
- આજે લોકો લોહીના સંબંધનેય પાણી જેવા ગણતા થઈ ગયા છે. ત્યાં પારકાને પોતાનો ગણવાનો પ્રશ્ન જ ક્યાંથી ઉદ્દભવે?
સૌ રભકુમારને કોઈ એમ પૂછે કે તમારે કેટલા દીકરા? તો તેઓ કહેતા : ''મારે બે દીકરા છે. મોટાનું નામ છે અદ્દભુત અને નાનાનું નામ છે આશ્ચર્ય.'' સૌરભકુમારના શબ્દો સાંભળી અદ્દભુતનું બળ્યું-જળ્યું હ્ય્દય શીતળતા અનુભવતું, પણ આશ્ચર્યના હ્ય્દયમાં એ શબ્દો તીરની જેમ ભોંકાતા. એ વિચારતો : 'શું થઈ ગયું છે પપ્પાને? વ્યર્થ જ મિત્રના પુત્રને પોતાનો દીકરો માની બેઠા છે. ન કશી સગાઈ, ન કશું સગપણ. અદ્દભુતના પિતા મરતી વખતે અદ્દભુતની જવાબદારી પપ્પાને સોંપતા ગયા અને એક લપ વળગી.'
અદ્દભુત અને આશ્ચર્ય વચ્ચે એટલું બધું સામ્ય હતું કે જોનારને પહેલી નજરે એમ જ લાગે કે એ બન્ને સગા ભાઈઓ છે. બન્નેનો ગૌરવર્ણ, કાળી ભમ્મર આંખો, નિર્દોષ સ્મિતરેખા, જોતાંની સાથે જ ગમી જાય તેવું બન્નેનું વ્યક્તિત્વ. પણ બન્નેના સ્વભાવમાં આસમાન જમીનનો ફેર. અદ્દભુત પરિશ્રમી અને આશ્ચર્ય આરામ પસંદ સ્વભાવનો, મનસ્વી યુવક. વાતવાતમાં એ કહેતો : 'ખાઓ-પીઓને મોજ કરો. કાલ કોણે દીઠી છે?'
જ્યારે અદ્દભુત સ્વાવલંબનનો આગ્રહી, પોતાનું કોઈપણ કામ બીજાને ન સોંપે, નવરો પડે તો ઘરના નોકરને પણ ઘરકામમાં મદદ કરે. આશ્ચર્ય એને કહેતો : 'અદ્દભુત, જિંદગી સાથે તું મજાક કરી રહ્યો છે મારા પપ્પા તને પોતાનો પુત્ર માને છે. તો પણ તું જિંદગીને નકામી પ્રવૃત્તિઓમાં ગોંધી રાખનાર મીઠાઈની દુકાન સાચવવા બેઠેલા નોકર જેવો છે. સ્વાદની તક હોય તો પણ ભોગવવાની લાલસા નહીં. તું તો ભરયુવાનીમાં વૃધ્ધો જેવું વર્તન કરે છે.' કહીને આશ્ચર્ય ખડખડાટ હસી પડતો હતો.
અદ્દભુત એ સૌરભકુમારનો સગો પુત્ર નથી, એ જાણતાંની સાથે જ યુવતીઓ અદ્દભુતને અપનાવવાની ચોખ્ખી ના પાડી દેતી હતી. પણ સૌરભકુમારની આંખ ઊઘડતી નહોતી. 'હે ભગવાન, આ અદ્દભુત નામનો કાંટો વહેલી તકે મારા પથમાંથી હટાવી લે ' આશ્ચર્ય મનોમન ભગવાનને પ્રાર્થના કરતો.
આશ્ચર્યના મનસ્વી સ્વભાવને લીધે તેના પપ્પા સૌરભકુમારની તેના પ્રત્યે નારાજગી વધતી જતી હતી. અદ્દભુત તરફના આશ્ચર્યના અસંતોષ ધીરે-ધીરે ઈર્ષ્યા અને વેરવૃત્તિનું રૂપ ધારણ કરવા માંડયું. અદ્દભુતના વિવાહની જે ઘરમાં પણ જ્યારે વાત ચાલતી ત્યારે આશ્ચર્ય સામેવાળાનું નામ-ઠામ જાણીને અદ્દભુતના ચારિત્ર્ય વિષેનો કોઈ ગપગોળો કોઈના દ્વારા પહોંચતો કરી દેતો.
