Home / Business : Indications of new demands being met at a high level

Business Plus: સોના-ચાંદીમાં રેકોર્ડ તેજી, ઉંચા મથાળે નવી માગ રુંધાયાના નિર્દેશો

Business Plus: સોના-ચાંદીમાં રેકોર્ડ તેજી, ઉંચા મથાળે નવી માગ રુંધાયાના નિર્દેશો

- બુલિયન બિટ્સ

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- વૈશ્વિક સોનામાં 3400 પછી હવે 3500 ડોલરની બતાવાતી શક્યતા

- લાંબા ગાળે વૈશ્વિક સોનાના ભાવ વધુ વધી ઉંચામાં 4000 ડોલર સુધી પહોંચી જવાની  શક્યતા

દેશના ઝવેરીબજારોમાં સોના- ચાંદીના ભાવ આંચકા પચાવી વિતેલા સપ્તાહમાં નવેસરથી ઝડપી ઉંચકાતાં બજારમાં નવા ઉંચા શિખરે કિંમતી ધાતુઓના ભાવ પહોંચી ગયા હતા અને બજારના ખેલાડીઓ જાણે ઉંઘતા ઝડપાયા હોય એવી સ્થિતિ સર્જાઈ હતી. ઝવેરીબજારના જાણકારોના જણાવ્યા મુજબ વિશ્વબજારમાં સોના- ચાંદીના ભાવમાં તાજેતરમાં સ્પ્રિંગ જેવો ઉછાળો આવ્યો હતો અને તેના પગલે દેશમાં આયાત થતા સોના- ચાંદીની ઈમ્પોર્ટ કોસ્ટ ઝડપથી વધી જતાં ઘરઆંગણાના ઝવેરીબજારોમાં સોના તથા ચાંદીના ભાવ વેગથી વધી ઉંચામાં એક લાખ રૂપિયાના છ આંકડાના મથાળાને આંબી જતાં બજારમાં આવતા ગ્રાહકો પણ સ્તબ્ધ થઈ ગયા હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.

અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ વધી ૧૦ ગ્રામના રૂ.૧ લાખની ઉપર ગયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ ઉછળી કિલોદીઠ રૂ.૧ લાખની ઉપર જઈ રૂ.૧ લાખ ૩થી ૪ હજાર સુધી બોલાતા થયા હતા. સોના- ચાંદીમાં ભાવ તીવ્ર વેગથી વધી નવા ઉંચા શિખરે પહોંચી જતાં બજારમાં નવી માંગને ખાસ્સો ફટકો પડયો છે તથા નવા  વેપારો ધીમા પડી ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ઝવેરી બજારોમાં ઈમ્પોર્ટ કોસ્ટ સામે ભાવમાં ડિસ્કાઉન્ટ બોલાતા થયા છે. દેશમાં હવે મોનસૂન શરૂ થતાં લગ્નસરાની મોસમ પુરી થઈ છે તથા હવે ઓગસ્ટમાં તહેવારોની મોસમ શરૂ થશે ત્યાં સુધીના ગાળામાં દેશના ઝવેરીબજારોમાં ચહલપહલ ધીમી પડી જવાની ગણતરી બજારના જાણકારો બતાવી રહ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારના જાણકારોના જણાવ્યા મુજબ વૈશ્વિક સોનાના ભાવ તાજેતરમાં ઔંશદીઠ ૩૨૮૯થી ૩૨૯૦ ડોલરથી ઝડપી વધી ઉંચામાં ૩૪૦૦ ડોલરની સપાટી પાર કરી ગયાના સમાચાર મળ્યા હતા. વૈશ્વિક સ્તરે ડોલરનો ઈન્ડેક્સ દબાણ હેઠળ રહેતાં વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ એકટીવ જોવા મળ્યું હતું. વિશ્વબજારમાં સોનાના ભાવ ઉછળતાં તેની પાછળ ચાંદી તથા પ્લેટીનમ અને પેલેડીયમના ભાવમાં પણ ઝડપી તેજી આવ્યાના સમાચાર મળ્યા હતા. ઘરઆંગણાના બજારો વિશ્વબજારને અનુસરતા રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૩૨.૯૮થી ૩૨.૯૯ વાળા ઉછળી ઉંચામાં ૩૬ ડોલરની ઉપર જતા રહેતાં ઘરઆંગણે પણ ચાંદીના ભાવમાં ઓચીંતી તેજીનો તીવ્ર ચમકારો જોવા મળ્યો હતો.

