથી પત્તાં રમીને ઊઠયો. એની સાથે પત્તાં રમનારી અંગ્રેજ વકીલની પત્ની કેનેડી અને તેની દીકરી પણ ઊઠયાં. કિંગ્સ ફોર્ડ અને આ મા-દીકરી પોતપોતાની બગીમાં બેઠાં. બન્ને બગીનો રંગ સરખો હતો. કેનેડી બેઠી હતી એ બગી આગળ હતી. આ બગી જેવી કિંગ્સ ફોર્ડના બંગલા પાસે આવી કે બન્ને ક્રાંતિકારીઓ માન્યું કે પોતાનો શિકાર આવી ગયો છે. ખુદીરામે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેના પર બોમ્બ ફેંક્યો. બગીના ખુડદા બોલી ગયા. વિસ્ફોટથી આખું શહેર ગાજી ઊઠયું. કિંગ્સફોર્ડને ઠાર કર્યાનો આનંદ અનુભવતા બન્ને ક્રાંતિકારીઓ ત્યાંથી નાઠા. થોડે સુધી તેઓ સાથે રહ્યા. પછી જુદા પડી ગયા. ખુદીરામ એક રાતના પચીસ માઈલ ચાલીને બેનીગાવ પહોંચી ગયા. આખી રાતનું કાંઈ ખાધું નહોતું એટલે એક લારીઓ ચા પીવા ગયા. ત્યાં બે સિપાઈ બેઠા હતા. તેમાંથી એકે છાપામાં નજર ફેરવતાં બીજાએ કહ્યું : 'કાલે કોઈએ મિસિસ કેનેડીની બગીમાં બોમ્બ ફેંકી તેની હત્યા કરી નાંખી છે.' આ સાંભળી ખુદીરામના મોંમાંથી અચાનક શબ્દો સરી પડયા : 'તો શું કિંગ્સ ફોર્ડ બચી ગયો છે ?' ખુદીરામના મોં પરના હાવભાવ પરથી સિપાઈને તરત શંકા પડી. એ જ ક્ષણે તેની ધરપકડ કરી જેલમાં ધકેલી દેવામાં આવ્યો. ૮ જૂન, ૧૯૦૮ના રોજ મુકદ્દમો ચલાવવામાં આવ્યો. પાંચ દિવસમાં તો તેને ફેંસલો પણ આવી ગયો. ફાંસીની સજા! આવડા છોકરાને ફાંસીની સજા કઈ રીતે થઈ શકે? કેટલાય દેશભક્તોએ કોર્ટમાં અપીલ કરી. પરંતુ ચુકાદામાં કોઈ ફેરફાર કરવામાં ન આવ્યો. 'વંદેમાતરમ્'ના જયઘોષ સાથે ખુદીરામ ફાંસીના માંચડે ચડી ગયો.

- જિતેન્દ્ર પટેલ

Related News

Icon