પણ સૌરભકુમાર પોતાના નિર્ણયમાં સફર હતા. અદ્દભુતનું લગ્ન થાય પછી જ આશ્ચર્યના લગ્ન કરવા. એટલે આશ્ચર્યએ પોતાની સાથે કોલેજમાં ભણતી રાહી સાથેની દોસ્તી પ્રગાઢ બનાવવાનું શરૂ કરી દીધું હતું. રાહીને અદ્દભુત પ્રત્યે પણ માન હતું. પરંતુ અદ્દભુતનો સ્વભાવ જરા ઓછા બોલો એટલે એની સાથે નજીકનો સંબંધ કેળવવાનું કોઈ સાહસ નહોતું કરી શકતું. પોતાની મમ્મીના અવસાન બાદ આશ્ચર્ય સાવ મનસ્વી બની ગયો હતો. એટલે રાહી આશ્ચર્યને સહેલાઈથી મળી શકતી હતી. પણ રાહીને આશ્ચર્ય સાથે છૂટથી હરતી-ફરતી જોઈને તેનાં મમ્મી-પપ્પાએ તેને ચેતવતાં કહ્યું હતું : ''બેટા રાહી, સૌરભકુમારનો નાનો પુત્ર તેમના વશમાં નથી. એટલે તેની સાથે સંબંધ વધારીશ નહીં. અને તું આગળ વધીશ તો પણ અમે આશ્ચર્યને જમાઈ તરીકે સ્વીકારીશું નહીં. હા, તેમના મોટા દીકરાની વાત જુદી છે. તે ખૂબ ઠરેલ અને સંસ્કારી છે.'
એવામાં સૌરભકુમાર માંદગીના બિછાને પટકાયાં. એમને આશ્ચર્ય કરતાં અદ્દભુતની વધુ ચિંતા હતી, આશ્ચર્ય પોતે આત્મકેન્દ્રી હતો. સૌરભકુમારની ગેરહાજરીમાં એ અદ્દભુતને ઘરમાં પણ ટકવા નહીં દે તેવી સૌરભકુમારને ખાતરી હતી. એટલે કોઈ ઠરેલ અને સંસ્કારી કન્યા સાથે અદ્દભુતના લગ્ન ગોઠવી દેવા એ જ પરિવારના હિતમાં રહેશે, એવું તેઓ માનતા હતા.
રાહી સૌરભકુમારની નજરમાં વસી હતી, તેથી તેનાં મમ્મી-પપ્પાને બોલાવીને અદ્દભુત માટે તેઓ વાત છેડવાનું વિચારતા હતા, ત્યાં અચાનક રાહીના મમ્મી-પપ્પા જ એમની ખબર જોવા આવી ચઢયાં સાથે રાહી પણ હતી.
મમ્મી-પપ્પા સાથે રાહી પોતાના ઘેર આવવાની છે. એ આશ્ચર્ય પહેલેથી જાણતો હતો. એટલે એ ખુશખુશાલ હતો. તેને ખાતરી હતી કે રાહીનાં મમ્મી-પપ્પા તેનાં અને રાહીનાં લગ્ન વિષે વાત કરવા આવવાનાં છે.
પણ સૌરભકુમારે અદ્દભુતનો પ્રસ્તાવ રાહીના મમ્મી-પપ્પા સમક્ષ મૂક્યો. એ સાંભળતા વેંત જ આશ્ચર્યના મનમાં આગ ભભૂકી ઊઠી. અદ્દભુત બિમાર સૌરભકુમારના ઓશીકે જ બેઠો હતો. શરમાઈને તે બીજા રૂમમાં ચાલ્યો ગયો અને રાહી પણ તેની પાછળ ગઈ. એ જોઈ આશ્ચર્યનો ક્રોધ સાતમા આસમાને પહોંચી ગયો. રાહીના મમ્મી-પપ્પાના ગયા બાદ એ પોતાનો દુશ્મન બનીને રાહીને પડાવી જવા તત્પર થનાર અદ્દભુત સાથે ભયંકર ઝઘડો કરવા તલપાપડ બની ગયો હતો.
અડધો કલાક વીતી ગયો. રાહી પાછી આવતાં તેનાં મમ્મી-પપ્પા સૌરભકુમારની રજા લઈ વિદાય થયાં. રાહીને પ્રસન્ન જોઈને સૌરભકુમાર સમજી ગયા કે અદ્દભુત રાહીને પસંદ છે. રાહી અને તેનાં મમ્મી-પપ્પા હજી માંડ અડધા રસ્તે પહોંચ્યાં હશે, ત્યાં આશ્ચર્યએ ત્રાડ નાખી : 'પપ્પા, આજે એ વાતનો ફેંસલો કરી લો કે તમારો સગો પુત્ર કોણ છે. હું કે આ અનાથ અદ્દભુત?'
