
રશિયા અને યુક્રેન યુદ્ધથી હીરા ઉદ્યોગમાં ન આવી હોય તેવી લાંબી મંદી ચાલી રહી છે. મંદીના કારણે છેલ્લા કેટલાક સમય દરમિયાન રત્નકલાકારોના આપઘાતના બનાવો વધ્યા છે. એવામાં સુરતમાં ડાયમંડકીંગ તરીકે ઓળખાતા ગોવિંદ ધોળકિયાએ રત્નકલાકારોને વ્યાજે પૈસા લેવાથી દૂર રહેવા અપીલ કરી હતી. શ્રી રામ કૃષ્ણ એક્સપોર્ટના પરિવારોત્સવ કાર્યક્રમમાં ગોવિંદભાઈએ કહ્યું હતું કે, ત્રણ ટાઈમ ખાવાનું ન થાય તો એક ટાઈમ ખાવું પણ વ્યાજના રૂપિયા લેવા નહીં. સાથે ઉદાહરણ આપતા કહ્યું કે, આપઘાતના જે બનાવો બને છે તેમાં 50ટકા બનાવોમાં વ્યાજના રૂપિયા નહીં ચૂકવી શકવાનું હોય છે.
વ્યાજથી દૂર રહેવા અપીલ
ગોવિંદ ધોળકિયાએ રત્નકલાકારોને કહ્યું કે, ક્યારે પણ કંઈ પણ થઈ જાય પણ વ્યાજ ના રૂપિયા લેવા નહીં. લોન લેવી નહી. કાઠિયાવાડી કહેવત સંભળાવતા કહ્યું કે, સોફાળ હોય તેટલી સોડ કરવી જોઈએ. વ્યાજના રૂપિયાથી કંઈ પણ કરવું નહીં. કદાચ ત્રણ ટાઈમ ખાવાનું ન મળે તો એક ટાઈમ ખાઈશું પણ વ્યાજના રૂપિયા નહીં લેવા જોઈએ. સુરતમાં હાલમાં મીડિયામાં આવતા ન્યુઝ માંથી 50% ન્યૂઝમાં જે લોકોએ વ્યાજે રૂપિયા લીધા હોય છે અને તે ન ચૂકવી શકતા આપઘાત કરી લે છે. તમારો નંબર આમાં ન આવે તે માટે વ્યાજે પૈસા લેશો નહી.
માંડવીયાએ કોરોનાકાળને યાદ કર્યો
ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પરિવારોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સમાજમાં સંયુક્ત પરિવારનું મહત્વ સમજાવવા આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવીયા ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કોરોનાનું ઉદાહરણ આપીને લોકોને પરિવારનું મહત્વ સમજાવ્યું હતું. પરિવારોત્સવ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, મોટીવેશનલ સ્પીકર જયા કિશોરી ઉપસ્થિત રહ્યા હતા. માંડવીયાએ પોતાના સંબોધન દરમિયાન કોરોનાકાળને યાદ કર્યો હતો.