
વડોદરા જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહ ચંદુભાઇ પરમારે ગંભીરા બ્રિજના સમારકામને લઇને સંબંધિત તમામ વિભાગોને પત્ર લખીને જાણ કરી હતી. આર એન્ડ બી ડીપાર્ટમેન્ટને પત્ર લખ્યો હતો. આ ઉપરાંત મોરબી બ્રિજ દુર્ઘટના કેસ પછી કલેક્ટરને પણ પત્ર લખી બ્રિજના સમારકામ માટે જાણ કરતો પત્ર લખ્યો હતો. પરંતુ તેમના પત્રની કોઈ ખાસ નોંધ લેવાઈ નહોતી. કલેક્ટર કચેરી તરફથી પણ આર એન્ડ બીને તપાસ કરીને યોગ્ય પગલાં ભરવા પત્ર લખાયો હતો. તંત્ર દ્વારા અંદરોઅંદર ખાલી પત્ર પત્ર રમીને લોકોના જીવ સાથે ખેલ ખેલાયો છે.
વડોદરા ડિવિઝન(આરએન્ડ બી) એક્ઝિક્યુટિવ એન્જિનિયર ડિસ્ટ્રિક્ટને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, મુજપુર સ્થિત ગંભીરા પુલ અત્યંત જર્જરિત અવસ્થામાં હોઈ તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે તે અનુસંધાને પત્ર લખ્યો હતો.
જિલ્લા પંચાયત સદસ્ય હર્ષદસિંહે પત્રમાં લખ્યું હતું કે, ગંભીરા બ્રિજના પિલરોમાં મોમેન્ટ આવી ગઈ છે. જેને લીધે બ્રીજ ઉપર ધ્રુજારી વધુ આવે છે. આ બ્રિજને જોખમી જાહેર કરી સત્વરે રિપેર કરવા સાથે નવો બ્રિજ બનાવવામાં આવે. જાહેર જનતાને આ બ્રિજ ઉપર આવવું જવું જોખમી છે. આ જોખમ દૂર કરો. અન્યથા ભવિષ્યમાં આ બ્રિજને કારણે કોઈ જાનહાનિ થશે તો એની સંપૂર્ણ જવાબદારી તમામ સત્તાધિશોની રહેશે. જેની ગંભીર નોંધ લેવી.