Home / GSTV શતરંગ : China is the champion in the race for the electric car market

GSTV શતરંગ/ ઇલેક્ટ્રિક કારના બજારની રેસમાં ચીન ચેમ્પિયન

GSTV શતરંગ/ ઇલેક્ટ્રિક કારના બજારની રેસમાં ચીન ચેમ્પિયન

 - વિવિધા 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

 - આગામી વર્ષોમાં એ.આઇ. અને ઇલેક્ટ્રિક વાહનોમાં જે દેશનો દબદબો રહેશે તે વિશ્વ પર રાજ     કરશે અને ચીન તેમાં અમેરિકા,જાપાન અને જર્મનીને પછડાટ આપી રહ્યું છે : ભારત તો હજુ         ફર્સ્ટ ગિયરમાં પણ નથી

 - ચીનમાં 60 ફૂટબોલ જેટલા વિસ્તારમાં એકથી એક ચઢિયાતી ઇલેક્ટ્રિક કારનું પ્રદર્શન જોઈ           વિશ્વના કાર ઉત્પાદકો અને ડીલર્સ દંગ થઈ ગયા.

 - વિશ્વમાં ચાર કરોડ ઇલેક્ટ્રિક કાર છે જેમાંથી બે કરોડ તો એકલા ચીનમાં જ છે. ભારતમાં               ૯૦,૦૦૦ ઇલેક્ટ્રિક કાર જ છે!

ટેક્નોલોજીના દિગ્ગજો માને છે કે આગામી દાયકામાં જે દેશ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઇલેક્ટ્રિક કાર ક્ષેત્રમાં સરસાઇ ધરાવશે તે વિશ્વ પર રાજ કરશે અને તેમાં ચીન અમેરિકાને સખ્ત પછડાટ આપી રહ્યું છે.

આપણે ચીનમાં કઈ હદે ભૂગર્ભમાં  એ.આઇ.ના સંશોધનો થાય છે તે હવે પછીના કોઈ એકાદ લેખમાં જોઈશું પણ ઇ.વી. કાર એટલે કે ઇલેક્ટ્રિક કારના બિઝનેસમાં ચીનની હરણફાળ જોઈને વિશ્વની  ઓટો ઇન્ડસ્ટ્રી અચંબામાં પડી ગઈ છે. 

ટેસ્લા કરતા આગળ

આપણે અમેરિકાની પ્રોડક્ટને જ આખરી માનીએ છીએ પણ ચીનની વ્યૂહ રચના એવી રહી છે કે અમેરિકા જેવા દેશ કોઈ પ્રોડક્ટ કે ટેક્નોલોજીને જન્મ આપે અને તે સાથે તરત જ ચીન એવી રીતે તે ટેક્નોલોજી હસ્તગત કરીને જથ્થાબંધ ઉત્પાદન અને પુરવઠો સમાંતર ધોરણે સસ્તામાં આપે કે વિશ્વ બજારમાં છવાઇ જાય.

ઇલોન મસ્કની ટેસ્લા કંપનીએ ઇલેક્ટ્રિક કાર વિશ્વને ભેટ ધરી પણ અત્યારે ટેસ્લા વિશ્વ બજારમાં ચીનની BYD ઇલેક્ટ્રિક કારની સામે પાછળ થઈ ગઈ છે.

વર્ષ ૨૦૨૪માં ટેસ્લાની વાર્ષિક રેવન્યુ ૯૭ અબજ ડોલર હતી જ્યારે ચીનની BYD ઈવી અને હાઈબ્રિડ કારની આવક  ૧૦૭ અબજ ડોલરનો આંક વટાવી ચૂકી છે.

