
સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, ઉમેદવારો પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે, ત્યારે બનાસકાંઠામાં ગ્રામ પંચાયત ચૂંટણી સંદર્ભમાં જિલ્લા કલેકટરે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી, જેમાં ૬૧૪ ગ્રામ પંચાયતો માટે ૨૨ જૂન રવિવારના રોજ મતદાન યોજાશે. આજે ઉમેદવારી ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે અને આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખ્યાલ આવશે કેટલી ગ્રામ પંચાયત સમરસ થઈ? એમ કલેકટરે જણાવ્યું હતું.
બનાસકાંઠામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ રાજકીય માહોલ સર્જાયો છે. ગ્રામ પંચાયતનો વહીવટ કરવા અનેક ઉમેદવારોને મેદાનમાં આવ્યા છે. ત્યારે ચૂંટણી સંદર્ભે બનાસકાંઠા જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે જેમાં ૬૧૪ ગ્રામ પંચાયતો માટે ૨૨ જૂન રવિવારના રોજ મતદાન યોજાશે. જિલ્લામાં કુલ ૧૧૮૨ મતદાન મથકો પર કુલ ૧૦,૪૪,૦૭૩ મતદારો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સહભાગી બનશે. ૪૦૫ સરપંચની બેઠકો માટે ૫,૩૭,૪૮૮ પુરુષ મતદારો તથા ૫,૦૬,૫૮૫ સ્ત્રી મતદારો ચૂંટણીમાં સહભાગી બનશે. ૩૮૫ ગ્રામ પંચાયતમાં સામાન્ય/વિભાજન કે મધ્ય સત્રની ચૂંટણીઓ તથા ૨૨૯ ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણીનું આયોજન કરાશે. ૪૦૫ સરપંચની બેઠકો તથા ૩૫૭૦ વોર્ડના સભ્યોની બેઠકો માટે ચૂંટણીનું આયોજન કરાશે.
કલેકટરના જણાવ્યા મુજબ જિલ્લામાં ૨૨૬૩ મતપેટીની સંખ્યા, ૧૧૫ ચૂંટણી અધિકારી અને ૧૧૫ મદદનીશ ચૂંટણી અધિકારી સહિત અંદાજે ૬,૮૧૧ પોલિંગ સ્ટાફ ચૂંટણીમાં ફરજ બજાવશે. જિલ્લામાં સૌથી વધુ થરાદ તાલુકામાં ૬૬ ગ્રામ પંચાયતમાં કુલ ૪૧ સરપંચની બેઠકો માટે ચૂંટણી તથા સૌથી ઓછી અમીરગઢ તાલુકામાં ૧૭ ગ્રામ પંચાયતમાં ૧૩ સરપંચની બેઠકો માટે ચૂંટણીનું આયોજન કરાશે. જિલ્લામાં સૌથી વધુ મતદારો ૧૬-ડીસા ગ્રામ પંચાયત ખાતે ૪૫૦૦ જેટલા મતદારો ચૂંટણીમાં સહભાગી બનશે. આજે ઉમેદવારી ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે અને આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખ્યાલ આવશે કેટલી ગ્રામ પંચાયત સમરસ થઈ? એમ કલેકટરે જણાવ્યું હતું.