Home / GSTV શતરંગ : How did the Victory Sign become popular

GSTV શતરંગ / વિજયનો પર્યાય બનેલી વિક્ટરી સાઈન કેવી રીતે પોપ્યુલર થઈ ?

GSTV શતરંગ / વિજયનો પર્યાય બનેલી વિક્ટરી સાઈન કેવી રીતે પોપ્યુલર થઈ ?

- સાઈન-ઈન 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- દક્ષિણ કોરિયાની ચૂંટણીમાં 'વી સાઈન' વિવાદિત થઈ એટલે ગ્લોબલી એની ચર્ચા જામી છે. 'વી સાઈન' અત્યારે જે રાજકીય રેફરન્સમાં વપરાય છે માત્ર એવો અર્થ એનો થતો નથી

એક કે બંને હાથ હવામાં લહેરાવીને, અંગુઠા સહિત આખો પંજો બંધ રાખીને માત્ર પહેલી બે આંગળીઓ સહેજ પહોળી થાય તે રીતે 'વી શેપ' દર્શાવતી વિક્ટરીની નિશાની - દુનિયાભરના નેતાઓનો આ બેહદ પ્રિય પોઝ છે. જે દેશમાં ચૂંટણી હોય ત્યાંના સત્તાપક્ષ-વિપક્ષના નેતાઓ ચૂંટણી પ્રચાર દરમિયાન 'વી સાઈન' બતાવીને કેમ્પેઈનિંગ કરતા હોય છે. ચૂંટણી જીતી જાય એ પાર્ટીના વિજેતા નેતાઓ-કાર્યકરો પણ 'વિક્ટરી સાઈન' બતાવીને ઉજવણી કર્યા વગર રહી શકતા નથી.

માત્ર નેતાઓ જ નહીં, સ્પોર્ટ્સમાં પણ 'વી સાઈન' બતાવીને સેલિબ્રેશન કરવાનું સામાન્ય છે. સોશિયલ મીડિયાના જમાના પછી તો 'વી સાઈન' નો ક્રેઝ એટલો વધ્યો છે કે નાની-મોટી ચૂંટણીઓથી લઈને સાવ સાધારણ કક્ષાની સ્પોર્ટ્સની ઈવેન્ટમાં જીત મેળવનારા પણ બંને આંગળીઓ વચ્ચે વિક્ટરીનો 'વી' બનાવીને વિજેતા હોવાનું ગૌરવ મેળવી લે છે.

વી સાઈનને એટલી પોપ્યુલારિટી મળી છે કે રોજિંદા ફોટો પોઝમાં આ સાઈન સામાન્ય થઈ પડી છે. મ્યુઝિકથી માંડીને પ્રદર્શનો સુધી, ચૂંટણીથી લઈને સ્પોર્ટ્સ સુધી વિક્ટરી સિમ્બોલ રૂટિન થઈ પડયો છે. આ રૂટિન પોઝ દક્ષિણ કોરિયામાં એકાએક વિવાદનું કારણ બની ગયો. દક્ષિણ કોરિયામાં પ્રમુખપદ માટે ચૂંટણી ચાલતી હતી. દેશમાં માર્શલ લો લાગુ પાડીને રાતોરાત અળખામણા થઈ ગયેલા યૂન સુક યોલની કન્ઝર્વેટિવ પીપલ્સ પાવર પાર્ટીનો ઈલેક્શન સિમ્બોલ વિક્ટરી સાઈનને મળતો આવે છે. આ પાર્ટીની લોકપ્રિયતા અચાનક ગગડી ગઈ અને પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર કિમ મૂન સુની હાર નિશ્વિત મનાતી હતી. વળી, આ પાર્ટીને મતપત્રકમાં બીજો નંબર આપવામાં આવ્યો હતો એટલે સ્થાનિક લોકોએ એનો અર્થ એવો કાઢ્યો કે વી સાઈન આપવી એટલે બે નંબરની પાર્ટીને મત આપો - એવી અપીલ કરવી.