નવાઈની વાત તો એ છે કે કારનું સૌથી મોટું બજાર ધરાવનાર અમેરિકા કે યુરોપ અને મિડલ ઇસ્ટના કેટલાક દેશોમાં તો ચીન કાર વેચી શકાતું નથી આમ છતાં ચીને યુરોપ અને વિશ્વના અન્ય દેશો થકી જ આ બજાર મેળવ્યું છે. વિચાર કરો, ચીનની કાર માટે અમેરિકા અને  ભારત સહિત જે દેશોમાં પ્રવેશ નથી ત્યાં વેચાણ કે ઉત્પાદનની પરવાનગી મળે તો તમામ કાર કંપનીઓમાં બ્રેક ડાઉન કે પંચર પડી જાય.

ઉડતી કારનું ડેમોન્સ્ટ્રેશન

ચીનમાં ગયા મહિને ચીનની તમામ બ્રાન્ડની ઇલેક્ટ્રિક કારનું તેમજ ભવિષ્યની હાઈ ટેક કારનું નિદર્શન વિશ્વના કાર બજારના વિક્રેતાઓને આમંત્રી યોજવામાં આવેલું. ૬૦  ફૂટબોલ મેદાન જેટલા વિસ્તારમાં આ ટેક શો રાખવામાં આવ્યો હતો.

ચીનની તાકાતનું પ્રદર્શન પણ કહી શકાય કેમ કે વિશ્વને ઇ.વી. કારણે રિચાર્જ બેટરીની અગવડ નડે છે તેનો ઉકેલ ચીને શોધી કાઢયો છે. માત્ર પાંચ જ મીનીટમાં સેકંડો માઇલ માટે કારની બેટરી ચાર્જ થાય તેવી બેટરીના બજારમાં ચીનની ઈજારાશાહી રહેશે.

૩૦ જેટલા કારના મોડેલમાં સૌથી હેરત પમાડે તેવી ઉડતી કારનું પણ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

ચીન અમેરિકા જ નહીં જાપાન,સાઉથ કોરિયા, જર્મનીની વર્તમાન હાઇ ટેક કાર કરતા બે જનરેશન આગળ છે. ચીનનું જમા પાસું સપ્લાય ચેઇન છે. અન્ય દેશોને ઓર્ડર મળે તો પણ તેઓ પહોંચી વળે તેમ નથી.એટલું જ નહીં ચીનની ઇલેક્ટ્રિક કાર હરીફ કાર કરતા ૨૦ ટકા સસ્તી પડે છે અને ફાસ્ટેસ્ટ ચાર્જ બેટરીમાં તેઓ બિનહરીફ છે.

ચીનનું ભેજું જુઓ. તેમની કાર કંપનીઓએ કારની ડિઝાઇન માટે ઓડી અને લેમ્બોરઘીની કંપનીના ડિઝાઇનરને અન્ય કંપનીઓ ન આપી શકે તેટલા ઊંચા પગાર સાથે જોબ પર રાખી લીધા છે.

BYD કારના મોડેલોની ડિઝાઇન આવી કંપનીના ડિઝાઇનર વોલ્ફગેંગ એગર જેવા જીનીયસ સંભાળે છે.

Denza Z કારનો વટ 

BYD કંપનીની નવી કારનું મોડલ કે જેનું નામ Denza Z છે તે જોઈને કોઈને એમ જ લાગે કે ત્રણેક કરોડની કાર હશે પણ હકીકતમાં રૂ. ૬૫ લાખની જ છે.

બી.એમ.ડબલ્યુ સેવન સિરીઝ અને પોર્સ્ચની પાનામેરા કારને હરીફાઈમાં રડાવી દેશે તેવી નીઓ કંપનીની ET9 લકઝરી સેડાન જોઈને પણ વિશ્વના કાર વિક્રેતાઓએ ડીલરશિપ માટે વેઇટિંગ નંબર મેળવવો પડયો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે શરૂમાં ટેરિફ માટે ફૂંફાડા માર્યા પણ ચીન પરની એ.આઇ., તેમજ કાર અને અન્ય નિર્ભરતા જોતા તેમણે કુણું વલણ અખત્યાર કરવું પડયું છે.

ટ્રમ્પને હવે મસ્ક જોડે આડું ફાટયું હોઇ તે અમેરિકામાં ચીનની કારને પ્રવેશ આપવાનું તુંડમિજાજી પગલું ભરશે તો ટેસ્લા કંપનીના ભારે બુરા હાલ થશે.

