
- 'બેન, તમારા શરીરની નસો ખૂબ જ પાતળી છે. તેમાં સર્જરી કરવાનું રિસ્ક લઈએ અને ક્યાંય કોઈ નસ કપાઈ જાય તો બીજા કોમ્પ્લિકેશન્સ ઊભા થાય તેમ છે.
'બે ન તમારી સાથે કોઈ સગા આવ્યા હોય તો અંદર બોલાવો મારે વાત કરવી છે.' -ડો. જગદીપે કહ્યું.
'સાહેબ, હું એકલી જ આવી છું. મારા હસબન્ડ આ દુનિયામાં નથી અને મારા બંને બાળકો હજી નાના છે તો તેઓ ઘરે છે. તમારે જે વાત કરવી હોય તે મારી સાથે જ કરો.' - વિભૂતીબેને ડોક્ટરને કહ્યું.
'બેન વાત એવી છે કે, તમને સેકન્ડ સ્ટેજનું કેન્સર છે. તમારે ગર્ભાશય કઢાવી નાખવું પડશે. મારા મતે ઓપરેશન કરાવ્યા પછી બહુ વાંધો નહીં આવે, તમે આરામથી જિંદગી જીવી શકશો.' - ડો. જગદીપે ખૂબ જ સૌમ્યતાથી કહ્યું.
'સર, તમને ખરેખર લાગે છે કે, ઓપરેશન પછી મારા જીવવાના ચાન્સીસ છે. મને વિશ્વાસ નથી, આ મેડિકલ સાયન્સ ઉપર.' - વિભૂતીબેનના અવાજમાં નારાજગી ેહતી.
'બેન, એડવાન્સ ટેક્નોલોજી સાથે ઓપરેશન થાય છે અને દવાઓ પણ એટલી આધુનિક છે કે પેશન્ટને બહુ તકલીફ પડતી નથી.' - ડો. જગદીપ બોલ્યા.
'સર, આઈ હર્ડ ધેટ બીફોર ડેકેડ ઓલસો. આઈ બિલિવ્ડ ધેટ એન્ડ આઈ થિંક ધેટ વોઝ ધ બિગેસ્ટ મિસ્ટેક ઓફ લાઈફ. આઈ લોસ્ટ માય હસબન્ડ.' -વિભૂતી બેનનો અવાજ સહેજ રૃંધાયો.
'એક્સ્ટ્રીમલી સોરી. બેન તમે એક દાયકા પહેલાની વાત કરો છો. તે સમયે કેન્સરની ટ્રિટમેન્ટ અંધારામાં તીર મારવા જેવી હતી. હવે તો આધુનિક મશીન્સથી ઓપરેશન થાય છે. કિમો થેરાપી ઉપલબ્ધ છે. તમને જરાય વાંધો નહીં આવે.' - ડો. જગદીપે સાંત્વના આપી.
'ડોક્ટર, એ વખતે પણ કેન્સર એન્ડ રિસર્ચ સેન્ટરના ડીન અને જાણીતા કેન્સર સર્જન ડો. એલ. ડી. ત્રિવેદીએ પણ આવી જ વાતો કરી હતી. તેમના રવાડે ચડીને અમે સર્જરીનો ઓપ્શન સ્વીકાર્યો અને ઓપરેશનના માત્ર બે વર્ષમાં તો મેં માણસ ગુમાવી દીધો.' - વિભૂતીબેન સ્થિર ભાવ સાથે બોલ્યા.
'બેન, તમારા મનમાં જે માન્યતા ઘર કરી ગઈ છે તે ખોટી છે. અહીંયા એવું કશું જ નથી. તમે મારા ઉપર વિશ્વાસ કરી શકશો.' - ડો. જગદીપે કહ્યું.
'ચાલો, તમારા ઉપર વિશ્વાસ કરી પણ લઈએ છતાં આ જિંદગીનો વિશ્વાસ કેવી રીતે કરવો મારે. જો ડેસ્ટિનીને કંઈક અલગ જ મંજૂર હશે તો તમારા અને મારા પ્રયાસોનો કોઈ અર્થ સરવાનો નથી.' -વિભૂતી બેન મક્કમ અવાજે બોલ્યા.
'બેન, ડેસ્ટિનીમાં શું છે તેના વિશે તો આપણે સૌ અજાણ છીએ પણ જે આપણને દેખાય છે અને જેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી શકાય છે તેના માટે તો પ્રવૃત્ત થવું જ જોઈએ. આઈ થિંક વિ શુડ ટેક એ ચાન્સ ટુ ઓપરેટ.' - ડો. જગદીપે કહ્યું.