જો કોઈ વિક્ટરીની સાઈન કરે તો સોશિયલ મીડિયામાં કન્ઝર્વેટિવ પાર્ટી સાથે જોડીને ટીખળ કરવામાં આવતી હતી. એટલે ચૂંટણી ચાલી એટલો વખત દક્ષિણ કોરિયામાં વી સાઈન દર્શાવવા પર સ્વયંભૂત પ્રતિબંધ જેવી સ્થિતિ હતી. દક્ષિણ કોરિયાનું પોપ કલ્ચર ગ્લોબલી મોટું ફેન ફોલોવિંગ ધરાવે છે. ઘણા મ્યુઝિકલ બેન્ડના પોપ સ્ટાર્સ કૉન્સર્ટ્સમાં વિક્ટરી સિમ્બોલ બતાવતા હોય છે. ફેન્સ સાથે સેલ્ફી લેતી વખતે વી સાઈન બતાવવી એ સાઉથ કોરિયન પોપ સ્ટાર્સ અને એક્ટર્સનો ટ્રેડમાર્ક છે. પરંતુ ચૂંટણી ચાલી ત્યાં સુધી એ બધાએ વી સાઈન બતાવવાનું બંધ કરી દીધું. આ કારણે વી સાઈન ન્યૂઝમાં છે, ત્યારે આપણેય એની ચર્ચા કરી લઈએ...

વી સાઈન દર્શાવવાનું ચોક્કસ ક્યારથી શરૂ થયું એ સ્પષ્ટ કરતો ઈતિહાસ નોંધાયો નથી. યુરોપના રેફરન્સથી એક આ સ્ટોરી આગળ કરવામાં આવે છેઃ ૧૩૩૭થી ૧૪૪૩ સુધી ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે યુદ્ધ ચાલ્યું હતું. ઈતિહાસમાં તેને 'હન્ડ્રેડ યર્સ વોર' કહેવાય છે. સતત બાખડતા રહેતાં આ બંને દેશોના સૈનિકોએ વી સાઈન દર્શાવવાનું શરૂ કર્યું હતું. ઈંગ્લેન્ડ અને ફ્રાન્સના સૈનિકો એકબીજા પર બાણો વરસાવતા હતા. ઈંગ્લેન્ડના સૈનિકો જીવતા પકડાતા તો ફ્રાન્સના સૈનિકો એનો અંગુઠો અને પહેલી આંગળી કાપી નાખતા. એવું કરવાથી એ સૈનિકો નકામા થઈ જતાં. ન એ બાણો વરસાવી શકતા કે ન એ તલવાર ચલાવી શકતા. એને કેદ કરીને સાચવવા કરતાં આ તરકીબથી બેકાર કરી દેવાનું ફ્રાન્સના લશ્કરને વધુ અનુકૂળ આવતું. સવા સો વર્ષની લાંબી લડાઈ વખતે ધીમે ધીમે એવું થવા માંડયું કે ફ્રાન્સના સૈન્યથી બચીને છુપાઈ ગયા હોય એ ઈંગ્લેન્ડના સૈનિકો જ્યારે પોતાના સાથીઓ શોધવા આવે ત્યારે બહાર નીકળતા અને ફ્રાન્સના લશ્કરથી બચી ગયા હોવાથી અંગુઠો-આંગળીઓ સલામત છે એ દર્શાવવા હાથ હવામાં લહેરાવીને અંગુઠો ને પહેલી બે આંગળીઓ બતાવતા. ઈંગ્લેન્ડના સૈનિકો પણ સામે એ જ પ્રત્યુત્તર આપતાને એમાંથી વી સાઈનનો જન્મ થયો.