પાંચ મિનીટમાં બેટરી ચાર્જ

ચીનની રણનીતિ એવી રહી છે કે તેમના દેશમાં જ ડઝન જેટલી કંપનીઓ ઉભી થાય તે માટે સહાય કરવી અને તે પછી આ કંપનીઓ વચ્ચે જ ગળાકાપ હરીફાઈ સર્જવી જેથી કાર સસ્તી તો મળે પણ રિસર્ચ અને ડેવલપમેન્ટમાં પણ સરસાઇ મેળવવાની સ્પર્ધા જામે. આગળ જતા વૈશ્વિક બજારમાં પણ આ જ કારણે ચીન અગ્રેસર રહે.

ચીનમાં હવે તો ઈ.વી.ની બેટરી માટેની સ્પર્ધા જોઈ શકાય  છે. ટેસ્લા કે ભારતની ઇ.વી કંપનીઓમાં બેટરી ચાર્જમાં લેવાતો વધુ સમય અને ચાર્જિંગ સ્ટેશનની મર્યાદા છે ત્યારે ચીનની બી.વાય. ડી. કંપનીએ હજુ તો તેમની બેટરી પાંચ મિનિટમાં ૨૫૦ માઇલ અંતર કાપી શકાય તેવી રીતે ચાર્જ થાય છે તેવી જાહેરાત કરતા મીડિયા કોન્ફરન્સ યોજી અને તેના ગણતરીના દિવસોમાં બેટરીની જોઇન્ટ કંપની સી.એ.ટી. એલ.એ પાંચ મીનીટમાં ૩૨૦ માઇલ માટે બેટરી ચાર્જ થાય તેવી બેટરી લોન્ચ કરી.

બેટરી ઉપરાંત બીજી હરીફાઈ સ્માર્ટ ડ્રાઇવિંગ ટેકનોલોજી માટે પણ જોવા મળે છે. ઓટો પાઈલોટ મોડ વિશ્વની  પ્રીમિયમ કાર કંપની આપે છે પણ ચીનની હુવેઇ, શિઓમી અને મોમેન્ટા કંપની બી.વાય.ડી.ને તગડી હરીફાઈ પૂરી પાડે છે. 'ગોડસ્ આઇ ડ્રાઇવિંગ સિસ્ટમ'  નામની ટેક્નોલોજીથી સજ્જ ઓટો પાયલોટ ફીચર સાથેની  નાની કાર ૧૦,૦૦૦ ડોલરમાં જ મળે છે. વિશ્વની કંપનીઓની કારમાં ઓટો પાયલોટ ૪૦,૦૦૦ ડોલરથી વધુ કિંમતમાં જ ઉપલબ્ધ છે.સસ્તા મોડલમાં મલ્ટી ફંક્શન સ્ક્રીન, મનોરંજન, કારની ચેર પર બેઠા હોઈએ ત્યારે વાયબ્રેટર મસાજ થાય તે હવે બેઝિક કારમાં અપાય છે.

ચીનમાં જાપાનની નિશાન કારનો પણ દબદબો હતો હવે ચીનની કંપનીઓએ તેમના પણ વળતા પાણી કરી દીધા છે. ૯૭૦૦ ડોલરમાં તો ચીનમાં એસ.યુ.વી કાર પણ મળે છે.

ચીનમાં ઇ.વી.અને હાઈબ્રિડ કાર કંપનીઓ ડઝનથી વધુ છે. તેઓ વચ્ચે તીવ્ર હરીફાઈ અને માતબર ઉત્પાદન જોતા ચીનમાં તો કારના સ્ટોકનો ભરાવો થઈ ગયો છે.