'આઈ એમ નોટ કન્વિન્સ્ડ યેટ. લેટ્સ ટેક સમ અધર ચાન્સ. જો હું ઓપરેશન નથી કરાવતી અને આપણે માત્ર દવા અને કિમો થેરાપી ઉપર જઈએ છીએ તો મારા સાજા થવાના ચાન્સીસ કેટલા છે?' -વિભૂતીબેને સવાલ કર્યો.
'બેન, યુ આર શો સ્માર્ટ. મને અત્યારે તો નથી ખબર પણ આપણે એક વખત ટ્રિટમેન્ટ શરૂ કરીએ. આપણે ફરીથી બધા જ રિપોર્ટ કઢાવી લઈએ અને તેના આધારે મેડિકેશન અને ફર્ધર ટ્રિટમેન્ટ નક્કી કરીશું. હું બધા ટેસ્ટ લખી દઉં છું. તમે અનુકુળ હોય તો બહાર કેશ કાઉન્ટર ઉપર કહી દેજો તો લેબવાળાને બોલાવી દેશે નહીંતર તમે ઘરે જઈને આરામથી ટેસ્ટ કરાવીને આવશો તો પણ ચાલશે.' - ડો. જગદીપના ચહેરા ઉપર સ્મિત આવી ગયું.
'બિલકુલ. તો રિપોર્ટ્સ આવશે એટલે ડેસ્ટિની ઉપરથી પડદો ઉચકાશે. ત્યાં સુધી મધ્યાંતર. ગુડનાઈટ ડોક્ટર.' -વિભૂતીબેન ઊભા થઈને ચાલવા લાગ્યા. ડો. જગદીપના ચહેરા ઉપર ફરીથી સ્મિત આવી ગયું. વિભૂતીબેન કેશ કાઉન્ટર પાસે ગયા. તેમણે ત્યાં ફાઈલ આપી.
'ટેસ્ટ અહીંયા કરાવવા છે કે તમે ઘરેથી કરાવીને આવશો.' - રિસેપ્શન ઉપર બેઠેલી મહિલાએ પૂછયું.
'અહીંયા જ કરાવવા છે.' - વિભૂતી બેને ટૂંકમાં પતાવ્યું. પેલી મહિલાએ લેન્ડ લાઈન ઉપરથી કોઈને ફોન કર્યો. તેણે વિભૂતી બેનને દસ મિનિટ બેસવા કહ્યું. તેણે ઈન્ટરકોમ ઉપર ડો. જગદીપ સાથે પણ વાત કરી અને ફાઈલ પોતાની પાસે જ રાખી. વિભૂતી બેન સામેની ખુરશીમાં જઈને ગોઠવાયા.
લગભગ પંદર મિનિટ થઈ અને એક છોકરો તેમની પાસે આવ્યો. તેમને હાથ આગળ કરવા કહ્યું અને તરત જ પટ્ટી લગાવીને આદત પ્રમાણે બ્લડ લઈ લીધું અને રિસિપ્ટ આપીને જતો રહ્યો. પાંચ મિનિટ પછી વિભૂતીબેન પાછા બિલ ડેસ્ક ઉપર આવ્યા.
'વિભૂતી બેન તમારી આ ફાઈલ. અંદર રિસિપ્ટ મુકી દેજો. શનિવાર સુધીમાં રિપોર્ટ આવી જશે. રિપોર્ટ અહીંયા જ આવશે તો તમારે લેવા જવાની કે ધક્કો ખાવાની ચિંતા નથી. તમે શનિવારે આવી જજો. બોલો કેટલા વાગ્યાની એપોઈન્ટમેન્ટ આપું?' - પેલી મહિલાએ કહ્યું.
'ઠીક છે. સાંજે છ વાગ્યાની જ આપો. ઠંડા પહોરે આવવાનું મને વધારે ફાવશે. અત્યારે કેટલા પૈસા આપવાના છે.' - વિભૂતીબેને કહ્યું.
'તમારે ૪,૦૦૦ આપવાના છે.' - પેલી મહિલા બોલી.
'જગદીપ ભાઈની ફી પણ આવી ગઈ એમાં કે માત્ર રિપોર્ટ્સના જ પૈસા ગણાયા છે.' - વિભૂતીબેને સવાલ કર્યો.
'સરે તમારા બિલમાં ૨૦ ટકા ડિસ્કાઉન્ટ લખાવ્યું છે. અહીંયાથી દવા લેશો, ડોક્ટરને બતાવશો કે રિપોર્ટ્સ કઢાવશો બધા ઉપર ૨૦ ટકા કપાઈને જ બિલ બનશે. ૪ હજારમાં બધું જ આવી ગયું છે.' - પેલી મહિલાએ કહ્યું અને વિભૂતીબેનના ચહેરા ઉપર સ્મિત આવી ગયું. નક્કી થયા પ્રમાણે વિભૂતીબેન પેમેન્ટ કરીને નીકળી ગયા અને શનિવારે ફરીથી હોસ્પિટલ પહોંચી ગયા. તેમનો નંબર આવ્યો એટલે તેઓ ડો. જગદીપની કેબિનમાં અંદર પ્રવેશ્યા.
