અમરેલી - રાજુલા પંથકમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. એક જ રાતમાં સાડા 7 ઇંચ વરસાદ ખાબકતા નદીઓ ગાંડીતુર બની હતી. પીપાવાવ ધામ નજીકથી 24 જેટલા શ્રમિક મજુર પરિવારને સુરક્ષિત બહાર કાઢી વિકટર શાળામાં રાખવામાં આવ્યા છે. પોલીસ જવાનો શ્રમિકોને બચાવવા રેસ્ક્યૂ કરી રહ્યા છે. પૂરના પાણીમાં ફસાયેલી બાળકીને પોલીસ જવાને પોતાના ખભા ઉપર બેસાડીને બહાર કાઢી હતી. પોલીસ જવાનની કામગીરીને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ બિરદાવી હતી.
પ્રાંત અધિકારી દ્વારા સરપંચો સહિત નદી કાંઠાના ગામડાઓને એલર્ટ કર્યા કર્યા છે. તલાટી મંત્રીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપ્યો છે. ભારે વરસાદથી પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
અમરેલીના રાજુલા પંથકમાં ભારે વરસાદ બાદ નદીઓમાં નવા નીરનો નોંધપાત્ર આવક થઈ છે. ત્યારે રાજુના ઉટિયાથી રાજપરડા ગામે જતા રસ્તા પર નદીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. તણાયેલી કાર બ્રિજ નીચે ફસાઈ હતી. કારમાં ફસાયેલી અન્ય વ્યક્તિને બહાર કાઢવા સ્થાનિકો તેમજ તંત્ર દ્વારા જેસીબી મશીનથી બ્રીજ તોડવા સહિતની કામગીરી કરવામાં આવી હતી.
અમરેલીના બાબરા પંથકમાં અનરાધાર વરસાદે હાહાકાર મચાવ્યો છે. બાબરાના નાની કુંડળ ગામે કોઝ-વે પર પાણીના ધસમસતા પ્રવાહમાં કાર અટવાઈ હતી બાબરાથી રાજકોટ જતા કલ્પેશ ચૌહાણ તેમનો દીકરો અને મિત્ર કારમાં અટવાઈ ગયા હતા. મધ્યરાત્રીએ 108 એમ્બ્યુલન્સ સેવા, ફાયર બ્રિગેડ અને પોલીસે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. 108ની મહિલા ડૉક્ટરની સજાગતાથી કારના કાચ તોડી, બોનેટ પર બેઠેલા બે પુરૂષ અને એક બાળકને સુરક્ષિત બચાવાયા હતા.

