Home / GSTV શતરંગ / Deval Shastri : Is the man really running out of topics to talk about? Deval Shastri

શતરંગ / માણસ પાસે ખરેખર વાતોના વિષયો ઘટી રહ્યા છે?

શતરંગ / માણસ પાસે ખરેખર વાતોના વિષયો ઘટી રહ્યા છે?

- ચલ કહીં દૂર 

આપણને આજકાલ જાણેઅજાણે એક નવી બિમારી થતી જાય છે. આપણને એ લોકો જ યાદ રહે છે જેમની સાથે એક કલાક ગાળ્યો હોય પણ દોઢ કલાક જેટલી વાતો કરી હોય. આપણે દુઃખદ ઘટનાની જેમ એ લોકોને ભૂલવાનો પ્રયાસ કરીએ છીએ કે જેમની સાથે અડધો કલાક ગાળ્યો હોય પણ દશ મિનીટ જેટલી પણ વાતોનો વિષય મળ્યો હોય નહીં. 

સોશિયલ મીડિયાના યુગમાં એક વાત નિશ્ચિત થતી જાય છે કે વાતો કરવા માટે આપણી પાસે વિષયો ખૂટવા લાગ્યા છે. એકની એક વાત કરતાં રહીશું કે ગેરહાજર હોય એની ભરચક ટીકાઓ કરીશું પણ તંદુરસ્ત ચર્ચા માટે નવા વિષય તરફ ધ્યાન આપીશું નહીં. હકીકત તો એ થવી જોઈએ કે જાણીતા અજાણ્યા કે પછી નિકટના સગાંવહાલાંને મળતા પહેલાં થોડા વિષયો અને વાતો માટે તૈયારી કરવી જોઈએ. 
 
એક અભ્યાસ મુજબ સામાન્ય સંજોગોમાં માણસ વાતચીતની શરૂઆત હવામાનથી કરતો હોય છે. યુરોપમાં ઠંડી અને આજકાલ ભારતમાં ગરમી પર ચર્ચા સૌથી સરળ છે. હવામાન પરથી પર્યાવરણને સ્પર્શીને એક જ વિષય વધે છે જેના પર દરેક પાસે પુરતું જ્ઞાન છે અને એ વિષય છે રાજકારણ. 
 
રાજકારણની વાત આવે એટલે એકવાર સામી વ્યક્તિનું મન ચકાસી લેવું જરૂરી છે એ માટે કોમન સવાલ છે તમને શું લાગે છે?
 
"તમને શું લાગે છે?" કદાચ આજકાલ ગુજરાતીઓનું સૌથી વધુ બોલાતું વાક્ય છે. કોઈ અજાણ્યો વ્યક્તિ મળે એટલે પૂછે, "તમને શું લાગે છે?" આપણે ભોળાભાવે પૂછીએ કે શેનું? એટલે એ કહેશે કે સાહેબનું. એટલે સાહેબને શું થવાનું છે? એટલે જવાબ આપે કે ભાજપ રહેશે કે નાયડુ નવાજૂની કરશે? ભાઇ, નાયડુ ભાઇ કે નિતીશકુમાર મારા દૂર દૂરના સગામાં નથી કે એમનો અને મારો‌ કોઈ પરિચિત કોમન નથી. એ બંને આમારા ફેસબુક ફ્રેન્ડ નથી કે નથી અમે કોઈ આધ્યાત્મિક ગુરુ કે ભવિષ્યમાં શું બનવાનું છું એ જાણતા હોઇએ.
 
ગાંધીનગરમાં કોણ આવશે, તમને શું લાગે છે? અરે ભાઇ, હું કંઇ સર્વે કરવા જઉં છું?
 