'બેન તમે ડેસ્ટિનીમાં કેટલું માનો છો. ખાસ કરીને જન્માક્ષર વગેરેમાં તમને રસ ખરો.' - ડો. જગદીપે પૂછયું.
'તમે મારા રિપોર્ટ લેબમાં આપ્યા હતા કે પછી કોઈ જ્યોતિષને આપ્યા હતા.' - વિભૂતીબેને હસતા હસતા સામે સવાલ કર્યો.
'બેન વાત એવી છે કે, તમારા કેન્સરનો ઈલાજ થઈ શકે તેમ છે પણ તમારું શરીર સાથ આપે તેમ નથી.' -ડો. જગદીપે કહ્યું.
'મને કંઈ સમજાયું નહીં.' - વિભૂતીબેન બોલ્યા.
'બેન તમારા રિપોર્ટ્સ જણાવે છે કે, તમને સેકન્ડ સ્ટેજનું ગર્ભાશયનું કેન્સર છે. તમારી સર્જરી થાય તો બધું જ સારું થઈ જાય તેમ છે. તમારા કેસમાં ઓપરેશનનો સક્સેસ રેશિયો વધારે છે. તમે પછીથી આરામથી દોઢ-બે દાયકા હેલ્ધી લાઈફ જીવી શકશો પણ...' - ડો. જગદીપ થોડું અટક્યા.
'બસ, મને એ પણ...એમાં જ રસ છે.' - વિભૂતીબેન વચ્ચે જ બોલી પડયા.
'બેન, તમારા શરીરની નસો ખૂબ જ પાતળી છે. તેમાં સર્જરી કરવાનું રિસ્ક લઈએ અને ક્યાંય કોઈ નસ કપાઈ જાય તો બીજા કોમ્પ્લિકેશન્સ ઊભા થાય તેમ છે. મારા મતે તમારે ઓપરેશન ન કરાવવું જોઈએ. તમે કહેતા હતા તેમ માત્ર દવા અને કિમોથેરાપી દ્વારા ટ્રિટમેન્ટ ચાલે ત્યાં સુધી ચલાવવી જોઈએ.' - ડો. જગદીપે કહ્યું.
'સાહેબ, મને જ્યોતિષમાં વિશ્વાસ નથી પણ ડેસ્ટિનીને હું સમજી ગઈ છું. મારા હસબન્ડને કોઈ વ્યસન નહોતું. એકદમ નિયમિત જીવન હતું છતાં કેન્સર થયું અને અમે તેમને ગુમાવી દીધા. મારી લાઈફસ્ટાઈલ પણ ખૂબ જ સાદી અને સરળ છે છતાં આજે આ દિવસો આવ્યા. ઘણી વખત પ્રારબ્ધ આગળ તમારા પ્રયાસના સાધનો ટાંચા સાબિત થતા હોય છે. તમે થાય ત્યાં સુધી ટ્રિટમેન્ટ કરો અને હું પણ થશે ત્યાં સુધી કરાવીશ.' - વિભૂતીબેને કહ્યું અને લગભગ બે વર્ષ સુધી તેમણે ટ્રિટમેન્ટ કરાવી પછી એક દિવસ દેહ મૂકી દીધો.
પોતાના ક્લિનિક ઉપર કુરિયરમાં આવેલા પુસ્તક, વિભૂતીની વિલક્ષણતાનું પહેલું પ્રકરણ વાંચીને ડો. જગદીપ આશ્ચર્યમાં મુકાઈ ગયા. તેમણે પુસ્તક થોડું ફંફોસ્યું અને આમ તેમ ચકાસ્યું તો લેખકનું નામ હતું, ખેવના વિભૂતી ત્રિવેદી.
તેમણે પુસ્તક મોકલનારને ફોન કર્યો તો ખેવનાએ જ ફોન રિસિવ કર્યો અને જણાવ્યું કે, તેની માતાએ મરતા પહેલાં પોતાની અંગત ડાયરી આપી હતી તેમાંથી જ આ માહિતી ભેગી કરીને તેમની ૧૦મી પુણ્યતિથીએ પુસ્તક પ્રસિદ્ધ કર્યું. મમ્મીનો આગ્રહ હતો કે, જીવનમાં અવસર મળે તો ડો. જગદીપની મદદ અને આશ્વાસનનું ઋણ ઉતારી શકે તો ઉતારજે. તેનો જ આ વિનમ્ર પ્રયાસ છે.
ફોન મૂકીને ડોક્ટર જગદીપ પોતાના કેબિનની બારી પાસે આવીને ઊભા રહ્યા અને ક્યાંય સુધી આથમતા સૂર્યના અજવાસને તાકતા રહ્યા.