બીજી સ્ટોરી વર્લ્ડવોર વખતની છેઃ બેલ્જિયન રેડિયો બ્રોડકાસ્ટર વિક્ટર ડી લાવેલેયે રેડિયોના માધ્યમથી લોકોને એવી અપીલ કરી હતી કે ઘૂસણખોર સૈનિકોથી ડરવાને બદલે તેમને વેલરયાને બહાદુરી બતાવીને વી સાઈન દેખાવો. અહીં વી સાઈનનો અર્થ વેલર થતો હતો. રેડિયો બ્રોડકાસ્ટરમાંથી રાજકારણી બનેલા લાવેલેયેનો રેડિયોમાં કેટલાય સમય સુધી એનું કેમ્પેઈનિંગ કર્યું અને વી સાઈન બતાવવાનો બીજો અર્થ પણ આપ્યો કે વી સાઈનનો અભદ્ર ઈશારો કરીને, દુશ્મન સૈનિકોનું અપમાન કરીને તેમને આયનો બતાવો. એ પછી બેલ્જિયમ, ફ્રાન્સ જેવા દેશોમાં આ નિશાની દર્શાવવાનું શરૂ થયું. ફ્રાન્સમાં ફ્રીડમના સંદર્ભમાં વિક્ટરી સાઈન બતાવાતી હતી.

ત્રીજી સ્ટોરી સેકન્ડ વર્લ્ડવોરની જ છેઃ ચર્ચિલ રાજકારણી બન્યા તે પહેલાં લેખક હતા. તેમણે લશ્કરી વાર્તાઓમાં વાંચ્યું હતું કે જૂના સમયમાં સૈનિકો યુદ્ધ કરવાની નિશાની રૂપે પંજો ભેગો કરીને ઉપર કરતા. રોકાઈ જવા માટે ખુલ્લી હથેળી હવામાં લહેરાવતા અને સામે આવતી અજાણી ટૂકડીને શાંતિનો મેસેજ આપવા પહેલી બે આંગળી હવામાં લહેરાવતા. વિશ્વયુદ્ધ વખતે બ્રિટનના પીએમ રહેલા વિન્સ્ટન ચર્ચિલે એ વાર્તાથી પ્રેરિત થઈને સાથી દેશોના નેતાઓને વી સાઈન દર્શાવવાની અપીલ કરી. મિત્ર દેશો શાંતિ માટે યુદ્ધ કરે છે એવો મેસેજ આપવાનો તેમનો ઈરાદો હતો. જોકે, શરૂઆતમાં ખોટી રીતે એ નિશાની બતાવી દેતા ચર્ચિલની ટીકા પણ થઈ, છતાં તેમણે સુધારો કરીને આ નિશાની બતાવવાનું શરૂ રાખ્યું. પરિણામે બ્રિટન વી સાઈન પોપ્યુલર કરવાનો યશ ચર્ચિલને આપે છે.

બે દશકા સુધી ચાલેલા વિએતનામ વોર વખતે અમેરિકામાં પ્રમુખપદના ઉમેદવાર રિચર્ડ નિક્સને શાંતિ સ્થાપવાની હિમાયત કરી હતી અને તેના ભાગરૂપે શાંતિ માટે વી સાઈન દર્શાવીને પ્રચાર કર્યો હતો. અમેરિકામાં વી સાઈનને પોપ્યુલર બનાવવાનો જશ નિક્સનને આપવામાં આવે છે. જોકે, નિક્સન જેના વાઈસ પ્રેસિડેન્ટ હતા એ પ્રમુખ આઈઝનહોવર ચૂંટણી પ્રચાર વખતે બંને હાથે વિક્ટરી સાઈન દર્શાવતા હતા. નિક્સને પ્રમુખપદના ઉમેદવાર બન્યા ત્યારે એની નકલ કરીને પીસ માટે વી સાઈન દર્શાવી ને અમેરિકામાં એને લોકપ્રિયતા અપાવી હતી.

જાપાનમાં લોકો ફોટો પોઝમાં વી સાઈનમાં પીસનો મેસેજ આપે છે. અમેરિકામાં દેખાવો વખતે શાંતિથી પોતાની રજૂઆત પર ધ્યાન આપવામાં આવે - એમ કહેવા માટે વી સાઈનનો ઉપયોગ થાય છે. અમેરિકામાં તો વી સાઈન મહિલા આંદોલનમાંય સિમ્બોલ છે. યુરોપના ઘણાં દેશોમાં એકતા દર્શાવવા માટે વી સાઈન પ્રયોજાય છે.