હવે ચીનના કાર ઉત્પાદકોના એસોસિએશને કારની નિકાસ પર લક્ષ્ય બાંધ્યું છે. ૨૦૨૫ના પ્રથમ ત્રણ માસમાં ૪,૪૧,૦૦૦ કારની નિકાસ થઈ જે અગાઉના આ સમયના નોંધાયેલ આંકડા પ્રમાણે ચાલીસ ટકા વધુ છે.

ટોયોટા,હોન્ડા,નિશાન,ફોક્સવેગન જેવી કંપનીઓને ચીનના બજારમાં અને વિશ્વના બજારમાં ચીનની કારને લીધે કારમો ફટકો પહોંચ્યો છે.

ચીનની રણનીતિ

હજુ બે દાયકા પહેલા ચીનમાં કારનું કલ્ચર જ નહોતું. ચીનમાં સાયકલ સવારી જ દેખા દેતી હતી.૨૦૦૦ની સાલ પછી ચીનના લાખો મધ્યમ વર્ગીય પરિવારોની આર્થિક રીતે પ્રગતિ થઈ. ચીનની સરકારે જ કાર, એ.આઇ. મશીન, લેથ, ફર્નિચર, ચિપ, સેમિકન્ડટર ક્ષેત્રમાં દુનિયાને ખબર ન પડે તેમ ઉત્પાદન અને સંશોધન કર્યું. 

૨૦૦૯માં અમેરિકાની સરકારે ટેસ્લાને ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન કરવા અડધો અબજ ડોલરની સહાય કરી તેમજ ગ્રાહકને સબસિડી આપવાની યોજના ઘડી તે સાથે જ ચીનની સરકારે ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન કરનાર કંપનીઓને ઓફર કરી કે તમે ઇલેક્ટ્રિક વાહનો અને તેમાં સંશોધન કરો સરકાર તમામ જાહેર બસ અને દેશમાં ફરતી ટેક્સીના ઓર્ડર તમને આપશે. આ ઉપરાંત ઉત્પાદકોને ટેકસમાં રાહત, ગ્રાહકોને સબસિડી આપવામાં આવી. 

ઇલેક્ટ્રિક કાર આંકડાઓમાં

વિશ્વમાં કુલ ચાર કરોડ ઇલેક્ટ્રિક વાહનો છે તેમાંથી બે કરોડ એટલે કે ૫૦ ટકા તો એકલા ચીનમાં જ છે. જેમાં ચીનમાં પાંચ લાખ બસ અને ૨,૭૫,૦૦૦ લાઈટ વ્હેકલ્સ ઇલેક્ટ્રિક છે. અમેરિકામાં ૪૫ લાખ, જર્મનીમાં ૧૪ લાખ ઇ.વી.છે આની સામે ભારતમાં ૯૦,૦૦૦ ઇલેક્ટ્રિક કાર જ છે. ૨૫૦૦૦ જ ચાર્જિંગ સ્ટેશન હોઈ ગ્રાહકો ઇલેક્ટ્રિક કાર તરફ નથી વળતા. ઇલેક્ટ્રિક ટુ વ્હીલર્સ ૧૩ લાખ ઉપર છે. ચીનમાં ૯૨ લાખ ચાર્જિંગ ફેસિલિટી છે.

ભારતમાં જનરલ મોટર્સ, બજાજ ઓટો, હીરો ઇલેક્ટ્રિક, હ્યુન્ડાઈ, મહિન્દ્રા ગ્રુપ, ટાટા મોટર્સ, એમ જી , ટીવીએસ વગેરે કંપની ટુ વ્હીલર્સથી માંડી ફોર વ્હીલર્સ ઇલેક્ટ્રિક વાહનોનું  ઉત્પાદન કરે છે.

એ.આઇ. અને  ઇલેક્ટ્રિક વાહનોના બજારમાં ભારત ઝડપથી આગળ નહીં વધે તો અર્થતંત્રના કદને તો કદાચ વાંધો નહીં આવે પણ વિશ્વના અગ્રણી અને આધુનિક  સોફ્ટ પાવર દેશોમાં તેનું સ્થાન નહીં મેળવી શકે. 

- ભવેન કચ્છી

Related News

Icon