આપણે કહીએ કે મોદીસાહેબ છે ત્યાં સુધી ગુજરાતમાં ભાજપ રહેશે. એટલે તરત કહેશે, પણ પહેલા તો બધાં ના પાડતા હતાં એટલે આપણે કહીએ કે બધાએ આજકાલ ખેસ પહેરી લીધો છે. આપણી સામે શંકાની નજરે જુએ પણ હકીકત એ છે કે એને અંદરથી પોતાની હોંશીયારી મારવા ચર્ચા કરવી છે, પોતાનું વાહિયાત જ્ઞાન દેખાડવું છે. આ ભાઇ રાહ જોતા હોય કે તમે અસહમત થાવ તો આક્રમક બેટિંગ કરવી છે. આપણી સહમતિ સાથે એ ભાઇનો મૂડ વિલાઈ જાય છે અને નિરાશા એના ચહેરા પર દેખાય છે.
 
આપણે રસ ન લઇએ તો યે પછી પાછો પૂછે કે વિપક્ષો માટે "તમને શું લાગે છે?" ભાઇ, કશું લાગતું નથી... તો કોંગ્રેસ માટે, "તમને શું લાગે છે". સાચે જ, થાકી જવાય છે આ પ્રશ્ન "તમને શું લાગે છે?"થી. 
 
ખાસ તો અમેરિકાવાળો એના ટ્રમ્પ કે બાઇડનને સાચવી ન શકે અને આપણી અડધી રાત્રે ફોન કરીને પૂછે, તમને શું લાગે છે? એ નવરો માણસ કલાક સુધી ઝંપે જ નહીં, ફોન મૂકે જ નહીં. થોડી થોડી વારે પૂછતો જ રહે કે "તમને શું લાગે છે?" મોદીજી રહેશે ને? 
 
ભૂલમાં કહીએ કે ફલાણા સંબંધીની તબિયત સારી નથી, તો તરત જ પૂછે "તમને શું લાગે છે?". અલ્યા, હું કંઈ ડોક્ટર છું? 
 
ઇવન કેટલાક મહાનુભાવો તો ઠંડી લાગે તો આપણને પૂછે, વાઇરલ હશે કે ચિકનગુનિયા કે ડેન્ગ્યુ... "તમને શું લાગે છે?" આપણે કંઈ વાઇરસના મામાના છોકરા છીએ કે એને ક્યો વાઇરલ કરડ્યો છે.
 
વરસાદ પડવાની આગાહી હોય તો ય નવરી બજાર પૂછે કે "તમને શું લાગે છે?" વળી આજકાલ એક નવો વિષય છે શેરબજાર. ક્યો શેર વધશે ને ક્યો પડશેથી શરૂ કરીને ફાઇનલી સરકારની સ્થિરતા પર તમને ઘેરવાની કોશિષ કરતાં પૂછશે કે શું લાગે છે? આપણે કહેવું પડે કે ભાઇ, મને શું ખબર. શેરબજાર સારું કે મ્યુચ્યુઅલ ફંડ? "તમને શું લાગે છે?" ભાઇ, મારું પાયલુંય એકેય બજારમાં નથી.
 
સોશિયલ મિડીયામાં વાંચે કે મુસ્લિમ વસ્તી વધી જશે એટલે આપણને પૂછે કે "તમને શું લાગે છે?" ભાઇ, એ લોકો વસતી વધારે કેવી રીતે કરે છે એમાં મને શી ખબર હોય? જાણે બધી સમસ્યાઓ આપણને ખબર હોય અને એના માટે આપણે જ જવાબદાર હોય એ રીતે પૂછે કે તમને શું લાગે છે? મમતા કેવી રીતે જીતી? 
 
અફઘાનિસ્તાનમાં તાલિબાન આવ્યા, તો "તમને શું લાગે છે"... ટાટા એર ઇન્ડિયા બરાબર કેમ નથી ચલાવતું? ચલાવી શક્શે? "તમને શું લાગે છે?" આપણે કહીએ કે ભાઇ, એમાં મારો કોઈ ભાગ નથી, મને પ્લેન ચલાવતા તો ઠીક સાઇકલ પણ આવડતી નથી. મને શું ખબર હોય... જઇને ટાટાને પૂછો ને...
 