ઈન્ડોનેશિયામાં સલામ-દુઆનો ભાવ બતાવવા વી સાઈન આપવામાં આવે છે. દુનિયાભરના બાઈક રાઈડર્સમાં હાથની જે નિશાનીઓ છે એમાં વી સાઈન સૌથી પોપ્યુલર છે. એકલ-દોકલ બાઈક રાઈડર કે ગ્રુપ એકબીજાને રસ્તામાં સામે મળે ત્યારે રસ્તામાં બધું બરાબર છે, આગળ વધો - એમ કહેવા માટે વી સાઈન બતાવે છે.

વેલ, આજે વી સાઈન ભલે વિક્ટરીનો પર્યાય ને રાજકીય સભાઓ-રેલીઓનો પર્યાય ગણાય છે, પરંતુ એના એ સિવાયના અર્થો પણ થાય છે. સૈનિકોથી લઈને બાઈક રાઈડર્સ, પ્રદર્શનકારીઓ, ફિલ્મસ્ટાર્સ, સ્પોર્ટ્સ પર્સન્સ અલગ અલગ સંદર્ભમાં વી સાઈન આપે છે. એ માત્ર વિક્ટરી કેમ્પેઈનમાં વપરાતી સાઈન નથી. એમાં પીસ-પ્રેમ-સલામ-દુઆનો ભાવ પણ છે.  

વી સાઈનમાં હથેળી સામેની તરફ ન હોય તો અપમાન!

વી સાઈન આપતી વખતે હથેળી જોનારાની સામે રાખવી જોઈએ. તો એનો અર્થ ફ્રીડમ-પીસ-વિક્ટરી કરી શકાય. જો વી સાઈન આપતી વખતે હથેળી આપણી તરફ હોય તો એ ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ, બ્રિટન, દક્ષિણ આફ્રિકા, આયર્લેન્ડ સહિત ઘણાં દેશોમાં અપમાન માનવામાં આવે છે. જેમ મિડલ ફિંગર બતાવવું વલ્ગર કે અપમાનજનક ગણાય છે એમ ઊંધી વી સાઈન બતાવવી પણ વલ્ગર-અપમાનજનક છે. સેકન્ડ વર્લ્ડવોર વખતે શરૂઆતમાં બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર ચર્ચિલે ભૂલથી ઉંધી વી સાઈન બતાવી હતી. એની તસવીરો અખબારોમાં છપાઈ હતી તે પછી ઘણાં સાથી દેશોમાં પણ ચર્ચિલનો વિરોધ થયો હતો. એ અભદ્ર નિશાની થાય છે એવું સમજ્યા પછી ચર્ચિલે પોતાની ભૂલ સુધારી હતી ને સાથી નેતાઓને પણ યોગ્ય રીતે વી સાઈન બતાવવાનું સૂચન કર્યું હતું.

સવા સો વર્ષ પહેલાં કામદારોએ કેમેરા સામે વી સાઈન દર્શાવી હતી

૨૦મી સદીની શરૂઆતમાં શોર્ટ ફિલ્મ બનાવવાના શરૂઆતી પ્રયોગો ચાલતા હતા ત્યારે કોઈ પ્રયોગશીલ ફિલ્મમેકરે ઈંગ્લેન્ડના રોધરહામમાં ૧૯૦૧માં કામદારોનું શૂટિંગ શરૂ કર્યું હતું. એ વખતે લોકો ફિલ્મિંગ અને ફોટોગ્રાફીને શંકાની નજરે જોતા હતા. એનાથી રોગચાળો ફેલાય છે, એના કારણે શરીરને નુકસાન થાય એવી ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તતી હતી. કામદારોને તેમનું શૂટિંગ પસંદ આવ્યું ન હતું એટલે ઘણાં કામદારોએ કેમેરા સામે ઉંધી વી સાઈન કરીને વિરોધ નોંધાવ્યો હતો અને કેમેરામેન સામે અપમાનજનક ઈશારા કર્યા હતા. બ્રિટનમાં હથેળી વી સાઈન બતાવનારા તરફ હોય ને બે આંગળીઓ જોનારા તરફ તેને એ વખતે અભદ્ર નિશાની ગણવામાં આવતી હતી. ઓન કેમેરા થયેલો એ સૌપ્રથમ અભદ્ર ઈશારો હતો!

- હર્ષ મેસવાણિયા  

Related News

Icon