
અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં આવેલા રામનગરમાં પ્રેમપ્રકરણમાં પ્રેમિકાને ગળાના ભાગે છરાના ઘા મારી હત્યા કરી પ્રેમી ત્યાંથી પલાયન થઈ ગયો હતો. મૃતક પ્રેમિકા લલિતાબેન ઠાકોર અને તેના પ્રેમી મનસુખ રાવળ વચ્ચે ઘણા વર્ષોથી પ્રેમસંબંધ હતો. પરંતુ આજે અચાનક આ વર્ષો જૂના પ્રેમ પ્રકરણનો કરૂણ અંત આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, બાવળા શહેરના રામનગરમાં વર્ષોથી પ્રેમસંબંધમાં રાચતા લલિતા ઠાકોર અને મનસુખ રાવળ વચ્ચેનો સંબંધનો અચાનક કરૂણ અંત આવ્યો હતો. અગમ્ય કારણોસર પ્રેમી મનસુખ રાવળે તેની પ્રેમિકા લલિતા ઠાકોરના ઘરમાં જઈ તેના ગળાના ભાગે છરી મારી હત્યા કરી દીધી હતી. મૃતક કંઈ સમજે તે પહેલા તેનો પ્રેમી મનસુખ રાવળ તેની પર તૂટી પડયો હતો. લલિતા ઠાકોરના ઘરમાં એક તરફ મૃતદેહ બીજીબાજું ઘરમાં લોહીના ખાબોચિયા ભરાયા હતા. જો કે, પ્રેમી મનસુખ રાવળ લલિતાની હત્યા કરી છરો ઘટનાસ્થળે મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. મહિલાની તેના પ્રેમીએ કેમ હત્યા કરી તેનું કારણ અકબંધ હતું.
બાવળાના રામનગરમાં મહિલાની કરપીણ હત્યાની જાણ થતા બાવળા પોલીસે ઘટનાસ્થળે જઈ કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક લલિતાબેન ઠાકોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ ખસેડયો હતો. આરોપી મનસુખ રાવળને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.