
સમગ્ર ખેડા જિલ્લામા ગૌરી વ્રતના પૂજન માટે શિવ મંદિરોમા કુંવારીકાઓની ભીડ જોવા મળી રહી છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમા પણ નાના મોટા અનેક શિવ મંદિરો આવેલા છે. વહેલી સવારે કુંવારીકાઓ જવારાની પૂજા કરે છે.
ગૌરી વ્રતનો હિન્દુ ધર્મમાં અનોખો મહિમા
ગૌરી વ્રતનો હિન્દુ ધર્મમાં અનોખો મહિમા છે. આ વ્રત મોળાકત વ્રત તરીકે પણ ઓળખાય છે. આ વ્રત દેવી પાર્વતીને સમર્પિત છે. એવું કહેવાય છે કે આ વ્રત કરનારને પોતાનો મનગમતો વર મળે છે. આ વ્રત અષાઢ મહિનામાં આવે છે. સારો ભરથાર મળે, સંસાર સુખમય રહે તેવી કામના સાથે ગોરમાનું પૂજન કરવામાં આવે છે. શ્રાવણ માસ પૂર્વે કુંવારી કન્યાઓના વ્રતની શરૂઆત થાય છે. જેને ગૌરી વ્રત કહેવાય છે. રવિવારે અષાઢ માસની સુદ અગીયારસથી પાંચ દિવસ સુધી કન્યાઓ આ વ્રત કરે છે.
વહેલી સવારે કુંવારીકાઓ જવારાની પૂજા કરે છે. ત્યારબાદ શિવને દૂધ, ફૂલ, કકું, ચોખાથી પૂજન કરી આરતી ઉતારે છે અને ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આ વ્રતમાં દીકરીઓ પાંચ દિવસ મીઠા તેમજ મરચા વગરનુ એકટાણું કરે છે. ત્યારબાદ છઠ્ઠે દિવસે જાગરણ કરી વહેલી સવારે જવારાને ગોમતી નદીમા પધરાવી આ વ્રતની પૂર્ણાહુતિ કરે છે. આ પાંચ દિવસ દરમ્યાન વ્રત કરતી કુંવારીકાઓ ડ્રાયફ્રૂટ્સનું સેવન કરે છે.
વ્રત પાછળ દંતકથા પ્રચલિત
આ વ્રત પાછળ એક દંતકથા પ્રચલિત છે. દેવી પાર્વતીના પિતા દક્ષ પ્રજાપતિ ખૂબ જ અહંકારી હતા. પોતાની પુત્રી પાર્વતીના લગ્ન શિવ સાથે ન થાય તેવું મક્કમ કરી બેઠા હતા. પરંતુ દેવી પાર્વતી મનોમન શિવને પોતાના પતિ માની ચુક્યા હતા. શિવને પોતાના પતિ સ્વરૂપે મેળવવા માટે તેમણે અષાઢ મહિનામા પાંચ દિવસનુ વ્રત કર્યું. શિવને જન્મો જનમ પોતાના પતિ તરીકે મેળવવા ઘણા વર્ષો સુધી દેવીએ આ સાધના કરી. ત્યારથી આ ગૌરી વ્રતનો મહિમા કુંવારીકાઓમાં પ્રચલિત છે. આમ માતા પાર્વતીએ આ વ્રત આદર્યું હોવાથી હિન્દુ ધર્મમા પાંચ દિવસના વ્રતને ગૌરી વ્રત તરીકે ઉજવવામાં આવે છે. શિવ પુરાણમા જણાવ્યા મુજબ આ વ્રત કરવાથી ભોળા શંકર મનગમતું ફળ આપે છે.