Home / Business : Precious metal prices, including gold, fall after Iran-Israel ceasefire

ઈરાન-ઈઝરાયલ સીઝફાયર બાદ કિમતી ધાતુમાં તેજીનો ટ્રેન્ડ અટક્યો? સોનું 2000 રૂપિયા સસ્તુ થયું

ઈરાન-ઈઝરાયલ સીઝફાયર બાદ કિમતી ધાતુમાં તેજીનો ટ્રેન્ડ અટક્યો? સોનું 2000 રૂપિયા સસ્તુ થયું

Gold Price Down: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા 12 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં સીઝફાયરની જાહેરાતથી કિંમતી ધાતુના ભાવ ગગડ્યાં છે. વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુના ભાવમાં ઘટાડો નોંધાતા એમસીએક્સ સોના-ચાંદીના ભાવ આજે તૂટ્યા હતાં. એમસીએક્સ ગોલ્ડ 500 રૂપિયાના ઘટાડે ખૂલ્યા બાદ 2966 રૂપિયા સુધી ગગડ્યુ હતું. જે બપોરના ટ્રેડિંગ સેશનમાં 1.31 વાગ્યે 1849 રૂપિયાના કડાકે રૂ. 97539 પ્રતિ 10 ગ્રામના સ્તરે ટ્રેડ થઈ રહ્યુ હતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એમસીએક્સ ચાંદીમાં પણ કડાકો

એમસીએક્સ ચાંદીના ભાવ પણ આજે 1000 રૂપિયા સુધીનો કડાકો નોંધાયો હતો. જે ગઈકાલના રૂ. 1,06,759 પ્રતિ કિગ્રાના સ્તરેથી તૂટી આજે રૂ. 1,05, 505 પ્રતિ કિગ્રાના નીચા સ્તરે પહોંચી હતી. 

વૈશ્વિક સ્તરે સોનાના ભાવ બે સપ્તાહના તળિયે

જીઓ પોલિટિકલ તણાવમાં ઘટાડો નોંધાતા વૈશ્વિક સ્તરે સ્પોટ ગોલ્ડના ભાવ બે સપ્તાહના તળિયે પહોંચ્યા હતાં. સ્પોટ ગોલ્ડ 0.5 ટકા તૂટી 3351 ડોલર પ્રતિ ઔંસ થયુ હતું. જે 11 જૂન બાદના તળિયે છે. યુએસ ગોલ્ડ ફ્યુચર્સ પણ 0.9 ટકા તૂટી 3365.30 ડોલર પ્રતિ ઔંસ થયુ હતું.

અમદાવાદમાં સોના-ચાંદીની સ્થિતિ

વૈશ્વિક બજારોના સથવારે સ્થાનિક સ્તરે સોના-ચાંદીના ભાવ ઘટ્યા છે. અમદાવાદ ચોક્સી મહાજનમાં આજે 999 સોનાના ભાવ રૂ. 1500-2000ના ઘટાડે બોલાઈ રહ્યા હતાં. જે ગઈકાલે રૂ. 1,02,500 પ્રતિ 10 ગ્રામ હતો. આજે અમદાવાદમાં સોનાનો ભાવ 1,00,500-1,00,000 પ્રતિ 10 ગ્રામની રેન્જમાં રહેવાનો અંદાજ છે. ચાંદી પણ ગઈકાલે 1,07,000 પ્રતિ કિગ્રાના સ્તરે ક્વોટ થઈ હતી. જે હાલ 1,04,000 પર ટ્રેડ થઈ રહી છે.

રોકાણકારોની નજર હવે ફેડ પર

કોમોડિટી નિષ્ણાતે જણાવ્યા પ્રમાણે, ઈરાન-ઈઝરાયલ વચ્ચે સીઝફાયરના કારણે સેફહેવન એસેટ્સની માગ ઘટી છે. રોકાણકારો ફેડ ચેરમેન જેરોમ પોવેલ દ્વારા યુએસ કોંગ્રેસ સમક્ષ રજૂઆત અને બુધવારે પોલિસી રેટ માટેની સ્પષ્ટતા પર નજર રાખી રહ્યા છે. જો કે, મોટાભાગના તજજ્ઞોએ વ્યાજના દર જુલાઈમાં ઘટવાની તીવ્ર શક્યતા દર્શાવી છે. જે સોના-ચાંદીમાં હેવી કરેક્શનનો સંકેત આપી શકે છે.

Related News

Icon