તમે રેલ્વે સ્ટેશન પર છો, ટ્રેન લેટ હોય તો પણ એકાદ બે નમૂના પૂછશે "શું લાગે છે?" ટ્રેન આવશે ખરી? ભાઇ, હું ડ્રાઇવર કે સ્ટેશન માસ્ટર નથી. મને શું ખબર પડે પણ સરવાળે આ પ્રજાતિ તમે ભોળાભાવે જ્ઞાન આપવાની કોશિષ કરી એટલે તમે ભેરવાયા એવું માની જ લેજો. 
 
હા, ભૂલમાં તમે પરિણામ શબ્દ બોલ્યા, તો ભોગ તમારા. નીટથી માંડીને લોકસભામાં રાહુલની સ્પીચ સારી કે મોદીની સુધી મુદ્દાસર રીતે તમને ફસાવવામાં આવે. તમને તો એવું ફિલ થાય કે નીટની એક્ઝામ માટે હવે સુપ્રીમ કોર્ટમાં હાજર થવું પડશે એવું ગીલ્ટી ગીલ્ટી ફિલ કરાવી દે. જાણે પક્ષ વિપક્ષના નેતાઓની સ્પીચ તમે લખી હોયને એના પર જ પ્રશ્ન આવે કે "તમને શું લાગે છે?'' મને શું ખબર હોય... યાર, હું કંઈ સ્ટ્રેટેજી બનાવનાર છું તે બધી ખબર હોય.
 
એ તો સારું છે કે આ પ્રજાતિ મહાભારત યુગમાં ન હતી, બાકી ત્યાં પણ પૂછતાં હોત કે યુધિષ્ઠિરે જુગાર રમવા જવું જોઈતું હતું કે નહીં, "તમને શું લાગે છે?" યુદ્ધ ન થાય એ માટે ભગવાન શ્રીકૃષ્ણ હસ્તિનાપુર ગયા તો છે, પણ "તમને શું લાગે છે?".... 
 
ભાઇ, જે કરવું હશે એ ભગવાન જ કરશે. આમાં મને શું ખબર પડે... હે ભગવાન, આ પ્રજાતિઓ માટે શું કરવું જોઈએ એવો ભગવાનને પ્રશ્ન પૂછવો જોઇએ કે આ પ્રજાતિ માટે તમને શું લાગે છે?
 
ફાઇનલી, "તમને શું લાગે છે'' નો જવાબ એ નમૂનાઓએ વિચારેલો જ હોય છે, એને એ જ જવાબ જોઈએ છે, જેથી એનો ટાઇમપાસ થાય. જો એનો ગમતો જવાબ ન મળે તો ચર્ચા કરવાની વિકૃત મજા લેવી છે.
 
આ વાતનો ઉપાય એ છે કે જ્યારે કોઈ પૂછે "તમને શું લાગે છે" ત્યારે.... હું શું કામ શીખવાડું? ભોગવો.
 
સૌથી દુઃખદ એ છે કે કોઈ અસંખ્ય બિનવિવાદાસ્પદ વિષયો પર તંદુરસ્ત ચર્ચા કરવા તૈયાર નથી. બધાને ફાલતુ ચર્ચામાં મનોરંજન જોઈએ છે. પર્યાવરણ, શિક્ષણ, કૃષિ, ધાર્મિક સાહિત્ય, પ્રવાસન, પુસ્તકો, સિનેમા, પાકશાસ્ત્ર, વિદેશી ભોજન, વિજ્ઞાન, એઆઇ, વિદેશમાં તકો જેવા અસંખ્ય વિષયો પર વાતો કરી શકાય પણ આપણી કેસેટ એક જ જગ્યાએ વાગે છે અને એ છે કે તમને શું લાગે છે...
 
ઉત્કૃષ્ઠ વાતચીત માટે જરૂરી છે કે તમે જે વિષયની વાત કરો છો એમાં વીસ ટકા તમારું ઓર્થેન્ટિક નોલેજ છે અને સૌથી અગત્યના એંસી ટકા એ વાત પર નિર્ભર છે કે તમે જે જાણો છો એને કેવી રીતે અનુભવો‌ છો (જીમી જોન્સન)
 
- દેવલ શાસ્ત્રી