વૈશ્વિક પ્લેટીનમના ભાવ વધી ઔંશના ઉંચામાં ૧૧૦૦ ડોલરની સપાટી પાર કરી ગયા હતા જ્યારે વૈશ્વિક પેલેડીયમના ભાવ વધી ઉંચામાં ૧૦૦૦ ડોલર ઉપર ગયા હતા. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ફરી ઉંચકાતાં સોનાની તેજીને તેના કારણે પીઠબળ મળ્યું હતું જ્યારે વૈશ્વિક કોપરના ભાવ ઉછળતાં તેની પોઝીટીવ અસર વૈશ્વિક ચાંદીના ભાવ પર દેખાઈ હતી. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ બ્રેન્ટક્રૂડના બેરલના ૬૨.૭૫થી ૬૨.૮૦ ડોલરથી વધી ઉંચામાં ૬૫ ડોલરની સપાટી પાર કરી ૬૬ ડોલર નજીક પહોંચ્યા હતા. વિશ્વબજારમાં કોપરના ભાવ વધી ટનના ત્રણ મહિનાના વાયદાના ઉંચામાં ૯૮૦૦ ડોલર નજીક પહોંચી ગયાના સમાચાર મળ્યા હતા.

વિશ્વબજારમાં ચાંદીના ભાવમાં આવી તેજી આ પૂર્વે ૨૦૧૨માં જોવા મળી હતી અને હવે ૧૩ વર્ષ પછી નવેસરથી ચાંદીના ભાવમાં નવો રેકોર્ડ સર્જાયો છે. વૈશ્વિક ટ્રેન્ડ જોતાં ઘરઆંગણે આગળ ઉપર હવે પછી સોના તથા ચાંદીના ભાવ વધુ ઉંચા જઈ સવા લાખ રૂપિયાને આંબી જવાની શક્યતા બજારનો અમુક વર્ગ હવે બતાવતો થયો છે. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ તાજેતરમાં ઘટી નીચામાં ૯૯ની સપાટીની અંદર ઉતરી ગયાના વાવડ પણ મળ્યા હતા. મોર્ગન સ્ટેનલીના સૂત્રોના જણાવ્યા મુજબ વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ આગળ  ઉપર વધુ ઘટી ૯૧થી ૯૨ની સપાટી સુધી ઉતરી જવાની શક્યતા જણાય છે અને વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ જેટલો નીચો જશે તેટલી તેજી સોનાના ભાવમાં વધુ ઉંચે ચડશે એવી ગણતરી વૈશ્વિક તજજ્ઞાો બતાવી રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ હવે પછી ઉંચામાં ઔંશના ૩૫૦૦ ડોલર સુધી ઝડપી પહોંચી જવાની શક્યતા જણાય છે તથા વૈશ્વિક સ્તરે રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ વિષયક તંગદીલી વધી છે તથા અમેરિકા અને ચીન વચ્ચે વેપાર વિષયક તંગદીલી વધી છે એ જોતાં આવા સંજોગો જળવાઈ રહેશે તો લાંબા ગાળે વૈશ્વિક સોનાના ભાવ વધુ વધી ઉંચામાં ૪૦૦૦ ડોલર સુધી પહોંચી જવાની  શક્યતા બજારના એનાલીસ્ટો તથા વૈશ્વિક ઈન્વેસ્ટમેન્ટ બેન્કરો બતાવી રહ્યા હતા. અમેરિકામાં ખાનગી ક્ષેત્રના જોબગ્રોથના ડેટા નબળા આવ્યા છે તથા ત્યાં બેરોજગારીના  દાવા જોબલેસ કલેઈમ્સ વધી ઓક્ટોબર પછીના નવા ઉંચા મથાળે પહોંચી જાતાં અમેરિકામાં જોબ માર્કેટમાં ફરી નબળાઈ જોવા મળી છે. આની અસર વૈશ્વિક ડોલર તથા વૈશ્વિક સોના પર હવે પછી પડતી જોવા મળશે એવી ગણતરી બતાવાતી હતી. સરકારે આયાતકારો માટે ડોલરના ભાવ વધાવતાં ઈફેકટીવ  ઈમ્પોર્ટ ડયુટી પણ ઉંચકાઈ છે.

 - દિનેશ પારેખ

 

 

Related News

Icon