સૌરભકુમાર કશું બોલે એ પહેલાં આશ્ચર્ય પર રાહીનો ફોન આવ્યો. રાહીએ આશ્ચર્ય સાથે વાત કરતાં કહ્યું : 'આશ્ચર્ય, ખરેખર તું નસીબદાર છે કે તને અદ્દભુત જેવો મોટોભાઈ મળ્યો છે. અમે અડધો કલાક વાત કરી પણ તેમાં કેન્દ્રબિંદુ તો તું જ હતો. અદ્દભુતે મને સમજાવી કે 'તું જેવો જીવનસાથી ઈચ્છે છે એવો હું નથી. એવો તો મારો નાનોભાઈ આશ્ચર્ય છે. મારો નાનો ભાઈ રૂપાળો, ચંચળ, મસ્તીખોર, કોડીલો-કોડામણો... તું ઈચ્છે છે તેવો આધુનિક અને ફેશનેબલ છે. હું તને માત્ર પત્નીની જગ્યા આપી શકીશ, પણ આશ્ચર્ય તારી મહેરછાઓને પૂર્ણ કરી શકશે. હું અમારા પપ્પાને સમજાવી લઈશ પણ તારા પપ્પાને સમજાવવાની જવાબદારી તારી. બોલ રાહી છે કબૂલ?'
રાહીની વાત પૂરી થઈ, આશ્ચર્ય અદ્દભુત સામે એકીટસે જોઈ રહ્યો હતો.... 'આશ્ચર્યને મૌન જોઈને અદ્દભુત બોલી ઊઠયો : 'મારા નાનાભાઈ આશ્ચર્ય તું શાંતિથી બેસ. મારી વાત સાંભળ. રાહી વિષે તું લેશમાત્ર ચિંતા ના કરીશ. પપ્પાજીનો પુત્ર તો તું જ છે. હું તો છું માત્ર આંગળીનો નખ નખ કદી આંગળી ન બની શકે. એણે એમ કરવાની કોશિશ પણ ન કરવી જોઈએ. નખનું કામ છે, આંગળીની શોભા વધારી મદદરૂપ થવાનું મેં રાહીને કહી દીધું છે કે તેનાં લગ્ન આશ્ચર્ય જોડે જ ગોઠવવાનાં છે. હું તો મારા પપ્પાજીનો પાલકપુત્ર છું. સગો પુત્ર તો આશ્ચર્ય છે. હા, મારા જેવા અનાથ બાળકને પોતાનો બનાવી મારી પર તેમણે મોટો ઉપકાર કર્યો છે. હું પપ્પાજીની સેવા કરીશ અને મારા નાનાભાઈ આશ્ચર્યનું પણ ધ્યાન રાખીશ. લગ્ન કરીને તું
સુખી થા.''
અદ્દભુતની વાત સાંભળી આશ્ચર્ય તેના ખભે મસ્તક ઢાળીને રડવા લાગ્યો અને એણે કહ્યું : 'મોટાભાઈ, હું રાહીને પ્રેમ નથી કરતો.
આ તો તમને નીચા દેખાડવાનો મારો પ્લાન હતો.' અદ્દભુતની મહાનતા જોઈને સૌરભકુમારની મૂંગી આંખો એના પર આશીર્વાદનો વરસાદ વરસાવી રહી હતી.
ભોગ અને ત્યાગ બન્ને વચ્ચે સૂક્ષ્મ ભેદરેખા છે. માણસનું ત્યાગી મન ક્યારે ભોગવાદી બની જાય તે નક્કી નહી : સૌજન્ય એ વ્યક્તિગત પ્રશ્ન છે. જેને દાખવવું હોય તે દાખવી શકે. માણસે મનને સાચવવું જોઈએ. આશ્ચર્યના કહેવાથી રાહી અદ્દભુત સાથે લગ્ન કરવા રાજી થઈ ગઈ હતી. અને નક્કી કર્યા મુજબ એ બિસ્તરા-પોટલા લઈ અદ્દભુતને ઘેર આવી ગઈ અને પોતાની પ્રતિજ્ઞા જાહેર કરતાં એણે કહ્યું : 'જ્યાં સુધી અદ્દભુત તેને અપનાવશે નહીં, ત્યાં સુધી પોતે અન્નનો દાણો મોંમાં નાખશે નહીં : ' ઘણીવાર સત્યને જીવાડવા માટે માણસે સત્યના રખેવાળ બનવું પડે છે. આશ્ચર્ય પણ રાહી સાથે અનશન પર બેસી ગયો. રાહીએ પોતાના ઘેર જવાનું માંડી વાળ્યું. ભૂખ અને થાકને કારણે તે ઘસઘસાટ ઊંધી ગઈ હતી.
સવારે ઉઠીને જોયું તો અદ્દભુત તેની પાસે બેઠો હતો એની માગમાં સિંદૂર કુમકુમ પૂરી રહ્યો હતો. નાસ્તાની ડીશમાંથી નાસ્તાનો કોળિયો રાહીને જમાડતાં કહ્યું : 'રાહી, સત્યમેવ જયતે, તું અને આશ્ચર્ય જીતી ગયા છો અને હું હાર્યો છું. ક્યાં ગયો મારો ભાઈ આશ્ચર્ય?'