
રાજ્યમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. 3,541 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને 353 ગ્રામ પંચાયતની પેટાચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે.751 ગ્રામ પંચાયત અગાઉ જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. રાજ્યભરમાં કુલ 3,656 સરપંચ પદ અને 16,224 સભ્યપદ માટે કોણ ચૂંટાઈ આવે છે તે આજના પરિણામથી જાહેર થશે.
22 જૂને રાજ્યભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી.. જેમાં સરેરાશ 70 ટકાથી વધુ મતદાન થયુ હતું. ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા ઓબીસી અનામત લાગુ કર્યા બાદ પ્રથમવાર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ, જેમાં અંદાજે 81 લાખ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.. ગુજરાતમાં 4,000થી વધુ ગ્રામ પંચાયતોમાં છેલ્લા ત્રણ વર્ષથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે.વધુ 1,400 પંચાયતોની મુદત 30મી જૂન, 2025ના રોજ પૂર્ણ થવાની છે.
ગ્રામ પંચાયતની ચૂંટણી
કોઈ પક્ષના સિમ્બોલ પર લડાતી નથી. ગ્રામ પંચાયતમાં તમામ ઉમેદવારો પાર્ટી સિમ્બોલ વગરના હોય છે. EVMને બદલે બેલેટ પેપરથી મતદાન થાય છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગામના લોકો સીધા પોતાના પ્રતિનિધિ ચૂંટે છે. ગામના લોકો સરપંચ અને પંચાયતના સભ્યોની પસંદગી કરે છે. સરપંચ અને વોર્ડના સભ્યો માટે અલગ અલગ મતદાન હોય છે. દરેક મતદારને મતદાન મથકમાં 2 જુદા જુદા મતપત્રો અપાય છે. એક મતપત્ર સરપંચ માટે હોય છે..બીજુ મતપત્ર વોર્ડના સભ્ય માટે હોય છે. મતદાન મથકમાં બે જુદી જુદી મતપેટી હોય છે. એક મતપેટી સરપંચ માટે હોય છે..બીજી મતપેટી વોર્ડના સભ્ય માટે હોય છે.